તાંબામાં નીચા મથાળેથી સતત સુધારે $ 6200ની સપાટી પાર

ચીન-અમેરિકાની માર્ચની વાટાઘાટ પર તેજીનો દારોમદાર
સૈફી રંગવાલા
મુંબઈ, તા. 8 ફેબ્રુ.
તાંબાનો ભાવ ટનદીઠ 5800 ડૉલરનું તળિયું બનાવ્યા પછી મંગળવારે એલએમઈ ખાતે તે ટનદીઠ 6205 ડૉલર બંધ રહ્યો હતો. ચીન-અમેરિકા વચ્ચેના વેપાર સંઘર્ષનો નિવેડો લાવવા અને નવેસરથી નવા નિયમો સાથે વેપાર જાળવી રાખવા માટે મહત્ત્વપૂર્ણ વાટાઘાટ શરૂ થયા પછી વૈશ્વિક અર્થતંત્રના હિતમાં ચીન અમેરિકાના ઇન્ટલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો આદર કરવામાં આગળ વધીને તેની સામે અમેરિકાને ટ્રેડ પ્રતિબંધમાં બાંધછોડ કરવા સમજાવશે એમ રોઇટરનો અહેવાલ કહે છે. બંને મહાસત્તાની ચાલ ટકાવી રાખવા કોઈક સમાધાન થવાના પ્રબળ સંકેત હોવાથી બિનલોહ ધાતુના ભાવમાં `વ્યાપાર'માં અગાઉ જણાવ્યા પ્રમાણે ધીમો પરંતુ એકધારો સુધારો શરૂ થઈ ચૂક્યો છે. એલએમઈ ખાતે તાંબુ ટન દીઠ 6257 ડૉલર કવોટ થયું છે. બજારનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ટેક્નિકલી જોઈએ તો 5800 ડૉલર નીચેની બોટમથી તાંબાના ભાવમાં 6300 ડૉલર પાર કરવાની ક્ષમતા હોવાથી સ્થાનિકમાં મંદીવાળાઓ 5900 ડૉલર નીચે વેચવાની ભૂલ કરશે નહીં.
રોઈટરના અહેવાલ અનુસાર 2 માર્ચ '19થી શરૂ થતી ચીનની સંખ્યાબંધ પ્રોડક્ટ પરના અમેરિકાના આયાત પ્રતિબંધને રોકવા વચલો માર્ગ શોધવા આવતા અઠવાડિયે બીજિંગમાં બંને દેશોના અધિકારીઓ પુન: વાટાઘાટ કરશે.
દરમિયાન એલએમઈ ખાતેનો વેરહાઉસિંગ રેકર્ડ દર્શાવે છે કે 4 ફેબ્રુઆરીએ ઓપનિંગ સ્ટોક 1,49,900 ટન અને કેન્સલ થયેલાં વોરન્ટનો કુલ જથ્થો 43,900 ટન હતો. અમેરિકાના રોજગારીના તાજા આંકડા સતત સુધારે આવવા સાથે ચીન સરકારે આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા બૅન્કોને વધુ નાણાં છૂટાં કરવા જણાવ્યું છે. આગામી અર્ધવાર્ષિક ગાળામાં નવા સ્થાનિક બાંધકામ વધારવાની સાથોસાથ નિકાસનો વ્યાપ વધારવાનો તેનો વ્યૂહ છે એમ ચીન સાથે વેપાર કરનાર સૂત્રોએ `વ્યાપાર'ને જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે ચીન સરકારે નવા જોશથી કોઈપણ ભોગે નિકાસ વધારવા દરેક ક્ષેત્રના ઉત્પાદકોને સ્પષ્ટ જણાવી દીધું છે. બીજી તરફ ચીન સરકારે વધુને વધુ ડૉલર ખરીદવાનો વ્યૂહ અપનાવ્યો છે. જેથી યુઆનનો ભાવ દબાવાથી તેની નિકાસ સસ્તી થવાથી યુરોપ-એશિયા સાથે તેની ટક્કર વધુ ઉગ્ર બનશે જ્યારે ડૉલર સતત મજબૂત થતાં તેની નિકાસ ધાર તદ્દન બુઠ્ઠી થતી જાય છે. આમ ચીને પોતાને મળેલ નિકાસ અને વપરાશના એન્જિનનું બિરુદ જાળવવા કમર કસી હોવાથી 2019માં લોખંડ અને બિનલોહ ધાતુની માગ વપરાશ વધશે. તેથી તાંબા અને જસતના ભાવમાં હવે મોટા કડાકાના સંયોગ ઘટતા જાય છે. જોકે ચીનના તાજા વૃદ્ધિદરના નીચા આંકડાથી વૈશ્વિક અર્થતંત્ર બાબતની આશંકા ચાલુ રહી છે.
બીજી તરફ સટ્ટાકીય ખેલો કરનાર વૈશ્વિક હેજ ફંડો અને મોટો સંગ્રહ ધરાવનાર એક વાર ખરીદી શરૂ કર્યા પછી પોતે જ ભાવ ટકાવવા હેજીંગ કરવાની શરૂઆત કરે તેવી વકી છે. તેથી મધ્યમ ગાળા માટે હવે તાંબાના વાયદામાં માથે વેચાણ કોઈ સંજોગોમાં હિતાવહ નથી. એમ ઉદ્યોજકોના અંતર્ગત વર્તુળોએ જણાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે તાંબામાં અંડરકરંટ શરૂ થયો છે. પરંતુ ભાવનો ઉછાળો જોવાય ત્યારે લેવાની અથવા વેચવાની ઉતાવળ કરવી જોઈએ નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer