``મહા-યુદ્ધ'''' શરૂ

લોકસભાના ચૂંટણીજંગની શરૂઆત થઈ ચૂકી છે. કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પક્ષના મહામંત્રીઓ અને અન્ય પદાધિકારીઓને મહાયુદ્ધ માટે તૈયાર થઈ જવાની હાકલ કરી છે. ગરીબો અને પછાત વર્ગના કલ્યાણ માટે લઘુતમ આવકની યોજનાની વિગતો ટૂંકમાં જ તૈયાર થઈ જશે- વડા પ્રધાન નરેન્દ્ર મોદી `ડરપોક' છે, મારી સાથે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર નથી, એમ પણ રાહુલ ગાંધી કહે છે. પદાધિકારીઓની બેઠકમાં હાજર રહેલાં પ્રિયંકા ગાંધીએ પણ ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસના નવજીવન માટે ગમે તે ભોગ આપવાની તૈયારી બતાવી છે.
બીજી તરફ લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ ઉપર ભારે આક્રમક પ્રહાર કરીને ભાજપ - એનડીએનો જુસ્સો તથા આત્મવિશ્વાસ વધારી દીધો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ `કૉંગ્રેસ - મુક્ત' ભારતની હિમાયત કરી હતી તે યાદ અપાવીને વડા પ્રધાને કૉંગ્રેસ શાસનનાં પંચાવન વર્ષની સરખામણી એનડીએનાં પંચાવન મહિના સાથે કરી અને ગરીબ-પછાત વર્ગ માટે વચનો જ નહીં - નક્કર પગલાં ભરાયાંની માહિતી આપી હતી. રાહુલ ગાંધી ઉપર સીધો આક્ષેપ કર્યો કે ભારતીય વાયુસેના નબળી પાડવા માગો છો. કઈ વિદેશી કંપનીના હાથમાં રમી રહ્યા છો?
નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ ઉપર આક્રમણ કેન્દ્રિત કર્યું છે- મહાગઠબંધનને `મહામિલાવટ''નું નામ આપીને - છેલ્લાં ત્રીસ વર્ષમાં ભારતે આવી સરકારોનું શાસન જોઈ લીધું છે એમ જણાવી કૉંગ્રેસ સાથે સીધી લડાઈ - મહાયુદ્ધ - હોવાની ઘોષણા કરી દીધી છે.
સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક સમક્ષ રાષ્ટ્રપતિજીએ કરેલા મંગળ પ્રવચન ઉપરની ચર્ચાનો જવાબ આપતાં વડા પ્રધાને વર્તમાન લોકસભામાં છેલ્લું ભાષણ કરીને નવી લોકસભામાં ભાજપ-એનડીએની બહુમતી અને સરકાર હશે જ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે આ `મહાયુદ્ધ' - મહાભારતના કુરુક્ષેત્રમાં શરૂ થઈ રહ્યું છે.
મમતા બેનરજીએ મહાગઠબંધન માટે ઘણા પ્રયાસ કર્યાં છે. કર્ણાટકથી લઈને કોલકાતા સુધી- વીસ વીસ નેતાઓને હાથ ઊંચા કરીને ઊભા રાખ્યા છે. તાજેતરમાં સીબીઆઈના નામે લોકશાહી બચાવો - સંવિધાન બચાવો-ની બૂમાબૂમ થઈ. કૉંગ્રેસે શરૂઆતમાં ટેકો આપ્યા પછી વિચાર બદલ્યો, માર્ક્સવાદીઓનાં દબાણના કારણે મમતા સાથે રહેવાનું શક્ય નથી. આમ છતાં હવે નવી દિલ્હીમાં ફરીથી પ્રયાસ થનાર છે.
કૉંગ્રેસમાં વડા પ્રધાનપદના એકમાત્ર દાવેદાર- રાહુલ ગાંધી છે. મહાગઠબંધનમાં મમતા ઉપરાંત બીજા નેતાઓનાં ``સ્વપ્ન'' છે. ત્યારે ભાજપમાં નીતિન ગડકરી અને હવે નીતિશકુમારનું નામ પણ રમતું થયું છે - અથવા કરવામાં આવ્યું છે. રાહુલ પછી હવે સોનિયાજીએ પણ નીતિન ગડકરીની કામગીરી વખાણી છે - અલબત્ત રાજકારણમાં આવા દાવ - અને બતાવવાના દાંતની નવાઈ નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન આવા ``નકલી સમાચાર'' અને તેની ચર્ચા ચાલ્યા જ કરશે પણ જનમાનસ ઉપર તેની અસર પડશે ખરી?

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer