દરિયાપારની નબળાઈને પગલે સેન્સેક્ષમાં 425 પૉઈન્ટનું ગાબડું

દરિયાપારની નબળાઈને પગલે સેન્સેક્ષમાં 425 પૉઈન્ટનું ગાબડું
અૉટો અને ધાતુના શૅરોમાં જોરદાર વેચવાલી
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 8 ફેબ્રુ.
અમેરિકા-એશિયાની બજારના નબળા અહેવાલ અને સ્થાનિકમાં સટ્ટાકીય વેચવાલીના બેવડા ભાર હેઠળ સ્થાનિક બજારમાં વ્યાજદર ઘટાડા છતાં આજે તમામ વિભાગોમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો હતો. શરૂઆતના એનએસઈ નિફટી ઘટીને ખૂલ્યા પછી સતત દબાણ હેઠળ 11925 સુધી ઘટયા પછી ટ્રેડ અંતે 126 પૉઈન્ટ ઘટાડે 10944.70 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 424 પૉઈન્ટ ઘટીને 36547 બંધ હતો. એનએસઈ નિફટીનો આજે વાહન ઈન્ડેક્ષ 3.6 ટકા, મેટલ ઈન્ડેક્ષ 3.4 ટકા, જ્યારે બીએસઈ ખાતે મિડકેપ ઈન્ડેક્ષ 203 પૉઈન્ટ અને સ્મોલકેપ 122 પૉઈન્ટ ઘટયા હતા. આ ઉપરાંત બપોર પછી બૅન્કેક્સ, ઔદ્યોગિક અને તેલ-ગૅસ ક્ષેત્રના શૅરોમાં વેચવાલી વધી હતી. જેથી નિફટીના 41 શૅર ઘટવા સામે માત્ર 9 શૅર સુધારે રહ્યા હતા.
આજના ઘટાડાના દબાણ સામે ભારતી ઈન્ફ્રાટેલ રૂા. 20, કોટક બૅન્ક રૂા. 15, એચડીએફસી બૅન્ક રૂા. 5 અને એચસીએલ ટેક્નૉલૉજી રૂા. 5 વધ્યા હતા. વ્યક્તિગત શૅરમાં આર કેપિટલ રૂા. 12 વધ્યો હતો.
આજના ઘટાડામાં તાતા મોટર્સ દ્વારા ત્રિમાસિક ધોરણે જંગી ખોટને લીધે શૅર 18 ટકા તૂટીને રૂા. 150ના તળિયે ઉતર્યો હતો. આઈશર મોટર્સ રૂા. 1057, એમએન્ડએમ રૂા. 19, મારુતિ રૂા. 168 ઘટયા હતા. મેટલ ક્ષેત્રે જંગી વેચવાલીથી ટિસ્કો રૂા. 20, વેદાન્તા રૂા. 9, ઔદ્યોગિક અગ્રણી આરઆઈએલ રૂા. 13, એલએન્ડટી રૂા. 34 ઉપરાંત એચડીએફસી રૂા. 25, એશિયન પૅઈન્ટ રૂા. 24 ઘટયા હતા. બૅન્કિંગમાં ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 16, એક્સિસ રૂા. 11, ફાર્મા અગ્રણી સનફાર્મા રૂા. 13 અને ગેઈલમાં રૂા. 4નો ઘટાડો નોંધપાત્ર હતો.
બજાર એનલિસ્ટોના જણાવ્યા પ્રમાણે એફએન્ડઓની નિફટીની રેન્જ હવે 10800-11000ની ગણી શકાય. ઉલ્લેખનીય છે કે નિફટીની 50 કંપનીમાં અત્યાર સુધી ત્રિમાસિક ધોરણે 12 કંપનીનો નફો વિક્રમ રહેવા છતાં ભાવ તૂટતા ગયા છે. જેથી બજાર ઓવરબોટ સ્થિતિમાં હોવાનું જણાઈ આવે છે. ટેક્નિકલી હવે નિફટીમાં 10902 અને 10810 સપોર્ટ લેવલ રહે છે. ઉપરમાં 11010-50નો મુખ્ય પ્રતિકાર ઝોન ધ્યાને લઈ વેપાર ગોઠવવો.
વિદેશી-એશિયન બજાર
અમેરિકા ખાતે નાસ્દાક 87, જપાન ખાતે નિક્કી 418, હૅંગસૅંગ 43 પૉઈન્ટ ઘટાડે રહ્યા હતા. અમેરિકા-ચીનની ટ્રેડ વાટાઘાટ બાબતે સકારાત્મક સંકેતના અભાવે એશિયા પેસિફિક એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઈન્ડેક્ષ 0.5 ટકા અને કોરિયા ખાતે કોસ્પી 1.1 ટકા ઘટયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer