અમદાવાદ મેટ્રોની ટ્રાયલ રન સફળ

અમદાવાદ મેટ્રોની ટ્રાયલ રન સફળ
પ્રથમ રૂટનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરે તેવી શક્યતા
ઋષિકેશ વ્યાસ
અમદાવાદ, તા. 8 ફેબ્રુ.
મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણીનું જાહેરનામું માર્ચમાં બહાર પડશે તેવી ગણતરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અનેક યોજનાઓના લાકાર્પણ તથા ખાતમુહૂર્તની યાદી પણ સરકાર દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે. અમદાવાદમાં વત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટ પર મેટ્રો માર્ચ મહિનામાં શરૂ કરવાની તૈયારીના ભાગરૂપે રાજ્યસરકારે મેટ્રોને પ્રથમ વખત સફળતાપૂર્વક  કોરિડોર પર ડેમો ટ્રાયલ રનમાં ચલાવી હતી. પ્રથમ રૂટનું લોકાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે તેવી ગણતરી સાથે રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. 
મેટ્રોના અધિકારીના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં મેટ્રોના પ્રથમ રૂટ પરનું કામ પૂર્ણતાને આરે છે. કેન્દ્રની મંજૂરી મળશે ત્યારબાદ મેટ્રો માર્ચ મહિનામાં શરૂ કરાય તેવી શક્યતા છે. પ્રથમ તબક્કામાં વત્રાલથી એપરેલ પાર્ક સુધી સાડા છ કિલોમીટરના અંતર પર મેટ્રો દોડવાની છે. મેટ્રોના તમામ સ્ટેશનોને મેટ્રો ટ્રેનના છ કોચની ક્ષમતાને આધારે બનાવવામાં આવ્યા છે. 
મેટ્રોની વિશેષતાઓ વિશે અધિકારીએ વધુમાં જણાવ્યું કે, મેટ્રો ટ્રેનની ક્ષમતા કુલ 1000 પેસેન્જરની છે. 3 કોચની એક ટ્રેનની લંબાઇ 67.32 મીટર છે જ્યારે પહોળાઇ 2.90 મીટર છે. ટ્રેનની ઊંચાઇ 3.98 મીટર છે. મેટ્રો ટ્રેનની સરેરાશ સ્પીડ 34 કિલોમીટર છે પરંતુ ટ્રેન 80 કિલેમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ટ્રેનની મહત્તમ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક છે ત્યારે પીક અવર્સ દરમિયાન 1.75 મિનિટે એક ટ્રેન દોડશે.
મેટ્રોટ્રેનની ખાસ ખાસિયત એ છે કે, વિશ્વની અદ્યતન ટેકનૉલૉજી આધારિત ટ્રેન જીઓએ થ્રી એટલે કે ગ્રેડ અૉટોમેશન પર દોડશે. જે પ્રમાણે ટ્રેનમાં ડ્રાઇવર નહીં હોય પરંતુ ઇમરજન્સી પરિસ્થિતિ માટે ટ્રેનમાં સ્ટાફ મેમ્બર હાજર રહેશે. જોકે, મેટ્રોમાં શરૂઆતમાં ડ્રાઇવર ઉપલબ્ધ રહેશે ત્યારબાદ ડ્રાઇવર લેસ ચાલશે. ટ્રેનની સમગ્ર બોડી સ્ટેનલેસ સ્ટીલની છે. વીજળી જવાના સંજોગોમાં લાઇટ, એસી, વેન્ટિલેશન માટે એક કલાક સુધીનો બેટરી બેકઅપ પણ ઉપલબ્ધ રહેશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer