અમેરિકામાં ડયૂટી ફ્રી નિકાસનો લાભ પાછો ખેંચવા વિચારણા

અમેરિકામાં ડયૂટી ફ્રી નિકાસનો લાભ પાછો ખેંચવા વિચારણા
ભારતની ઈ કૉમર્સ પૉલિસીથી ટ્રમ્પ નારાજ
ભારતના જ્વેલરી ઉદ્યોગ અને લગભગ 2000 જણસોની નિકાસને માઠી અસર થઈ શકે
એજન્સીસ
નવી દિલ્હી, તા. 8 ફેબ્રુ.
ભારત દ્વારા યુનાઇટેડ સ્ટેટસ (યુએસ)માં થતી 5.6 અબજ ડૉલરની નિકાસ જકાતમુક્ત કહે છે પણ હવે આ મહત્ત્વના યુએસ ટ્રેડ કન્સેશન ભારત ગુમાવે તેવી શક્યતા છે. વેપાર અને રોકાણ નીતિ અંગે બન્ને દેશો વચ્ચેનો વિવાદ વધતો જાય છે. ભારતે તાજેતરમાં ઘડેલી નવી ઈ-કૉમર્સ પૉલિસીથી ટ્રમ્પ નારાજ થયા છે અને તેના વળતા જવાબ રૂપે ટ્રમ્પ ભારતની જકાતમુક્ત નિકાસની સુવિધા પાછી ખેંચવા માગે છે. જો યુનાઇટેડ સ્ટેટસ 2000 ભારતીય પ્રોડક્ટ લાઇન માટે જકાતમુક્ત પ્રવેશ બંધ કરે તો જ્વેલરી જેવા નાના બિઝનેસને વધુ ફટકો પડશે. પ્રેફરન્સીઅલ ટ્રીટમેન્ટ માટે પાત્રતા ધરાવતી ચીજવસ્તુઓની સંખ્યા ઘટી જશે અથવા આખો પ્રોગ્રામ પાછો ખેંચાઈ જવાની શક્યતા છે. ભારતમાંથી જનરલાઇઝ્ડ સિસ્ટમ અૉફ પ્રેફરન્સીસ (જીએસપી) જે 1970થી અમલમાં હોય એવી વિશ્વની સૌથી મોટી લાભકારી સ્કીમ છે તે પાછી ખેંચી લેવાની હિલચાલ શરૂ થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું પ્રમુખપદ 2017માં સંભાળ્યું ત્યારથી તે મોટા અર્થતંત્રો જોડે યુએસની ખાધ ઘટાડવા મથી રહ્યા છે અને આ તેમની સૌથી કડક દંડાત્મક કાર્યવાહી હશે.
અમેરિકી ઉત્પાદનો ઉપર ઊંચા ટેરીફ માટે ભારત સામે ટ્રમ્પ સતત વાંધો ઉઠાવતા રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની મેઇક-ઇન-ઇન્ડિયા ઝુંબેશના ભાગરૂપે વિદેશી રોકાણ વધારવા ભારતને મેન્યુફેકચરિંગ હબ બનાવવા અને સંખ્યાબંધ યુવકો માટે રોજગારીની તકો ઊભી કરવા મથી રહ્યા છે.
સામા પક્ષે ટ્રમ્પ `મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન' ઝુંબેશ ચલાવી રહ્યા છે અને યુએસમાં મેન્યુફેકચરિંગ વધારવા મથી રહ્યા છે.
ભારતે ઈ-કૉમર્સ માટે જે નવાં ધોરણો બનાવ્યાં છે તેથી એમેઝોન અને ફ્લીપકાર્ટ- વોલમાર્ટનો ભારતમાં ધંધો કરવાનો રાહ મુશ્કેલ બની ગયો છે. 2027 સુધીમાં અૉનલાઇન માર્કેટ વધી 200 અબજ ડૉલરની થવાની ગણતરી છે. આ ઉપરાંત માસ્ટરકાર્ડ અને વીસા જેવી વૈશ્વિક કાર્ડ પેમેન્ટ કંપનીઓ પણ ભારતમાં નારાજ છે. ઇલેક્ટ્રોનિકસ પ્રોડક્ટસ અને સ્માર્ટ ફોન પરની ઊંચી ટેરીફ પણ આ બધી કંપનીઓને ખટકી રહી છે.
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટીવ્સ (યુએસટીઆર)એ જીએસપી બેનીફીશીઅરી તરીકેના ભારતના દરજ્જાની સમીક્ષા કરી લીધી છે અને આગામી બે સપ્તાહમાં જાહેરાત થવાની શક્યતા છે.
બન્ને દેશો વચ્ચેનો દ્વિપક્ષી વેપાર 2017માં 126 અબજ ડૉલરનો હતો પણ તે તેના અવકાશથી ઘણો ઓછો છે.
યુએસ કૉમર્સ સેક્રેટરી વીલ્બર રોસ આવતા સપ્તાહે દિલ્હીમાં આવવાના છે. તે ઈ-કૉમર્સ નીતિ અને ડેટા લોકલાઇઝેશન અંગે ચિંતા વ્યક્ત કરનાર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer