આર્થિક અનિશ્ચિતતા વચ્ચે અથડાતું સોનું

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 ફેબ્રુ.
વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવ સાંકડી વધઘટ વચ્ચે અથડાઇ ગયા હતા. ડૉલરની તેજી-મંદી અને ચીન-અમેરિકાના વેપારયુદ્ધની વાતો વચ્ચે કિંમતી ધાતુને દિશા મળતી નથી. ન્યૂ યોર્કમાં 1305થી 1315ની રેન્જમાં સોનું અથડાય છે. મંગળવારે 1313 ડૉલર રનિંગ હતા. આગામી સોમવારે ચીન અને અમેરિકા વચ્ચે બિજિંગમાં ડયૂટી મુદ્દે વાતચીતનો નવો દોર શરૂ થાય એમ જણાતું હોય સૌની નજર એ તરફ મંડાઇ છે. અમેરિકા ચીનના માલ ઉપર 200 અબજ ડૉલરની ટેરિફ નાંખવાનું છે. એ માટે 1 માર્ચની ડેડલાઇન આપવામાં આવી છે. ચીનના માલની આયાત અમેરિકામાં વધવા લાગી છે એટલે ડયૂટીનું શસ્ત્ર અજમાવાયું છે. સામે ચીને પણ અમેરિકાના માલ ઉપર જકાત લગાવી છે.
અમેરિકામાં ચાર ડેમોક્રેટિકની સાથે રિપબ્લિકનની ચર્ચા ચાલી રહી છે. એમાં બોર્ડર સિક્યુરિટી ફંડિંગ ચાલુ રાખવાનો મુદ્દો છે. સોમવારે વાતચીત થઇ હતી પરંતુ એમાં કશો ઉકેલ આવ્યો નથી. શુક્રવારે તે માટે ડેડલાઇન છે નીવેડો નહીં આવે તો અમેરિકામાં ફરીથી શટડાઉન સર્જાવાનું જોખમ તોળાય રહ્યું છે. બ્રિટનની સરકાર 14 ફેબ્રુઆરીએ બ્રેક્ઝિટ મુદ્દે ચર્ચા કરવાની છે. ગયા મહિને સ્પષ્ટ બહુમતીને કારણે આ મુદ્દો પડતો મૂકાયો હતો. હવે ફરીથી ચર્ચા શરૂ થઇ છે. સોના ઉપર આ પ્રકારના રાજકિય બનાવોની અસર ઓછી પડે છે પણ તે કારણે સોનું ઘટતું અટકી ગયું છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 50 ઘટી રૂા. 33,550 અને મુંબઈમાં રૂા. 60 ઘટી રૂા. 32,995 હતો. ન્યૂ યોર્કમાં ચાંદી 15.79 ડૉલર હતી.  સ્થાનિકમાં કિલોએ રૂા. 40,300 હતી. મુંબઈમાં રૂા. 35 વધી રૂા. 39,820 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer