વિજયા બૅન્કના સ્ટાફર્સને મર્જર નથી જોઈતું

આજે દિલ્હી વડી અદાલતમાં સુનાવણી
મુંબઈ, તા. 12 ફેબ્રુ.
વિજયા બૅન્કના કર્મચારીઓએ દેના બૅન્ક-બૅન્ક અૉફ બરોડામાં તેમના મર્જરનો અૉલ ઇન્ડિયા બૅન્ક અૉફિસર્સ ઍસોસિયેશનનાં નેજા હેઠળ વિરોધ કર્યો છે. અૉલ ઇન્ડિયા બૅન્ક અૉફિસર્સ કોન્ફોડેરેશન અંતર્ગત પ્રમાણિત આ ઍસોસિયેશનમાં વિજયા બૅન્કના 90 ટકાથી પણ વધુ કર્મચારીઓનો સમાવેશ છે. 
ઍસોસિયેશને કહ્યું કે, કેન્દ્ર સરકારનો પ્રસ્તાવિત મર્જરનો નિર્ણય ઉતાવળે લેવામાં આવ્યો છે. વિજયા બૅન્કે 31 માર્ચ 2016ના અંતે પૂરા થતા નાણાકીય વર્ષમાં રૂા. 382 કરોડનો નફો, 2017ના અંતે પૂરા થતા વર્ષમાં રૂા. 751 કરોડ અને 31 માર્ચ 2018ના અંતે પૂરા થતા નાણાકીય વર્ષમાં રૂા. 727 કરોડનો નફો થયો છે.
બીજી બાજુ બૅન્ક અૉફ બરોડાની આ વર્ષોમાં રૂા. 5396 કરોડની ખોટ, રૂા. 1383 કરોડનો નફો અને રૂા. 2431 કરોડની ખોટ થઈ છે. સામાન્ય રીતે નફો કરતી બૅન્ક ખોટ કરતી બૅન્કને હસ્તગત કરતી હોય છે, પરંતુ આ કેસમાં ઊંધુ છે. 
વિજયા બૅન્ક એકમાત્ર એવી બૅન્ક છે, જેણે 31 માર્ચ, 2018ના અંતે પૂરા થતા વર્ષ માટે 12 ટકાનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. વિજયા બૅન્ક એ કર્ણાટકની પ્રતિષ્ઠિત બૅન્ક છે. જેની ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં 2200 જેટલા બ્રાન્ચ છે. આથી મર્જર થતા બૅન્કના એકંદર કામકાજ અને નફાશક્તિ ઉપર અસર પડશે. મર્જર બાદ ઘણી બ્રાન્ચ બંધ થવાની શક્યતા છે. એસબીઆઈના મર્જર બાદ બે હજાર જેટલી બ્રાન્ચ બંધ થઈ છે. 
બૅન્કિંગ પ્રણાલીમાં આજની તારીખમાં સૌથી મોટી સમસ્યા નોન-પરર્ફોમિંગ એસેટ (એનપીએ)ની છે.  મૂલ્યાંકન અનધિકૃત મૂલ્યનકાર પાસેથી કરાવવામાં આવ્યું છે. આથી અમે હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે, જેની અંતિમ સુનાવણી 13મી ફેબ્રુઆરીએ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer