નોટબંધી : તપાસ હેઠળના ટૅક્સ રિટર્નની સંખ્યામાં છ ગણો વધારો

નવી દિલ્હી, તા. 12 ફેબ્રુ. 
વર્ષ 2018-19માં આવક વેરા વિભાગે નોટબંધી સમયના 1.34 લાખ કેસને ઉંડાણપૂર્વક તપાસ માટે હાથમાં લીધા છે, જે 2017-18ના 20,088 કેસની સરખામણીએ છ ગણો વધારો છે.
કર અધિકારીએ કહ્યું કે, 1,34,574 કેસમાં મોટા ભાગના વર્ષ 2015-16ના સુધારિત આવકવેરો ટૅક્સ રિટર્નના છે. નોટબંધી 8 નવેમ્બર 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી રહી હતી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ડેટાનું વિશ્લેષણ કરતા સમજાય છે કે મોટા ભાગના કરદાતાઓએ નોટબંધીના અગાઉના વર્ષ (2015-16)માં પોતાના ટૅક્સ રિટર્નમાં સુધારણા કરી છે. ઘણા કરદાતાઓએ 2015-16ના હિસાબમાં રોકડ વધુ દર્શાવી છે, જેથી નોટબંધી પછીના રિટર્નમાં તેઓ રડારમાં આવે નહીં. 
વર્ષ 2017-18માં આવક વેરા વિભાગે 2,99,937 નોટિસ એવા લોકોને ફટકારી હતી, જેમણે નોટબંધી સમયે મોટા પ્રમાણમાં રોકડ ડિપોઝીટ કર્યા હોય, પરંતુ આવક વેરા રિટર્નમાં તેનો ઉલ્લેખ કર્યો ન હોય. નોટિસ ફટકારવામાં આવી હોય એમાં એવા ડિપોઝીટર્સનો પણ સમાવેશ છે જેમણે રૂા. 10 લાખથી વધુ રોકડ ડિપોઝીટ કરી હોવા છતાં રિટર્નમાં તેનો ઉલ્લેખ કર્યો નથી, એમ પણ અધિકારીએ કહ્યું હતું. 
ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો આવા પ્રકારના કેસ ગુજરાતમાં સૌથી વધુ જોવા મળ્યા છે. ગુજરાતમાં 11,769 કેસ, તે પછી વાયવ્ય ભારત (પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ)માં 11,158 કેસ, કર્ણાટક અને ગોવામાં 10,985 કેસ જ્યારે તામિલનાડુમાં 10,797 કેસ છે. 
આવક વેરા વિભાગે ચકાસણી માટે લીધેલા કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે : ગુજરાતમાં 1561, તામિલનાડુમાં 1712, કર્ણાટક અને ગોવામાં 1455 કેસની ચકાસણી થઈ રહી છે. નાણાકીય વર્ષ 2017-18માં કુલ 6.85 કરોડ રિટર્ન ફાઈલ થયા હતા.
આવક વેરા વિભાગે બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન પ્રતિબંધ કાયદાની કલમ 24(1) અંતર્ગત 1800થી પણ વધુ કારણ બતાવો નોટિસ ઈસ્યૂ કરી છે. નોટબંધીનું રિટર્ન આકારણી વર્ષ 2017-18માં ફાઈલ કરવાનું હતું. કરદાતાઓ આકારણી વર્ષ પૂરું થાય તેના એક વર્ષમાં અથવા સંબંધિત નાણાકીય વર્ષના બે વર્ષની અંદર પોતાનો આવક વેરા રિટર્નમાં સુધારણા કરી શકે તેવી છૂટ હતી. આથી 2015-16 માટેનું રિટર્ન 2017-18ના નાણાકીય વર્ષના અંત સુધીમાં (માર્ચ 2018) ભરી શકાતું હતું. કર વિભાગે સપ્ટેમ્બર 2018થી  અને વર્તમાન નાણાકીય વર્ષ 2018-19ના અમુક કેસોની તપાસ શરૂ કરી હોવાનું અધિકારીએ કહ્યું હતું. 
બજેટ 2018-19માં સુધારિત રિટર્ન ભરવાની સમય મર્યાદાને ઘટાડીને સંબંધિત આકારણી વર્ષમાં જ ભરવાની જાહેરાત કરી છે. નોટબંધી પછી આવક વેરા વિભાગે 31 જાન્યુઆરી, 2017ના રોજ `અૉપરેશન ક્લિન મની' લોન્ચ કર્યું હતું. આ અંતર્ગત મોટી રકમ ડિપોઝીટ કરવામાં આવી હોય તેમાં સંબંધિત કરચોરીની તપાસ કરવામાં આવે છે.
પ્રાથમિક ધોરણે કરદાતાઓ દ્વારા મોટા પ્રમાણમાં રોકડ ડિપોઝીટ કરવામાં આવી હોય તેવા કેસોની તપાસ થતી હતી, જેમાં બિઝનેસ અને નોન-બિઝનેસનો સમાવેશ હતો. પહેલા તબક્કામાં 17.92 લાખ વ્યક્તિઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું, એમ સરકારી આંકડા દર્શાવે છે. બીજા તબક્કામાં ઉચ્ચ, મધ્યમ અને ઓછું જોખમ ધરાવતા કેસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આમાં મોટા પ્રમાણમાં વ્યક્તિઓ અને કલ્સટર્સની તપાસ કરવામાં આવી, જેમાં રૂા. 1 કરોડથી વધુ મૂલ્યની પ્રોપર્ટી ધરાવતા 14,000 લોકોની તપાસ કરવામાં આવી જેમણે આવક વેરો રિટર્ન ભર્યા નહોતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer