આસામના અંદાજપત્રમાં ચાની પત્તી પરનો સેસ 3 વર્ષ માટે માફ

મફત ચોખા અને ખાંડ અપાશે, કન્યાને મફત શિક્ષણની સાથે ઇ-બાઇક અપાશે
નિધેશ શાહ
સુરેન્દ્રનગર, તા.12 ફેબ્રુ.
આસામ સરકાર દ્વારા રજૂ થયેલા અંદાજપત્રમાં ચાની પત્તી ઉપર લેવાતો સેસ ત્રણ વર્ષ માટે માફ કરવામાં આવી છે.  આસામ ટેક્સેશન એક્ટ 1990 હેઠળ લેવાતો આ સેસ 2021 સુધી લેવાશે નહીં તેવી જાહેરાત નાણાપ્રધાન હિંમનતા બીસવા શર્માએ કરી હતી. આ નિર્ણયથી ચાના નાના અને સીમાંત  ખેડૂતોને ફાયદો મળશે.
ખૂબ નાના પાયે કામકાજ કરી રહેલા ચા ઉત્પાદકોને સબસિડી રૂપે રૂા. 25,000/-  અથવા  વગર વ્યાજે  રૂા. 2,00,000/-ની લોન પણ અંદાજપત્રમાં જાહેર કરવામાં આવી છે. નાના ઉત્પાદકોના કલ્યાણ માટે ગયા વર્ષે 81 કરોડ ફાળવાયા હતા પણ હવે ફાળવણી બમણાથી વધુ 173 કરોડ કરવામાં આવી છે.
ચાના બગીચાઓમાં કામ કરતી 7 લાખ મજૂર મહિલાઓના બૅન્ક ખાતા ખોલી આપવામાં આવશે. એમાં સહાય અને ભથ્થા બારોબર બૅન્ક ખાતામાં જમા થશે.વચેટિયાઓની ભૂમિકા દૂર થશે.
સૌથી મહત્વના નિર્ણયમાં બગીચામાં કામ કરનારા તમામ પરિવારને હાલમાં એક કિલો ચોખા રૂા. 3ના ભાવથી અપાય છે. તે હવે મફત અપાશે. પ્રત્યેક કુટુંબને મહિને બે કિલો ખાંડ પણ સરકાર આપશે. તેનો લાભ ચાર લાખ પરિવારો અર્થાત આશરે 20 લાખ લોકોને મળશે.
ચાના 549 જેટલા બગીચાના મજૂરો છેવાડાના-અવિકસિત વિસ્તારમાં રહે છે. ત્યાં પ્રાથમિક સુવિધા માટે 531 કરોડ ફાળવાયા છે. સારાં પરિવહન માટે આઠસોથી હજાર બસ ફાળવવામાં આવનાર છે.
બગીચામાં કામ કરનારી મહિલાઓ પૈકી 500 જેટલી 10 ધોરણ પાસ બહેનોને સરકારી ખર્ચ અને ચાલુ પગારે જનરલ નર્સિંગ  ઍન્ડ મિડવાઇફરની તાલીમ આપીને મદદરૂપ થઇ શકે તે માટે તૈયાર કરાશે. આસામના બગીચાઓમાં રાહત દરથી દવાઓ અપાય તે માટેનું પણ આયોજન અંદાજપત્રમાં રાખવામાં આવ્યું છે. 
ચા ના કર્મચારીની કન્યાઓને ભણાવીને ઉચ્ચ અભ્યાસ માટે નિ:શુલ્ક  ઇ બાઇક   અપાશે અને તેમનું શિક્ષણ પણ મફત હશે.
રૂા. 38,000/- નું એક તોલા સોનું  જે પરિવારની  વાર્ષિક આવક રા. 5,00,000/- લાખથી  ઓછી હોય તેવી કન્યાના  લગ્ન સમયે રાજ્ય સરકાર ભેટ આપશે. ચાના બગીચામાં મજૂરી કરનાર મહિલા 45  વર્ષ અથવા તેથી નાની વયે વિધવા થાય તો તેને પ્રથમ રૂા. 25000/- સહાય અને ત્યાર બાદ પ્રતિ માસ રૂા. 250/- સહાય આપશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer