અમદાવાદથી શિરડી ઊડીને જઇ શકાશે

રૂા. 2060 ટિકિટભાડું : અનેક સ્થળેથી હવાઇ સેવાનો પ્રારંભ કરાશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
હૃષિકેશ.વ્યાસ તરફથી
અમદાવાદ, તા.12 ફેબ્રુ.
દેશની નાનામાં નાની વ્યક્તિ ઓછા અને વ્યાજબી દરે હવાઇસેવાનો લાભ લઇ શકે તેવી સાથે ભારત સરકારની ઉડાન યોજનાને મળેલી સફળતાના પગલે રિજિયોનલ ઍર કનેક્ટિવિટી સ્કીમ અંતર્ગત આવતીકાલે તા.13 ફેબ્રુઆરી, 2019ના રોજ અમદાવાદથી ઓઝાર(નાસિક) હવાઇ સેવાનો પ્રારંભ કરાશે. આ રૂટ શરૂ થવાથી રાજ્યના યાત્રાળુઓને શિરડી, શનિ-શીંગણાપુર, ત્રબંકેશ્વર જેવા ધાર્મિક સ્થળે પહોંચવું સરળ બનશે. આ રૂટ માટે 70 મુસાફરોની ક્ષમતા ધરાવતા એટીઆર-72 વિમાનનો ઉપયોગ કરાશે. જેમાં 35 બેઠકો રિજિયોનલ ઍર કનેક્ટિવિટી સ્કીમ હેઠળ આવરી લેવાશે. તેની ટિકિટનો દર રૂા. 2060 રાખવાનું નક્કી કરાયું છે. 
રાજ્યના ઉડ્ડયનપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્યમાં ઓછા દરે અનેક હવાઇ સેવાઓનો પ્રારંભ કરાશે. તેમણે કહ્યુ કે, રિજિયોનલ ઍર કનેક્ટિવિટી સ્કીમ અંતર્ગત હવાઇ સેવા શરૂ કરવા પ્રથમ રાઉન્ડમાં મુંબઈ જવા માટે પોરબંદર અને કંડલાથી તા.10 જુલાઇ, 2017ના રોજ અને ત્યારબાદ ડિસેમ્બર, 2017ના બીજા રાઉન્ડમાં અમદાવાદથી હુબલી, જેસલમેર, કંડલા, પોરબંદર તેમ જ સુરતથી જેસલમેર જવા માટે હવાઇ સેવા શરૂ કરવામાં આવી છે. 
રિજિયોનલ ઍર કનેક્ટિવિટી સ્કીમ અંતર્ગત એપ્રિલ, 2018માં રાજ્યમાં હવાઇ સેવાનો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત માટે 3 વોટર ડ્રોમ એરિયા અને 13 અન્ય રૂટ ઉપર હવાઇ સેવા શરૂ કરાશે. વેટરડ્રોમ એરિયામાં સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ અૉફ યુનિટીથી સુરત અને સાબરમતી રિવરફ્રન્ટથી શેત્રુંજી ડેમ સુધી સી-પ્લેન મારફત હવાઇ સેવા શરૂ કરાશે જ્યારે 13 અન્ય રૂટમાં બેલગામથી વડોદરા અને અમદાવાદ, કિશનગઢ થી અમદાવાદ, દિલ્હીથી જામનગર, અમદાવાદથી ઉદેપુર, અમરેલી, સુરત, ભાવનગર, રાજકોટ અને બેલગામથી સુરત-કિસનગઢ-સુરત-બેલગામ, બૅંગ્લોર-જામનગર-હૈદરાબાદ-જામનગર-બૅંગ્લોર, હીડનથી જામનગર-ગોવા-જામનગર-હીડન, સુરત-ભાવનગર-મુંબઇ, સુરત-માંડવી-સુરત-ઉજ્જૈન-સુરત-લોનાવાલ, એમબીવેલી-સુરત-બારામતી અને સુરત, તેમ જ અમદાવાદ-ઉજ્જૈન-ઇન્દોર, દાંતિયા-ઇન્દોર-છીંદવાડા, ઇન્દોર-ઉજ્જૈન-અમદાવાદ માટેની ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવનાર છે. આ હવાઇ સેવાઓ શરૂ કરવાટેન્ડર સંબંદી અને તે પછીની આનુષાંગિક વહીવટી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયા અૉગસ્ટ-2019 સુધીમાં પૂર્ણ કરી આ હવાઇ સેવાઓ ઝડપભેર શરૂ કરવામાં આવનાર છે.  ચૂડાસમાએ કહ્યુ કે, ડીસા ઍરપોર્ટથી જેસલમેર-જોધપુર-અમદાવાદ-ડિસા હવાઇ સેવા શરૂ કરવા માટે ભારત સરકારને રજૂઆત કરાઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer