ડુંગળીના ખેડૂતો ખોટમાં : સહાયની માગ

ડુંગળીના ખેડૂતો ખોટમાં : સહાયની માગ
``સરકાર ગૂણીએ રૂા.100 વળતર જાહેર કરે તે જરૂરી''
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 ફેબ્રુ. 
ડુંગળીમાં અતિશય મંદી થઇ જતાં ખેડૂતો ફરી વખત મુસીબતમાં મુકાઇ ગયા છે. બહોળા ઉત્પાદનને લીધે પકવવાનો ખર્ચ પણ મળતો નથી, ત્યારે ગુજરાત સરકાર ખેડૂતોને ખોટનું વળતર ચૂકવે તે માટે માગણી કરવામાં આવી છે. ડુંગળીના ભાવ ઐતિહાસિક નીચા જતાં ભારે નુકસાની ગઇ છે એટલે ગૂણીએ રૂા. 100ની સહાય તુરંત ચૂકવવી જોઇએ. માગણી પછી સરકારે આ દિશામાં વિચારણા શરૂ કરી છે પરંતુ હજુ કોઇ જાહેરાત થઇ નથી.
મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન દ્વારા કૃષિ પ્રધાન આરસી ફળદુ સમક્ષ આ માગણી મૂકવામાં આવી છે. પત્ર દ્વારા કહેવાયું છે કે, નવેમ્બર મહિનાથી ડુંગળીના ભાવ ખૂબ નીચા ચાલે છે. દિવસેદિવસે ભાવ તૂટતા જાય છે. ખેડૂતોને સરેરાશ મણે રૂા. 50-90નો ભાવ પ્રાપ્ત થાય છે. ખેડૂતો એ કારણે ખોટ કરી રહ્યા છે. ખેડૂતો કહે છે, પડતર તો ઠીક યાર્ડમાં લાવવાનો ખર્ચ પણ નીકળે તેમ નથી. ઉલ્લેખનીય છે કે ખેડૂતોને એક મણ ડુંગળી પકવવાનો ખર્ચ રૂા. 150 કરતાં વધારે આવે છે.
યાર્ડ દ્વારા કહેવાયું છે કે, જાન્યુઆરી માસમાં સૌરાષ્ટ્રમાં અંદાજે 40 લાખ ગૂણી લાલ ડુંગળીનું વેચાણ થયું છે. ખેડૂતની ડુંગળી રૂા. 50-90માં વેચાઇ ગઇ છે. ચોમાસું ડુંગળી વહેલી બગડી જતી હોવાથી ખેડૂતો તેને સાચવી પણ શકતા નથી એટલે પાક ઊતરે ત્યારે તરત વેચવો પડે છે. નવેમ્બર 2018થી જાન્યુઆરી 2019 સુધીમાં સૌરાષ્ટ્રભરમાં આવેલી 50-55 લાખ ગૂણીમાં ગૂણીદીઠ રૂા. 100ની સહાય આપવાનો નિર્ણય લેવાય તો જ ખેડૂતોને ફાયદો મળશે. 
ડુંગળીમાં ચોમાસું બાદ શિયાળાનો પાક આવતો હોય છે. પાણીની અછત વચ્ચે વાવેતર ઘટયું છે પણ ઠંડીને લીધે ઉત્પાદન વધે તેવા સંકેતો છે. શિયાળુ ડુંગળીની આવક પંદર-વીસ દિવસમાં થવાની છે ત્યારે ખેડૂતોની સ્થિતિ વધુ વણસે એમ છે. એ કારણે ખેડૂતોને તત્કાળ સહાય જાહેર કરીને સરકારે ચૂકવવાની વ્યવસ્થા કરવી જોઇએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer