સૌરાષ્ટ્રમાં જીરુંના નવા પાકનો આરંભ

સૌરાષ્ટ્રમાં જીરુંના નવા પાકનો આરંભ
રાજકોટ-ઊંઝામાં નિયમિત આવક શરૂ : પાકનો અંદાજ 65થી 75 લાખ ગૂણી
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 ફેબ્રુ.
નવા જીરુંની આવકનો આરંભ ગુજરાતમાં થઇ ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં દૈનિક એક હજાર ગુણી અને ઊંઝામાં રોજની પાંચસો ગુણી નવું જીરું આવવા માંડયું છે. પાણીની ખેંચ વચ્ચે વાવેતરમાં અનિશ્ચિતતા પછી અંતે સાધારણ ખાધ રહી હતી. પરંતુ ખૂબ સારી ઠંડી પડવાથી ઉત્પાદનના આરંભિક અંદાજો ગયા વર્ષ જેટલા કે વધારે આવશે તે પ્રકારે મૂકાવા લાગ્યા છે.
રાજકોટના અભ્યાસુ વેપારી કહે છે, નવી આવક ઊંઝામાં 500 ગુણી અને રાજકોટ-ગોંડલ મળીને આશરે હજારેક ગુણીની થવા લાગી છે. ચારેક દિવસથી આવક થાય છે. એમાં ઉતરોતર વધારો થશે. અલબત્ત આ વર્ષે વાવેતર મોડાં છે એટલે આવકોનો વેગ થતા સમય લાગે તેમ છે.
નવા જીરુંમાં સાતથી બાર ટકા સુધી મોઇશ્ચર આવે છે. નવા માલનો ભાવ મણે રૂા. 2800-3300 સુધી ચાલે છે. બીજી તરફ જૂના જીરુંનો ભાવ રૂા. 2800-3500ની રેન્જમાં છે. જૂના માલમાં સ્થાનિક માગ ખૂલતા રૂા. 25-30નો સુધારો થયો હતો.
જીરુંનું વાવેતર પાછલા વર્ષની તુલનાએ ગુજરાતમાં 10થી 15 ટકા જેટલું ઘટયું હતું. પરંતુ પાકને વાવણી પછી અત્યાર સુધી ભાગ્યે જ ખરાબ મોસમનો અનુભવ કરવો પડયો છે. વાદળિયું હવામાન કે ઝાકળવર્ષા થઇ નથી એટલે પાકની સ્થિતિ ખૂબ સારી છે એમ એક વેપારીએ જણાવ્યું હતું.
ઠંડીનો દોર હજુ ચાલુ છે ત્યાં બે દિવસથી વાતાવરણ ગરમ બનવા લાગ્યું છે પરંતુ પંદરેક દિવસ થોડી ઠંડક મળે તો પાક સંપૂર્ણપણે સલામત રીતે પાર ઉતરી જાય તેમ છે. ગયા વર્ષમાં જીરુંનું ઉત્પાદન 68થી 70 લાખ ગુણી જેટલું થયું હતું. નવા પાકના અંદાજો 65થી 75 લાખ ગુણી વચ્ચેના મૂકાય રહ્યા છે. મોટાંભાગનો વર્ગ ગયા વર્ષ જેટલું કે તેનાથી વધારે ઉત્પાદન આવશે તેમ માની રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer