ગુજરાતનાં ત્રણ ખાણીપીણી બજારોને એફએસએસએઆઈનો ક્લીન હબ ટેગ

ગુજરાતનાં ત્રણ ખાણીપીણી બજારોને એફએસએસએઆઈનો ક્લીન હબ ટેગ
દેશમાં સૌપ્રથમ ટેગ મેળવનારી અમદાવાદની કાંકરિયાની બજાર પછી અર્બન ચોક અને સુરતમાં ગોપી તળાવને પણ સર્ટિફિકેટ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, અમદાવાદ, તા. 12 ફેબ્રુ.
ખાઉગલીના ચટપટા ચટાકેદાર ખાણાંની વાત નીકળે, ત્યારે અમદાવાદ દેશનાં તમામ શહેરો અને રાજ્યોને ટપી જાય છે. રાજ્યમાં ત્રણ મંજૂર થયેલાં ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ્સ છે તેમજ અન્ય પાંચ હબ્સને મંજૂરી મળવાની તૈયારી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) તરફથી ક્લીન હબનો ટેગ મળવાથી ખાદ્યપદાર્થો આરોગ્યપ્રદ હોવાની તેમજ પરિસર સ્વચ્છ હોવાની ખાતરી મળે છે.
એફએસએસએઆઈએ દેશભરમાં આરોગ્યપ્રદ સ્ટ્રીટ ફૂડને પ્રોત્સાહન આપવાનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ ક્લસ્ટર, હબ કે ફૂડ ટ્રક પાર્કને વિશિષ્ટ ટેગ આપવામાં આવે છે. 
એફએસએસએઆઈના સીઈઓ પવનકુમાર અગ્રવાલે જણાવ્યું કે ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ્સ સ્થાપવામાં ગુજરાતે આગેવાની લીધી છે. સપ્ટેમ્બર, 2018માં આવી સૌપ્રથમ હબ અમદાવાદમાં કાંકરિયા તળાવની ખાઉગલી બની હતી. હવે એસજી હાઈવે ઉપર ઝાયડસ ચાર રસ્તે આવેલા અર્બન ચોક તેમજ સુરતમાં ગોપી તળાવને પણ આ ટેગ મળ્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં રાજપથ ક્લબની પાછળ આવેલા ફૂડ જંક્શન અને કર્ણાવતી ક્લબની સામેનો ફૂડ ટ્રક પાર્ક આ ટેગ મેળવવા એફએસએસએઆઈના ઓડિટની પ્રતીક્ષા કરી રહ્યો છે.
ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન કમિશનર ડૉ. હેમંત કોશિયાએ જણાવ્યું કે ગુજરાતીઓ બહાર ખાવાના ખૂબ શોખીન હોવાથી અમે આ પ્રોજેક્ટને યુદ્ધના ધોરણે હાથ ધર્યો છે. જો લારી-ગલ્લા ઉપર મળતી ખાણી-પીણી આરોગ્યપ્રદ જાહેર થાય અને તે સતત દેખરેખ હેઠળ રહે તો લોકો માટે તે વધુ સારું થાય.
ટૂંક સમયમાં વધુ ખાઉગલીને ક્લીન ટેગ મળશે.
દાહોદના મા ભારતી ઉદ્યાન ફૂડ કોર્ટ, ગાંધીનગરના કુંડાસણની ખાઉગલી તેમજ વડોદરાનું રાત્રી ખાણીપીણી બજાર પણ એફએસએસએઆઈની મંજૂરીની પ્રતીક્ષા કરી રહ્યું છે.
ગુજરાત સિવાય અન્ય પાંચ રાજ્યો પણ આ ટેગ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ એકમાત્ર ઈન્દોરની છપ્પન દુકાનને જ આ ટેગ મળી શક્યો છે.
વારાણસીનો અસ્સી ઘાટ, મુંબઈમાં જુહુ ચોપાટી અને ગિરગાંવ ચોપાટી તેમજ પુણેની ખાઉગલી, ઓડિશા- ભુવનેશ્વરમાં આવેલી ત્રણ ખાઉગલી અને ગોવાએ જુદાં જુદાં શહેરોની ચાર ખાઉગલી માટે અરજી મોકલી છે.
પવન અગ્રવાલે જણાવ્યું કે દેશભરમાં ચોખ્ખાઈ અને સ્વાસ્થ્યપ્રદ ખોરાકના ઓડિટ માટે ખાણીપીણીનાં 144 સ્થળો પસંદ કરાયાં છે. અમને આશા છે કે આગામી ત્રણ મહિનામાં દેશમાં વધુ 150 ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ્સની અરજીઓ મળશે.
નેશનલ એસોસિયેશન અૉફ સ્ટ્રીટ વેન્ડર્સ (નાસ્વી)ના નેશનલ કોઓર્ડિનેટર અરવિંદ સિંઘે જણાવ્યું કે આ ટેગને કારણે  રેસ્ટોરન્ટને બદલે લારી-ગલ્લે ખાણી-પીણીની લિજ્જત માણવા ઈચ્છતા લોકોને આનાથી લાભ થશે. તેમજ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્યપ્રદ વાનગીઓ સાથે પીરસતાં વિક્રેતાઓની આવક વધશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer