ભુજ તાલુકાની મિયાણીપટ્ટીથી આહિરપટ્ટીના ખેડૂતોમાં ખુશીની લહેર
અમારા પ્રતિનિધિ તરફથી
કોટડા (ચકાર) (તા.ભુજ), તા. 12 ફેબ્રુ.
કચ્છમાં અછત વચ્ચે પાછોતરી ઠંડીના પગલે રવી પાકોમાં ક્યાંક ફાયદો તો ક્યાંક રોગચાળો જોવા મળી રહ્યો છે પણ થોડા સમયથી પડી રહેલી ઠંડીના પગલે ઘઉંના પાકને ફાયદો થવાની સંભાવનાથી ભુજ તાલુકાની મિયાણીપટ્ટીથી આહિરપટ્ટીમાં ખેડૂતપુત્રોમાં ખુશીની લહેર ફેલાઇ છે. આહિરપટ્ટીના પદ્ધરના ખેડૂત રમેશભાઇ આહિર કહે છે કે, શિયાળાની શરૂઆતમાં વાવેતર સમયે આવી ઠંડી પડી હોત તો પાકનો વિકાસ ચોક્કસ થાત, પરંતુ પાછોતરી ઠંડીમાં પણ ઘઉંના પાકમાં કણસલા લાગી જવાથી પાકના દાણામાં ચોક્કસ ફાયદો થશે.
મિયાણીપટ્ટીના રેલડીના ઇસ્માઇલ કકલ કહે છે આ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં થોડો ઘટાડો આવી શકે તેમ છે. ઘઉંના વાવેતર સમયે ઠંડી ઓછી હતી, પરંતુ હાલમાં ઠંડીનું પ્રમાણ વધતાં ઘઉં ઊગી નીકળ્યા હોવાથી વિકાસમાં અને ગુણવત્તામાં ફાયદો થશે તેવી આશા છે.
જંતુનાશક દવાઓ, બિયારણ, મજૂરીના ખર્ચા વચ્ચે આ પાકનો ભાવ સારો મળે અથવા સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ સારા હોય તો સારું, નહીંતર આ મોંઘવારીમાં ખેતી કરવી તે લોઢાના ચણા ચાવવા જેવી છે તેવું હીરાભાઇ આહિરે જણાવ્યું હતું.
કચ્છમાં પાછોતરી ઠંડીથી ઘઉંને ફાયદો
