નાફેડની આકરી શરતોથી વેચાણ સોદા અટકી પડયા

નાફેડની આકરી શરતોથી વેચાણ સોદા અટકી પડયા
પાંચ ટકા એડવાન્સ પેમેન્ટની શરતથી વેપારીઓ નારાજ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.12 ફેબ્રુ.
નાફેડે પૂર્વ જાહેરાત પ્રમાણે મગફળીના વેચાણનો પ્રારંભ કરી દીધો છે પરંતુ સતત બીજા દિવસે કોઇ ખરીદનાર ન મળતા સોદો પડી શક્યો ન હતો. સોમવારે કોઇ ખરીદનારે બિડ ભરી ન હતી. મંગળવારે માત્ર એક જ બિડ ભરાઇ હતી પણ કામકાજ થઇ શક્યા ન હતા.  ખરીદનારે અૉનલાઇન બિડ ભરતા પહેલા 5 ટકા એડવાન્સ પેમેન્ટ આપવાની શરત મૂકવામાં આવી છે. તેને લઇને હવે કોઇને ખરીદીમાં રસ નથી એવું વેપારીઓએ જણાવ્યું છે. મોડી સાંજે ગોંડલથી 600 ટનના સોદા રૂપિયા 3852માં થયા હતા.
જૂનાગઢમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના વેપારીઓ ઉપરાંત આઇઓપીઇપીસીના અધિકારીઓ સાથે મળીને નાફેડે ગયા શનિવારે બેઠક યોજી હતી. મગફળીનું સરળતાથી વેચાણ થાય એ માટેની હતી. બેઠકમાં દિર્ઘ ચર્ચાઓ પછી પણ દળી દળીને  ઢાંકણીમાં  જેવી સ્થિતિ  થઇ છે. નાફેડ વેચાણની શરતોમાં બાંધછોડ કરવા તૈયાર નથી પરિણામે મુશ્કેલી પડી રહી છે.
મગફળીના વેપારી અલ્પેશભાઇ કેસરિયા કહે છે, નાફેડ પાસે આશરે 3 લાખ ટન જૂની મગફળી પડી છે. ગઇકાલે વેચાણ શરું તો કરાયું પરંતુ કોઇને બિડ કરવામાં રસ નથી. સોમવારે કોઇ બિડ ભરાઇ ન હતી. મંગળવારે ગોંડલના એક વેરહાઉસમાંથી ખરીદી માટે રૂા. 3852નો ભાવ નાંખવામાં આવ્યો હતો. 
તેમણે કહ્યું કે,  બિડ પૂર્વે 5 ટકા એડવાન્સ નાણાં ભરવા પડે છે ત્યાંથી જ સમસ્યા શરૂ થાય છે. સામાન્ય રીતે અૉનલાઇન ખરીદી શરૂ થાય ત્યારે વેપારીઓ જથ્થામાં બજારનો તાલ જોઇને ફેરફાર કરતા હોય છે. આવા સમયે એડવાન્સ કેવી રીતે ભરવા ?
એડવાન્સ ભર્યા પછી પણ કદાચ મગફળી ન મળે તો ભરેલા પૈસાનું રિફંડ ક્યારે આવશે તેની કોઇ સ્પષ્ટતા નથી. ખરીદી વખતના અગાઉના તફાવતની રકમના રિફંડ પણ મહિને દોઢ મહિને આવે છે ત્યારે રોકાણ કરીને કોણ મગફળી ખરીદવા તૈયાર થાય ?
એ ઉપરાંત નાફેડમાંથી મગફળી ખરીદવા જથ્થાની 10 ટકા રકમ બે દિવસમાં અને સાત દિવસમાં પૂરેપૂરું પેમેન્ટ કરી દેવાની શરત છે. ડિલિવરી ઓર્ડર ચાર ચાર દિવસે મળે છે. એ પણ સમસ્યા છે. 
અન્ય એક વેપારી કહે છે, નાફેડ દ્વારા બેઝિક ભાવ પણ જાહેર કરવામાં આવતો નથી એ પણ મુશ્કેલી છે. નવી મગફળી માર્કેટ યાર્ડોમાં અને ખેડૂતો પાસેથી જૂનાના ભાવે મળે છે એટલે પણ ઘણા અૉનલાઇન વેપારમાં રસ લેતા નથી. સરકાર જૂનાનો ભાવ ટને રૂા. 3500-3700ની આસપાસ રાખે તો વેપારીઓ ખરીદવા પણ તૈયાર છે. નાફેડે શરતો સરળ બનાવવી જરૂરી છે. 
નાફેડ પાસે જૂની મગફળીનો 3 લાખ ટન અને ચાલુ વર્ષની ખરીદીનો આંકડો 4.19 લાખ ટન સુધી પહોંચ્યો છે. કુલ સાત લાખ ટન કરતા વધારે મગફળી સરકાર પાસે છે. એ સિવાય ખેડૂતો પાસે પણ ચાર-પાંચ લાખ ટન મગફળી પડી હોવાનો અંદાજ છે. એ જોતા મગફળીની અછત થવાની કોઇ શક્યતા નથી.
ખરીદીનો બીજો રાઉન્ડ કરવાની માગણી
મગફળીની સરકારી ખરીદીનો લાભ હજુ પણ અસંખ્ય ખેડૂતોને મળ્યો નથી ત્યારે કિસાન સંઘે બીજો રાઉન્ડ શરૂ કરવાની માગણી મુખ્ય પ્રધાન સમક્ષ કરી છે. કિસાન સંઘે કહ્યું છે કે, અગાઉ ખેડૂતો નોંધાયેલા છે અને બીજી વખત જેમનો માલ ભરવાનો બાકી છે તેમના માટે આ રાઉન્ડ શરૂ થવો જોઇએ. 
મગફળીની ખરીદી વખતે અસંખ્ય ખેડૂતોના દસ્તાવેજો લઇને ટોકન આપવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાકની આજ સુધી નોંધણી થઇ નથી તેવું સંઘે કહ્યું હતું. ખેડૂતોનો દોષ નથી છતાં હવે ખરીદી બંધ થઇ જતા તેમને લાભ નહીં મળે એ મુદ્દે રોષ છે.  સંઘની માગણીનો સ્વીકાર થયો નથી. મગફળીની ખરીદીમાં અસંખ્ય ખેડૂતોની મગફળી કેન્દ્ર ઉપર મંજૂર થઇ ગયા પછી ગોદામ સુધી પહોંચીને ફરી રિજેક્ટ કરવામાં આવી છે. આવા ખેડૂતોની મગફળી પણ જોખાવી જોઇએ તેવી માગ છે. એ ઉપરાંત મોઇશ્ચર, ટકાવારી, ઉતારા તથા સામાન્ય દસ્તાવેજના અભાવ વચ્ચે પણ મગફળી ખરીદાઇ નથી. આ વર્ષે ખેડૂતોએ સરકારી ખરીદીમાં પારાવાર પરેશાની વેઠી છે. ગયા વર્ષે ગુજકોટની ખરીદી વખતે કૌભાંડો થયા પછી સરકારે ભરેલા પારોઠના પગલામાં સરવાળે તો ખેડૂતોને નુક્સાન ગયું છે. કૌભાંડકારીઓને કશો ફરક પડયો નથી.
મગફળીની સરકારી ખરીદી બંધ કરાઇ
નાફેડ વતી ગુજરાતમાં પુરવઠા નિગમ દ્વારા મગફળીની ટેકાના ભાવથી ખરીદી કરી રહી છે. જોકે, 12મી ફેબ્રુઆરીએ ખરીદી બંધ કરવા માટે નિગમ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી હતી તે પ્રમાણે ખરીદી થઇ ન હતી. છતાં જે ખેડૂતોને ટોકન અપાઇ ચૂક્યાં છે તેમના પૂરતું ખરીદીનું કામકાજ ચાલુ રાખવામાં આવી હતી એવું નિગમના આધારભૂત સૂત્રોએ કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer