રૂ ઉત્પાદનમાં ચીન ભારતને હરાવીને મોખરાનું સ્થાન લેશે

રૂ ઉત્પાદનમાં ચીન ભારતને હરાવીને મોખરાનું સ્થાન લેશે
અમદાવાદ, તા. 12 ફેબ્રુ.
પ્રતિકૂળ આબોહવા, પાણીની અછત અને વાવેતર વિસ્તારમાં વધારાના અભાવને પગલે ભારત વિશ્વમાં રૂના સૌથી મોટા ઉત્પાદક તરીકેનું સ્થાન ગુમાવી દે એવી શક્યતા છે.
તાજેતરના આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર પાક વર્ષ 2018-19માં ભારતને બદલે રૂ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન લે એવી શક્યતા છે. ચીને ચડિયાતી કૃષિ પદ્ધતિઓ દ્વારા કપાસની ઊપજમાં સારો એવો સુધારો કર્યો છે.
ઈન્ટરનેશનલ કોટન એડવાઈઝરી કમિટીએ તાજેતરમાં કહ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં અપૂરતા વરસાદને કારણે ભારતમાં કપાસનું ઉત્પાદન આ વર્ષે 7 ટકા ઘટવાની ધારણા છે, જ્યારે ચીનનું ઉત્પાદન એક ટકો વધીને 59.4 લાખ ટન થવાનો અંદાજ છે.
2018ના અૉગસ્ટ-ડિસેમ્બર દરમિયાન ભારતમાં કપાસનું ઉત્પાદન 59.8 લાખ ટન અંદાજાય છે, પરંતુ ભારત અૉક્ટોબર-સપ્ટેમ્બર પાક વર્ષને અનુસરે છે. ઉદ્યોગના સૂત્રોના મતે ભારતનું કપાસનું ઉત્પાદન હજી ઘટવાની ધારણા છે.
કોટન એસોસિયેશન અૉફ ઈન્ડિયાના અંદાજ અનુસાર વર્તમાન પાક વર્ષમાં ભારતમાં કપાસનો પાક 335 લાખ ગાંસડી (170 કિલોની) ઉતરશે જે 2010-11 પછી સૌથી ઓછો હશે. ``આ વર્ષે ભારત ચીનથી પાછળ રહી જશે, જેને માટે પ્રતિકૂળ હવામાન અને પાણીની અછત જવાબદાર હશે. તેલંગણા અને કર્ણાટકમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે,'' એમ સીએઆઈના પ્રમુખ અતુલ ગણાત્રાએ કહ્યું હતું.
``છેલ્લાં કેટલાંક વર્ષોથી અમુક અપવાદોને બાદ કરતાં કપાસનું ઉત્પાદન સતત ઘટતું જાય છે. એકર દીઠ ઊપજ ખૂબ ઓછી છે અને જીવાતના ઉપદ્રવને લીધે વાવેતર વિસ્તાર વધારવો પણ મુશ્કેલ છે. આમ કપાસના પાકમાં આપણે સંતૃપ્તિની સપાટીની નજીક પહોંચી ગયા છીએ,'' એમ ગણાત્રાએ કહ્યું હતું.
ભારતમાં કપાસની ઊપજ હેકટર દીઠ 485-500 કિલો છે, જ્યારે ચીનમાં તે 1755 કિલો છે. ઓછી ઊપજ માટે શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓ વિશેના ખેડૂતોના અજ્ઞાનને જવાબદાર ગણાવતા સેન્ટ્રલ ઈન્સ્ટિટયૂટ ફોર કોટન રિસર્ચના ડિરેકટર વી. એન. વાઘમારેએ કહ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં આપણે ત્યાં હેકટર દીઠ 1200-1500 કિલોનો ઉતારો મળ્યો છે. કૃષિ પદ્ધતિ સારી હોય તો ઊપજ વધે છે.
નિષ્ણાતોના કહેવા અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્રમાં આશરે 85 ટકા ખેડૂતોએ પ્રથમ અને બીજી વીણાઈ બાદ છોડ ઉખેડી નાખ્યા છે. તેથી ત્રીજી અને ચોથી વીણાઈ અશક્ય બની જાય છે.
ભારતમાં કપાસનો 77 ટકા વાવેતર વિસ્તાર બિનસિંચાઈનો હોવાથી વરસાદ પરનું અવલંબન વધી જાય છે, એમ ગણાત્રાનું કહેવું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer