કાચા માલની સંભવિત અછતથી રોલિંગના ભાવમાં ઝડપી સુધારો

કાચા માલની સંભવિત અછતથી રોલિંગના ભાવમાં ઝડપી સુધારો
પાઇપલાઇન ખાલી હોવાથી માગમાં વધારો
સૈફી રંગવાલા
મુંબઈ, તા. 12 ફેબ્રુ.
કાચા માલની સંભવિત તંગીને લીધે અંડરકરંટ મજબૂત બન્યો છે. બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા એકાદ અઠવાડિયામાં રોલિંગ લોખંડ બાર અને ટીએમટી બારના હાજર ભાવમાં ટન દીઠ રૂા. 3000થી રૂા. 4000 સુધીનો એકધારો વધારો થઈ ચૂક્યો છે. મધ્ય પ્રદેશ રાઇપુરસ્થિત મિલોના વાયરબાર અને ટીએમટી બારના ભાવ અનુક્રમે રૂા. 40,000 (સાઇઝ પ્રમાણે વધઘટ) વત્તા જીએસટી ક્વૉટ થાય છે. ટીએમટીનો ભાવ રૂા. 35,000+(પેરીટી) બોલાયો છે. તેનો આધાર લઈને અગાઉ મુખ્ય ઉત્પાદકોએ ફેબ્રુઆરીમાં ભાવ યથાવત્ રાખવાનો નિર્ણય હવે અચાનક બદલીને ભાવમાં ટન દીઠ રૂા. 750 સુધી વધારો કર્યો છે.
ઉદ્યોજક સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિશ્વના અગ્રણી ખનિજ લોખંડ ઉત્પાદકોની અૉસ્ટ્રેલિયાસ્થિત ખાણમાં મોટો અકસ્માત થવાથી કોર્ટ દ્વારા ખોદકામ માટેની પ્રક્રિયા અતિ કડક બનાવી દેવાતાં વૈશ્વિક બજારમાં પુરવઠો ઘટવાની ચિંતાએ તૈયાર લોખંડના ભાવ વધ્યા છે. સાથોસાથ કોલસાના ભાવ અને પરિવહન ખર્ચ પણ થોડા વધવાથી હવે ટૂંકાગાળા માટે લોખંડના ભાવમાં નવી મંદી પ્રવેશતી અટકશે. એમ બજારનું અનુમાન છે. અત્યારે  મુંબઈ બજારમાં મેઇન લોખંડ ટીએમટી રૂા. 41,000 ક્વૉટ થાય છે.
અત્યારનો ભાવ વધારો ટકવાનું મુખ્ય કારણ એ સંભવિત અછત ઉપરાંત અગાઉ બે મહિના સુધી ભાવ પર રહેલું દબાણ પણ મનાય છે. સંસદની ચૂંટણી સામે હોવાથી વપરાશકાર અને સ્ટાકિસ્ટોએ ખરીદી ખપપૂરતી જ રાખી હતી. પરિણામે હાજર સ્ટૉક ઓછો હતો. ત્યારે આયાત ભાવ વધતાં માગમાં પણ થોડો કરંટ આવ્યો છે અને બજારમાં કેટલીક રનિંગ પ્રોડક્ટમાં જેનો માલ તેનો ભાવનું ચિત્ર ઊપસ્યું છે. એકાદ-બે મહિના પુરવઠા-પાઇપલાઇન અનુકૂળ સ્તરે પહોંચતા સુધી ભાવ ટકી જશે એમ અગ્રણી સ્ટોકિસ્ટો જણાવે છે. જોકે, સંસદની ચૂંટણી જાહેર થયા પછી તે સમયના ખનિજ લોખંડના વૈશ્વિક પુરવઠાના સંયોગ પ્રમાણે ભાવની વધઘટ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer