કઠોળના ભાવમાં માત્ર નજીવો વધારો થયો છે

કઠોળના ભાવમાં માત્ર નજીવો વધારો થયો છે
માલભરાવાને કારણે હજુ વર્ષાંત સુધી રાહ જોવી પડશે 
નવી દિલ્હી, તા. 12 ફેબ્રુ.
સરકારી એજન્સીઓએ કઠોળની ખરીદી શરૂ કરી છે, ત્યારથી ખુલ્લા બજારમાં કઠોળના ભાવ સુધરવાનું શરૂ થયું છે. પરંતુ નિષ્ણાતો માને છે કે બજારભાવ સામાન્ય બને તે માટે હજુ આ વર્ષના અંત સુધી રાહ જોવી પડશે.
નેશનલ કોલેટરલ મેનેજમેન્ટ સર્વિસીઝ લિમિટેડ (એનસીએમએલ)ના એમડી અને સીઈઓ સંજય કૌલે જણાવ્યું કે લઘુતમ ટેકાના ભાવ વધારીને ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના સરકારના પ્રયત્નોને પગલે વર્ષ 2016-17ની સિઝન દરમ્યાન ઊગેલા કઠોળ (2.313 કરોડ ટન)ના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. સરકારે મર્ચેન્ડાઈઝ એક્સ્પોર્ટસ ફ્રોમ ઈન્ડિયા સ્કીમ (એમઈઆઈએસ) જેવી યોજનાઓ અને આયાત ઉપર અંકુશ જેવાં પગલાં ભર્યાં હોવાથી પાકનો જંગી ખડકલો ઘટયો છે ખરો, પરંતુ ભાવ હજુ પૂરેપૂરા રિકવર થયા નથી.
કૌલે જણાવ્યું કે વધુપડતા ઉત્પાદનને કારણે માલભરાવો થઈ જતાં કઠોળના ભાવ તૂટયા હતા, પરંતુ હવે નીચા ભાવ અને માગ-પુરવઠાનું સંતુલન ખોરવાયું હોવાને કારણે વાવેતર અને ઉત્પાદન ઘટયાં છે અને સ્થિતિ સુધરી રહી છે.
એનસીએમએલ દ્વારા દર વર્ષે પ્રકાશિત થતી કોમોડિટી યર બૂકમાં દેશની કઠોળની સ્થિતિની વિગતવાર માહિતી રજૂ કરાઈ છે. કૌલે જણાવ્યું કે ગયા વર્ષે ઓગસ્ટમાં સરકારે જણાવેલા તુવેર, ચણા, અડદ અને મગના ઉત્પાદન અંદાજો ઘટાડવામાં આવ્યા છે. ઉત્પાદન ઓછું થવાનું એક કારણ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોમાં ખરાબ હવામાન છે. ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છતાં નાફેડે મોટા પાયે માલનો જથ્થો પકડી રાખ્યો હોવાથી તેમજ તાજેતરના વરસાદથી અપેક્ષા કરતાં વધુ સારો પાક થવાની ધારણાએ ભાવ દબાયેલા જ રહેશે.
કૌલે જણાવ્યું કે સરકારે માત્ર ચણા જ નહીં, પરંતુ ચણામાંથી બનતાં પ્રોસેસ્ડ ઉત્પાદનો જેવાં કે દાળ અને બેસન માટે પણ નિકાસ પ્રોત્સાહનો ધરાવતી વધુ યોજનાઓની જાહેરાત કરવાની જરૂર છે. સરકારે દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે કરેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને દ્વિપક્ષીય કરારનો લાભ લેવો જોઈએ. જેમકે, બાંગ્લાદેશ 12-15 લાખ ટન, જ્યારે શ્રીલંકા લગભગ ત્રણ લાખ ટન કઠોળ આયાત કરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer