છેલ્લાં પાંચ વર્ષમાં નિકાસ 25 ટકા ઘટી છે
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 12 ફેબ્રુ.
કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી (સીટી)એ નિકાસ વધારવા તેમજ નવાં બજારો સર કરવા માટે પ્રોત્સાહન આપવા કોટન યાર્નનો સમાવેશ મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટસ ફ્રોમ ઈન્ડિયા સ્કીમ (એમઈઆઈએસ) હેઠળ કરવા કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.
સિટિએ જણાવ્યું છે કે ભારતીય નિકાસકારોને મુખ્ય બજારોમાં વેરાને કારણે ગેરલાભ થતો હોવાથી કોટન યાર્ન અને ફેબ્રિકની નિકાસને ફટકો પડયો છે અને તેઓ ફેબ્રિક માટે એમઈઆઈએસનો દર બે ટકાથી વધારીને ચાર ટકા કરવા પણ સરકારને વિનંતી કરે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં કોટન યાર્ન અને ફેબ્રિકની નિકાસ સતત ઘટી હોવાનું જણાવતાં સિટિએ ઉમેર્યું કે વર્ષ 2013-14માં કોટન યાર્નની નિકાસ 457 કરોડ ડોલરથી 25 ટકા ઘટીને વર્ષ 2017-18માં 344.3 કરોડ ડોલર થઈ છે. આ જ ગાળામાં ફેબ્રિકની નિકાસ 494.1 કરોડ ડોલરથી સાત ટકા ઘટીને 459.8 કરોડ ડોલર નોંધાઈ છે.
સિટિના ચેરમેન સંજય જૈને કોટન યાર્ન અને ફેબ્રિકની નિકાસને પ્રોત્સાહન આપવા તેમજ નવાં બજારો અને ખાસ કરીને આફ્રિકાનાં બજારોમાં પ્રવેશવા બંનેને એમઈઆઈએસ હેઠળ લાવવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું છે કે કોટન યાર્ન એકમાત્ર એવું સેગ્મેન્ટ છે, જેને આ યોજના હેઠળ આવરી નથી લેવાયું. આથી, કપાસનો વિપુલ પાક ઊતરતો હોવા છતાં તેમજ વિશ્વમાં બીજા ક્રમે સૌથી વિશાળ કોટન સ્પિનિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં સરકારની સહાયના અભાવે કોટન યાર્નની નિકાસ ઘટી રહી છે.
કોટન યાર્નની નિકાસમાં અગાઉ ભારતનું સ્થાન મોખરે હતું, પરંતુ ચીનની વિયેટનામ અને ઈન્ડોનેશિયાને નિકાસને કરમુક્તિનો લાભ હોવાથી ચીન આગળ નીકળી ગયું. ભારતીય યાર્ન ઉપર 3.5 ટકા આયાતજકાત છે.
વર્ષ 2013-2017ના ગાળા દરમ્યાન ભારતીય કોટન યાર્નની ચીનને કરવામાં આવતી નિકાસ 48 ટકા ઘટી છે, જ્યારે વિયેટનામ અને ઈન્ડોનેશિયાને કરાતી નિકાસ અનુક્રમે 129 ટકા અઁ 55 ટકા વધી છે. તૈયાર વસ્ત્રોની નિકાસ વર્ષ 2016-17માં 17.4 અબજ ડોલરથી ઘટીને વર્ષ 2017-18માં 16.7 અબજ ડોલર નોંધાઈ છે.
કૉટન યાર્નને નિકાસ પ્રોત્સાહન યોજના હેઠળ સામેલ કરવું જોઈએ : સીટી
