વૈશ્વિક બજારમાં ખાધને કારણે આ વર્ષને અંતે ખાંડના ભાવ

વૈશ્વિક બજારમાં ખાધને કારણે આ વર્ષને અંતે ખાંડના ભાવ
15-17 ટકા વધવાની સંભાવના
લંડન, તા. 12 ફેબ્રુ.
વર્ષ 2019-20ની સિઝનમાં વૈશ્વિક બજારમાં ખાંડની ખાધને કારણે ખાંડના ભાવ વધવાનું અનુમાન છે. તાજેતરમાં હાથ ધરાયેલા વિશ્લેષકો અને વેપારીઓના એક સર્વે મુજબ કાચી ખાંડના ભાવ શુક્રવારના બંધની સરખામણીએ 15 ટકા વધીને આ વર્ષને અંતે એક પાઉન્ડ (453.592 ગ્રામ) દીઠ 14.60 સેન્ટ નોંધાશે તેવી ધારણા છે.
વિશ્વમાં ખાંડનો જથ્થો ધીમેધીમે ઘટી રહ્યો હોવાનું જણાય છે. વર્ષ 2018-19માં 25.5 લાખ ટન સરપ્લસ જથ્થો હતો, જ્યારે 2019-20માં 19 લાખ ટનની ખાધ સર્જાશે અને ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો થશે, તેવો વિશ્લેષકો અને વેપારીઓનો અંદાજ છે.
ભારતમાં ઉત્પાદન ઘટયું છે
વૈશ્વિક બજારમાં આ સંભવિત ફેરફારનું એક કારણ ભારતમાં ઉત્પાદનમાં ઘટાડાનું પણ છે. સર્વે મુજબ ભારતમાં પાછલા વર્ષે 3.2 કરોડ ટનથી ઘટીને 2019-20માં 2.95 કરોડ ટન થવાનો અંદાજ છે. ભારતમાં માલભરાવો છે. ભારત નિકાસ વધારે તો ખાંડનો ભાવવધારો મર્યાદિત બને. ઉપરાંત, બ્રાઝિલમાં ખાંડ અને ઈથેનોલનાં ઉત્પાદનમાં પ્રમાણમાં વધુ નફાકારક હોવાને કારણે ભાવ ઉપર નોંધપાત્ર અસર થાય છે.
ખાંડ કે ઈથેનોલ?
ખાંડના નીચા ભાવને કારણે બ્રાઝિલની કંપનીઓએ ઈથેનોલ ઉત્પાદનની ક્ષમતાઓ વધારી છે. અનેક મિલોએ પોતાની ઉત્પાદન ક્ષમતાઓ શેરડીનો ઉપયોગ કરીને ખાંડ અથવા બાયોફ્યુઅલ તરીકે વપરાતા ઈથેનોલ - એમ બંને, એટલે કે જે - જ્યારે વધુ નફાકારક જણાય, તેનું ઉત્પાદન કરી શકાય તે રીતે રાખી છે.
ખાધનું કદ પણ ભાવ કેટલા ઊછળશે, તે નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એક વિશ્લેષકે જણાવ્યું કે વર્ષ 2019-20માં 50 લાખ ટન જેટલી મોટી વૈશ્વિક ખાધનો અંદાજ મૂકીએ તો ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળશે. જો ખાધ લગભગ નહિવત્ હશે અથવા તો થોડો સરપ્લસ જથ્થો પણ હોઇ શકે, તેવા અંદાજ સામે ભાવમાં વૃદ્ધિ અત્યંત નજીવી જોવા મળશે.
સફેદ ખાંડના ભાવ હાલના ભાવ સામે 17 ટકા વધીને વર્ષને અંતે ટનદીઠ 391.50 ડોલર નોંધાશે તેવી ધારણા છે. અન્ય એક વિશ્લેષકે જણાવ્યું કે યુરોપિયન યુનિયનમાં વર્ષ 2019માં બીટના વાવેતરમાં સંભવિત ઘટાડાને પગલે પણ સફેદ ખાંડના બજારમાં નોંધપાત્ર ખાધની ધારણા છે.
યુરોપિયન યુનિયને ઉત્પાદનમાં કાપ મૂક્યો
વર્ષ 2017માં વૈશ્વિક બજારમાં ખાંડનો વિપુલ જથ્થો હોવાથી યુરોપિયન યુનિયને ઉત્પાદન અને નિકાસ ક્વોટા ઘટાડયા, જેના પગલે ઘણા ઉત્પાદકોએ પોતાનાં ઉત્પાદન વધારતાં ખાંડ ઉદ્યોગમાં અનિશ્ચિતતાનો આરંભ થયો છે. ખાંડના જંગી ખડકલાને કારણે ભાવ દબાયા અને યુરોપિયન યુનિયનની કંપનીઓને ફરી ઉત્પાદનમાં કાપ મૂકવાની ફરજ પડી. 
કેપિટલ ઈકોનોમિક્સના વિશ્લેષક કેરોલિન બેઇન જણાવે છે કે આ વર્ષે બ્રાઝિલ પોતાનો શેરડીનો પાક ઈથેનોલના ઉત્પાદનમાં વાળી રહ્યો હોવાથી ખાંડના ભાવને વૃદ્ધિતરફી ટેકો મળશે. ઉપરાંત, યુરોપિયન યુનિયનના ખેડૂતો પણ સુગર બીટને બદલે અન્ય વધુ નફાકારક પાક તરફ વળી રહ્યા છે. આને પગલે ખાંડના ભાવ વધવાની સંભાવના છે. જોકે, ભારતમાં શેરડીનો બમ્પર પાક અને બ્રાઝિલનું ચલણ રિયાલ નબળું પડવાને કારણે ખાંડના વૈશ્વિક ભાવમાં વૃદ્ધિ નિયંત્રિત બને તેવી શક્યતા પણ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer