એફઆઈઆઈ અને સ્થાનિક વેચવાલીએ નિફટી 57 પૉઈન્ટ ઘટાડે 10831

એફઆઈઆઈ અને સ્થાનિક વેચવાલીએ નિફટી 57 પૉઈન્ટ ઘટાડે 10831
મોટા રોકાણકારો લેણ ઘટાડી રહ્યાના નિર્દેશ
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 12 ફેબ્રુ.
એશિયન બજારમાં ધીમા સુધારા સામે સ્થાનિક શૅરબજાર સોમવાર અને આજે મંગળવારે સતત નબળાઈ દર્શાવી રહ્યું છે. શૅરબજારમાં ક્ષેત્રવાર નાણાકીય સંસ્થાઓ અને એફઆઈઆઈ અગ્રણી શૅરોમાંથી લેણના પોટલા તબક્કાવાર હળવા કરી રહ્યાનું સ્પષ્ટ જણાઈ આવે છે. આજે એનએસઈ નિફટી 10879 ખૂલ્યા પછી 10910ની ઊંચાઈ બનાવી સતત ઘટાડે નીચેમાં 10823 ઉતરી ટ્રેડ અંતે 10831.40 બંધ હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 241 પૉઈન્ટ ઘટીને 36154 બંધ રહ્યો હતો.
આજે ઘટાડાની આગેવાની લેતા નિફટી પીએસયુ ઈન્ડેક્ષ 1.75 ટકા, નાણાસેવા ઈન્ડેક્ષ 1.75 ટકા અને એફએમસીજી સૂચકાંક નોંધપાત્ર ઘટયા હતા. ઉપરાંત બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્ષ વર્ષના તળિયે 13390 અને મિડકેપ 9 પૉઈન્ટ ઘટયા હતા. ફર્ટિલાઈઝર, ગ્રેફાઈટ, ઈલેકટ્રોડ, કાગળ અને વાહનપૂર્જા કંપનીઓના ભાવ ઝડપથી તૂટયા હતા. જીએનએફસી નબળા નફાને લીધે 12 ટકા ઘટાડે હતો. જેની સામે પીઆઈ ઈન્ડસ્ટ્રીઝનો વૃદ્ધિદર 33 ટકા વધવાથી શૅર 9 ટકા ઉછાળે બંધ હતો. નિફટીના અગ્રણી શૅરમાં 28 ઘટાડે અને 20 વધીને બંધ રહ્યા હતા. બૅન્ક અૉફ ઈન્ડિયા, એચડીએફસી અને યુનિયન બૅન્ક નોંધપાત્ર ઘટયા હતા.
આજે સુધારનાર મુખ્ય શૅરમાં મેટલ ક્ષેત્રે જેએસડબ્લ્યુ પ્રત્યાઘાતી ઉછાળે રૂા. 10, ઊર્જા-તેલ ગૅસમાં બીપીસીએલ રૂા. 6, કોલ ઈન્ડિયા રૂા. 4, સનફાર્મા રૂા. 8, ડૉ. રેડ્ડીસ રૂા. 37, આઈશર મોટર્સ રૂા. 37, ટિસ્કો રૂા. 7, એશિયન પેઈન્ટ રૂા. 15, ટાઈટન રૂા. 10 સુધર્યા હતા.
જ્યારે ઘટવામાં બૅન્કિંગ શૅરો એચડીએફસી રૂા. 10, એક્સિસ રૂા. 4, ઈન્ડસઈન્ડ રૂા. 14, એસબીઆઈ રૂા. 5, આઈસીઆઈસીઆઈ રૂા. 5, ટેક શૅરમાં ટીસીએસ રૂા. 14, ઈન્ફોસીસ રૂા. 12, એચસીએલ ટેક રૂા. 21, એચયુએલ રૂા. 10, બ્રિટાનિયા રૂા. 90 અને યુપીએલ રૂા. 10 ઘટયા હતા.
ટેક્નિકલી હવે ચાર્ટ પર બજારની નબળાઈ છતી થતી ગઈ છે. બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવી ડિલિવરી બેઝ ખરીદીનું પ્રમાણ ઘટવાથી દરેક ઘટાડે શૅરો નવા નીચા કવોટ થતા ગયા છે. ટેક્નિકલી હવે 10802 નીચે 10700 અને 10752 તૂટશે તો બજારમાં વધુ ખરાબી સર્જાશે એવી શક્યતા છે.
એશિયન બજાર
અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ વાટાઘાટોની સંભવિત સફળતાની આશાએ એશિયાનાં બજારોમાં ધીમો સુધારો જણાય છે. એશિયાનો મુખ્ય સૂચકાંક એમએસસીઆઈ બ્રોડેસ્ટ (જપાન બહાર) 0.3 ટકા વધ્યો હતો. શાંઘાઈ ખાતેનો કમ્પોઝિટ ઈન્ડેક્ષ 0.6 ટકા અને કોરિયા ખાતે કોસ્પી 0.4 ટકા વધ્યો હતો. જપાન ખાતે નિક્કી 2 ટકા ઉછળ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer