લગ્નસરાની મોસમ પૂર્વે સોનાની આયાત જાન્યુઆરીમાં 64 ટકા વધી

લગ્નસરાની મોસમ પૂર્વે સોનાની આયાત જાન્યુઆરીમાં 64 ટકા વધી
નવી દિલ્હી, તા.12 ફેબ્રુ.
લગ્નસરાની મોસમ નજીક આવી રહી હોવાથી જ્વેલર્સ દ્વારા સોનાની ખરીદી વધતાં ગયા મહિને, ભારતની સોનાની આયાત પાંચ વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી છે.
જાન્યુઆરીમાં સોનાની આયાત 64 ટકા વધીને 46 ટન થઈ હતી, એમ સૂત્રોએ કહ્યું હતું. જોકે, આ આયાત ડિસેમ્બરના 60 ટનની સરખામણીએ ઓછી હતી. 
ભારતીયો લગ્નસરા દરમિયાન વિવિધ શુભ મૂહુર્તોએ સોનાની ખરીદીને શુભ માને છે. આ મહિનાથી લગ્નની સિઝન શરૂ થઈ છે અને મે મહિનાની શરૂઆતના અક્ષય તૃતીયાના દિવસે ખરીદી સૌથી વધુ થાય છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે આ વર્ષે ભારતમાં મે મહિનામાં ચૂંટણી અને ખર્ચશક્તિને લીધે સોનાની માગમાં રિકવરી થશે. ગયા મહિને ભારતના વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મૅનેજિંગ ડિરેક્ટર પી આર સોમસુંદરમે કહ્યું હતુ કે, ચૂંટણી એટલે ખર્ચ, જેથી આવકનું પુન:વિતરણ થશે. 
ગયા વર્ષે ભારતીય આયાત ખાસ રહી નહોતી, કારણ કે ગ્રામીણ આવક ઘટી હતી અને રૂપિયાનું મૂલ્ય ઘટયું હતું, એમ ઈન્ડિટ્રેડ ડેરિવેટિવ્ઝ ઍન્ડ કૉમોડિટીઝ લિ.ના કૉમોડિટી અને કરન્સીના હૅડ હરિશ ગલીપેલ્લીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ખેડૂતોને સીધો રોકડ લાભ અને ચૂંટણી નજીક હોવાથી ગ્રામીણ પ્રજાના હાથમાં રોકડ વધશે જેથી આ વર્ષે માગ વધશે. 
જોકે, મુખ્ય જોખમ વૃદ્ધિનું પાસું છે, કેમ કે સ્થાનિક ભાવ વધુ હોવાથી વૃદ્ધિ ઉપર અસર પડશે, એમ પણ તેમણે કહ્યું હતું. મુંબઈમાં 4 ફેબ્રુઆરીએ બેન્ચમાર્ક ગોલ્ડ ફ્યૂચર્સ વધીને પ્રતિ 10 ગ્રામ રૂા. 33,646 થયો હતો, જે સપ્ટેમ્બર 2013 પછી સૌથી વધુ છે અને ગયા વર્ષના રૂા. 35,074ના રેકર્ડથી આંશિક જ ઓછો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer