સાવરકુંડલાના રામગઢમાં રોગ લાગી જતા તલનો પાક નિષ્ફળ

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ.તા.28 જુલાઈ
અમરેલી જિલ્લાના રામગઢ ગામના ખેડૂતોની સામે નવી મુશ્કેલી આવી છે. આ ગામમાં અનેક ખેડૂતોએ તલનું વાવેતર કર્યું પરંતુ જીવાતના કારણે તલનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે.અમરેલી જિલ્લો તલના ઘર સમો ગણાય છે.ગયા વર્ષમાં ભાવ પણ સારા હતા એટલે તલનો પાક સારી કમાણી કરી આપશે એવો આશાવાદ ખેડૂતોને બંધાતા ખૂબ વાવેતર થયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામના ખેડૂતોનો  તલનો પાક નિષ્ફળ જતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અહીં 500 વીઘા જમીનમાં તલનુ વાવેતર કરાયું હતુ. પરંતુ તલના મૂળીયામાં જીવાત લાગી જતા તલના ઉભા છોડ સુકાવા લાગ્યા છે. છોડ ઉખાડી નાખવા પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. સારી ઉપજની આશાએ મગફળી અને કપાસની જગ્યાએ તલનું વાવેતર કરવાનું ખેડૂતોએ પસંદ કર્યું હતું. તલની વાવણીમાં મોટે અંશે ખેડૂતોને સફળતા પણ મળી હતી, પરંતુ અચાનક આવેલા રોગને કારણે વાવણી સહિતનો ખર્ચે ખેડૂતોને માથે પડ્યો છે. ખેડૂતો પરિસ્થિતી સામે લાચાર છે. તલના વાવેતરમાં થયેલ નુકશાનીની ભરપાઇ હવે કેવી રીતે કરવી તે ખેડૂતો માટે યક્ષપ્રશ્ન છે. 
રામગઢ આજુબાજુના ગામમાં પણ તલનું વાવેતર તો થયું છે પરંતુ હજુ સુધી ત્યા જીવાત આવી નથી પરંતુ શક્યતા રહેલી જ છે. જીવાત સામાન્ય રીતે આવતી નથી પરંતુ જો આસપાસના વિસ્તારમાં જીવાત તલના પાકમાં ફેલાઈ જશે તો મોટી આફત સર્જાશે. અમરેલી જિલ્લામાં 5 હજાર હેક્ટરમાં તલનું વાવેતર થયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer