અમરેલીના ખેડૂતો મધ બનાવશે

દિવાળી પછી ખેડૂતોને અપાશે મધપેટી
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા.28 જુલાઈ
અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ - અમર ડેરી ખેડૂતોને દૂધની સાથે મધના ઉત્પાદનમાં પણ જોતરવાની છે. ડેરીએ નવીનતમ પ્રયોગમાં મધની ખેતી તરફ ખેડૂતોને વાળવા માટે આયોજન કરી લીધું છે. ડેરી દ્વારા કિસાનોને માખી સાથેની પેટીઓ મધ બનાવવા માટે અપાશે, દૂધની માફક મધ પણ ડેરી ખરીદશે. ડેરીએ મધ માટે `અમર હની' નામ પણ ઘોષિત કરી દીધું છે. 
અમર ડેરીના સ્થાપક ચેરમેન દિલીપ સંઘાણી કહે છે, વર્તમાન ચેરમેન અશ્વિન સાવલીયાના નેતૃત્વ હેઠળ મધમાખી ઉછેરનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. બે અઢી વર્ષથી કામગીરી થઇ રહી હતી. હવે તેને આખરી ઓપ મળશે. અમર ડેરી ખેડૂતો અને પશુપાલકોને માખી સાથેની પેટીઓ આપે. માખી મધ બનાવે અને ખેડૂતો ડેરીને આપે એવી સમગ્ર યોજના છે. એનાથી ખેડૂતોની આવકની સાથે પાકનો ઉતારો પણ વધશે. 
અમર ડેરીના પટાંગણમાં એ માટે 35 વીઘા જેટલી જમીનમાં અનેક વૃક્ષો અને છોડ વાવવામાં આવ્યા છે. પ્રયોગ માટે 10થી 15 મધપેટીઓ પણ રાખવામાં આવી છે તેમ દિલીપભાઇએ ઉમેર્યું હતું. ડેરીમાં રજકો, શેરડી, ગુલમોર, દાડમ, ચીકુ, જામફળ અને પપૈયા સહિત અનેક વેરાઇટીના ઝાડ ઉગાડવામાં આવ્યા છે. અત્યારે પ્રાયોગિક ધોરણે મધ ઉત્પાદન ચાલુ છે. બ્રાન્ડનેમ અમર હની રખાયું છે, જોકે હજુ માર્કાટિંગ શરૂ કરાયું નથી. પ્રયોગ ખાતર ઉત્પાદન થાય છે. 
તેમણે કહ્યું કે, ખેડૂતોને વ્યવસાયિક ધોરણે મધપેટી આપવાનો આરંભ દિવાળીના દિવસોમાં પછી કરવાના છીએ. ખેડૂતો-પશુપાલકો કે અન્ય કોઇપણ વ્યક્તિને મધપેટી જોઇતી હોય તો તે ડેરીમાંથી લઇ જાય. મધ બનાવે અને વેંચી જાય.  
ગરમીના દિવસોમાં સામાન્ય રીતે પાક ખેતરમાં હોતો નથી. પરિણામે મધમાખી મરી જવાના બનાવો બને છે. આવા સંજોગો ન બને તે માટે ડેરીમાં પણ કોઇ વ્યક્તિ ઉનાળાના દિવસોમાં પેટી મૂકી જઇ શકે છે. ડેરીમાં વૃક્ષો છે એટલે ત્યાં ઉત્પાદન થશે. ચોમાસું બેસી જાય એ પછી પોતાની પેટી ફરીથી લઇ જાય. તેમણે ઉમેર્યુ કે, પુરુષોત્તમ રુપાલાનું આ પ્રોજેક્ટમાં માર્ગદર્શન અને યોગદાન મળ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer