કપાસના વાવેતરમાં સાત ટકાની ખાધ

બે અઠવાડિયાંથી વરસાદ ગાયબ થતાં ખેડૂતોને ઈંતજાર 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 28 જુલાઈ 
ચોમાસું ગુજરાત-સૌરાષ્ટ્રમાં છેલ્લાં કેટલાક દિવસોથી નબળું પડ્યું છે પણ ખરીફ વાવેતર પર તેની કોઇ અસર નથી. રાજ્યમાં કુલ ચોમાસું વાવેતર પાછલા વર્ષની તુલનાએ 20 ટકા વધારે થઇ ગયું છે. જોકે ગયા વર્ષે જેનો દબદબો હતો તે કપાસના વાવેતરમા 7 ટકાની ખાધ પડી છે. બીજી તરફ મગફળીનો વિસ્તાર પાછલા વર્ષ કરતા 46 ટકા જેટલો વધારે અર્થાત દોઢો થઇ ગયો છે. જોકે હવે વરસાદ લંબાયો હોવાથી ખેડૂતોના મસ્તકે થોડી ચિંતા વ્યાપી છે. લગભગ બે અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદની કમી છે એટલે હવે એક રાઉન્ડ સારો વરસાદ પડે તે આવશ્યક છે. 
રાજ્ય સરકારના આંકડાઓ પ્રમાણે કુલ ખરીફ વાવેતર 70.27 લાખ હેક્ટરમાં થયું છે. પાછલા વર્ષમાં આ સમયે 58.17 લાખ હેક્ટરમાં વાવણી હતી. કપાસનો હિસ્સો કુલ વાવેતરમાં સૌથી મોટો 22.16 લાખ હેક્ટરનો છે. એ પછી મગફળીનો 20.37 લાખ હેક્ટર રહ્યો છે. 
સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પ્રમાણમાં કપાસનું વાવેતર થયું છે. સરકારી આંકડાઓ પ્રમાણે 15.21 લાખ હેક્ટરમાં કપાસ છે. અમરેલી જિલ્લો સૌરાષ્ટ્રમાં મોખરે છે, એ પછી સુરેન્દ્રનગર જિલ્લાનો ક્રમ આવે છે. 
મગફળીમાં પણ સૌરાષ્ટ્ર ટોચ ઉપર છે. રાજ્યમાં 16.55 લાખ હેક્ટર વાવેતર એકલા સૌરાષ્ટ્રનું છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહેલેથી ખૂબ સારો વરસાદ પડ્યો છે એટલે તળ સજીવન થઇ ગયા છે છતાં આકાશમાંથી કૃપા વરસે એની હરકોઇ ખેડૂત હવે રાહ જોઇ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ નહીજેવો છે ત્યારે ત્યાં વરસાદ ન પડે તો વાવેતરને મોટું નુક્સાન થવાની સંભાવના દર્શાવાઇ રહી છે. 
રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ વાવેતર 7.94 લાખ હેક્ટરથી વધીને 9.56 લાખ હેક્ટર રહ્યું છે. કઠોળનું કુલ વાવેતર પાછલા વર્ષમાં 2.84 લાખ હેક્ટર હતુ તે વધીને 3.55 લાખ હેક્ટર સુધી પહોંચ્યું છે. તેલિબિયાં પાકોનો વિસ્તાર 15.72 લાખ હેક્ટર સામે 23.97 લાખ હેક્ટર રહ્યો છે. જ્યારે કપાસ, તમાકું અને ગુવારસીડ સહિતના અન્ય પાકોનું વાવેતર 31.66 લાખ હેક્ટરથી વધીને 33.18 લાખ હેક્ટર રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer