આઈટી, ફાઈનાન્સિયલ્સ અને અૉટો શૅર્સમાં લેવાલીના ટેકે સેન્સેક્સ 558 પોઈન્ટ્સ વધ્યો

બજાર ફરી અસ્થિર બને તેવા સંકેત
વ્યાપાર ટીમ 
મુંબઈ, તા. 28 જુલાઈ 
ગઈકાલના પ્રોફિટ બુકીંગ પછી નીચા મથાળે નવેસરથી લેવાલી આવતા આજે આઈટી, ફાઈનાન્સિયલ અને ઓટોમોબાઈલ કંપનીઓના  શૅર્સના સૂચકાંકો 1.52 ટકા સુધી વધ્યા હતા. સેન્સેક્સ 558 પોઈન્ટ્સ (1.47 ટકા) વધીને 38,493 અને  નિફ્ટી 169 પોઈન્ટ્સ (1.52 ટકા) વધીને 11,300.5 બંધ રહ્યો હતો. જોકે,  વોલેટિલિટી ઇન્ડેક્સ પાંચ ટકા વધ્યો હોવાથી બજારમાં અસ્થિરતા વધી હોવાનું મનાય છે. 
સેન્સેક્સ શેરોમાં સૌથી વધુ અલ્ટ્રાટેક સિમેન્ટ સાત ટકા વધ્યો હતો, તે પછી ટીસીએસ 4.7 ટકા, એમએન્ડએમ 4.5 ટકા અને મારુતિ ચાર ટકા જેટલો વધ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટના જૂન ત્રિમાસિક નાણાકીય પરિણામ ધારણા કરતા સારા આવતા બીએસઈ ઉપર તેનો ભાવ સાત ટકા વધ્યો હતો. 31મી જુલાઈથી એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સનો સમાવેશ બેન્ચમાર્ક સૂચકાં નિફ્ટી50માં થવાનો હતો મંગળવારે શૅર રૂ.647.50ના ઓલ-ટાઈમ હાઈને સ્પર્શયો હતો. ટેક મહિન્દ્રાના પણ જૂન ત્રિમાસિક નાણાકીય પરિણામ ધારણા કરતા સારા આવતા શૅર 6 ટકા જેટલો વધ્યો હતો. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.76 ટકા વધીને 13,669ના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.6 ટકા વધીને 12,917 બંધ રહ્યો હતો. 
ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી મિડિયાને બાદ કરતા દરેક સૂચકાંકો વધારે બંધ રહ્યા હતા. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ ત્રણ ટકા વધીને 7,417ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ બે ટકાથી પણ વધુ વધીને 18,043 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો. 
વૈશ્વિક બજારો 
અમેરિકાએ કોવિડ-19 મહામારીથી અર્થતંત્ર ઉપર થનારી પ્રતિકૂળ અસરને રોકવા માટે જે પગલા લીધા તેના લીધે યુરોપિયન શૅર્સમાં તેજી જોવા મળી હતી. એશિયાની વાત કરીએ તો જપાન બહારનો એમએસસીઆઈનો બ્રોડેસ્ટ ઈન્ડેક્સ એશિયા-પેસિફિક શૅર્સ 0.8 ટકા વધ્યો હતો. જપાનનો નિક્કી આંશિક ઘટીને બંધ રહ્યો હતો, ચીનના બ્લુ ચીપ 0.8 ટકા વધ્યા હતા. એસએન્ડપી 500 ઈએસ1ના ઈ-મિનિ ફ્યૂચર્સ 1.7 ટકાના રિબાઉન્ડ બાદ સ્થિર રહ્યા હતા. 
રોકાણકારોએ પ્રોફિટ બાકિંગ કરતા ગોલ્ડ રેકોર્ડ હાઈને સ્પર્શયા બાદ આંશિક ઘટ્યો હતો. અમેરિકાના કોરોનાના કહેરમાંથી અર્થતંત્રને બહાર લાવીને ફરી ધમધમતુ કરશે એવી આશાએ ક્રૂડ તેલના ભાવ સ્થિર રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer