મહારાષ્ટ્ર સરકાર રોકાણના એમઓયુ પહેલા દસ્તાવેજોની ચકાસણી કરશે

મુંબઈ, તા.28 જુલાઈ
મહારાષ્ટ્રમાં ''મેઇક ઇન ઇન્ડિયા'' અને મેગ્નેટિક મહારાષ્ટ્ર જેવા અભિયાનો હેઠળ થયેલા સમજૂતી કરારો  (એમઓયુ)નું વાસ્તવિક રોકાણમાં રૂપાંતર થઈ શક્યું નથી, એવો વસવસો રાજ્યના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈને છે.  
અન્ય રાજ્યોમાં બને છે તેમ મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં એમઓયુ થયા હતા પણ  તેનું રોકાણ આવી શક્યું નથી, એમ દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં પણ શિવસેનાના કવોટા માં ઉદ્યોગ પ્રધાન રહી ચૂકેલા સુભાષ દેસાઈએ અહીં કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે ''મેઇક  ઇન ઇન્ડિયા'' અને ''મેગ્નેટિક મહારાષ્ટ્ર'' એક પ્રકારના મેળાવડા હોય છે. એમોયુ સાઈન થાય તે પહેલા તેની ચકાસણી કરવાનો સમય નથી હોતો. અનેકને તેમાં રહેલા જોખમો જાણતા હોવા છતાં તે સમયે એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવે છે. 
આવા અનુભવો ઉપરથી પાઠ શીખીને હવે મહાવિકાસ આઘાડી સરકાર એમઓયુ ઉપર હસ્તાક્ષર કરતાં પહેલાં દરેક દરખાસ્તોની બારીકાઈથી ચકાસણી કરે છે, તેમાં રોકાણકાર કેટલા ગંભીર છે તેની ચકાસણી  પછી જ હસ્તાક્ષર કરવામાં આવે છે, એમ ઉદ્યોગ પ્રધાને જણાવ્યું હતું.  
ફોક્સકોનની જેમ અન્ય મહત્ત્વના રોકાણ રાજ્યની બહાર જતા રહે નહીં તેની કાળજી રાખવા કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને  કહ્યું છે. ફોક્સકોનનો પ્રોજેકટ તામિલનાડુમાં શિફ્ટ થઈ ગયો છે. તેમણે તાઈવાનની કંપની પેગાટ્રોનને મહારાષ્ટ્રમાં એકમ સ્થાપવા માટે ઓફર આપવાનું સૂચન કર્યું છે.  
તાજેતરની મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0માં કુલ નવ એમઓયુ સાઈન થયા હતા અને પ્રત્યેક નવ રોકાણકારો માટે રિલેશનશીપ મેનેજરની નિમણૂક કરવામાં આવી હતી, એમ દેસાઈએ કહ્યું હતું . અમુક રોકાણકારો જગ્યાની પસંદગી કરી રહ્યા છે તો અમૂકે જગ્યા પસંદ કરી છે જ્યારે બે કે ત્રણ રોકાણકારોને જગ્યા હસ્તગત કરવા માટે સમસ્યા નડી રહી હોવાથી અમે તેનો ટૂંક સમયમાં ઉકેલ લાવીશું, સમગ્ર પ્રક્રિયા ઉપર હું પોતે ધ્યાન આપી રહ્યો છું, એમ તેમણે જણાવ્યું હતું.  
એમોયુની પૂર્વ શરત એ છે કે રોકાણકારે પહેલા જમીન ખરીદવી પડે અને તે પછી જ દરખાસ્ત મંજૂરીની પ્રક્રિયા ઝડપી બને, એમ દેસાઈએ કહ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer