કાળા મરીના વેપારમાં ગેરરીતિઓ ઘટી પણ વધુ તકેદારી લેવી આવશ્યક

ખેડૂતોની મદદે આવવા કોન્સોર્શિયમ ઓફ બ્લેક પેપર ગ્રોઅર્સ ઓર્ગે.નો સરકારને અનુરોધ 
અમારા પ્રતિનિધિ તરફથી 
કોચી, તા. 28 જુલાઈ
કાળા મરીના લઘુતમ આયાત ભાવ (એમઆઈપી)નો દુરુપયોગ અટકાવવા માટે હજુ વધુ પગલાંની  જરૂર હોવાનું કોન્સોર્શિયમ ઓફ બ્લેક પેપર ગ્રોઅર્સ ઓર્ગેનાઈઝેશને સરકારને કહ્યું છે. 
મરી ઉગાડતા ખેડૂતોની મદદે આવવાનો અનુરોધ કરતા કોન્સોરશીયમના  કોઓર્ડિનેટર વિશ્વનાથ કે કેએ સરકારને કહ્યું કે  એમઆઈપી નોટિફિકેશનને પગલે કાળા મરીના વેપારમાં ચાલી રહેલી ગેરરીતિઓ મોટા પાયે અંકુશમાં આવી  હોવા છતાં કેટલાક આયાતકારો હજી પણ 100 ટકા નિકાસ આધારિત એકમ તેમજ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ (એસઇઝેડ)ને મળતા લાભનો દુરુપયોગ કરી રહ્યા છે. 
વિશ્વનાથે જણાવ્યું કે વિજિલન્સ ડિપાર્ટમેન્ટના પ્રયાસોથી રૂ.. 500ની એમઆઈપી કરતાં વધુ મૂલ્ય દર્શાવતા કાળા મરીની આયાતના બિલોમાં નોંધપાત્ર ઘટાડો થયો છતાં વિયેતનામથી થતી કાળા મરીની ચોખ્ખીઆયાતમાં વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો થયો છે. વિયેતનામથી આ આયાત `લાઈટ પેપર' નામે ભારતની સમુદ્ર સીમા સુધી પહોંચાડાય છે અને ત્યાંથી તે ભારતમાં પ્રવેશે છે. આ સાથે 100 ટકા નિકાસ-આધારિત અને એસઈઝેડ એકમો દ્વારા કાળા મરીની આયાતમાં ભારે વધારો થયો છે.  
સરકારે જેમાં 6 ટકાથી ઓછું વોલેટાઈલ ઓઈલ કે પેપરાઈન કન્ટેન્ટ હોય તેવાં કાળા મરીની આયાત પ્રતિબંધિત કરી છે. વિયેતનામનાં કાળા મરી આ બેન્ચમાર્કનું ઉલ્લંઘન કરે છે.  શ્રીલંકાના કાળા મરીમાં  6 ટકા કરતાં વધુ ઓઈલ કન્ટેન્ટ ધરાવતાં હોવાથી તેના ભાવમાં પ્રિમિયમ બોલાય છે.  
કોન્સોર્શિયમે કહ્યું કે 100 ટકા નિકાસ આધારિત એકમો અને એસઈઝેડ એકમોનું  મૂલ્યવર્ધિત ઉત્પાદનોની નિકાસ દ્વારા વિદેશી હૂંડિયામણ રળવામાં મહત્વનું યોગદાન આપી રહ્યાં હોવાથી તેમને એમઆઈપીમાંથી મુક્તિ મળી છે. તેથી ઘણા એકમો દ્વારા છ ટકાથી ઓછા ઓઈલ કન્ટેન્ટ ધરાવતાં મરીની મોટા પાયે આયાત થઈ રહી છે. 
વિશ્વનાથે જણાવ્યું  કે કાળા મરીમાંથી તેલ કાઢવા માટે જે કેમિકલ્સનો મોટા પાયે વપરાશ થાય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક છે.  તેથી મરીમાંથી તેલ  કાઢી લીધા પછી બાકી રહેતા મરીનાં કુશકાનો સંબંધિત અધિકારીઓની દેખરેખ હેઠળ નાશ કરવો જોઈએ. પરંતુ પ્રવર્તમાન નિયમોમાં આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કે નથી કુશકાના નિકાલ વિશેનો કોઈ નિર્દેશ. તેથી આ કુશકા ઘણેભાગે મરી પાવડર કે અન્ય સ્વરૂપે બજારમાં વેચાય છે. વ્યવસ્થામાં રહેલી આ ત્રુટિને કારણે એક તરફ મરી ઉગાડતા ખેડૂતોને ભાવનું નુકસાન થાય છે અને બીજી બાજુ આ કુશકામાંથી બનતા ઉત્પાદનોને કારણે તે વાપરનારી સામાન્ય જનતાના આરોગ્ય સબંધી  ચિંતા  છે.  
મરીના નમૂના લેવાની પદ્ધતિ બાબતે ફેરવિચાર કરવાની જરૂરિયાત હોવાનું કહેતા વિશ્વનાથે ઉમેર્યું કે અત્યાર સુધી કસ્ટમ્સ વિભાગ જે નમૂના લે તેનું સ્પાઈસીઝ બોર્ડ  પરીક્ષણ કરીને સર્ટિફિકેટ આપે છે. તેમણે સૂચવ્યું કે નમૂનાઓના પરીક્ષણમાં ડીઆરઆઈ અને એફએસએસએઆઈને પણ સાંકળવા જોઈએ.  
વિશ્વનાથને આશ્ચર્ય એ છે કે વિયેતનામના મરીમાં   પાઈપરાઈન કન્ટેન્ટ 4થી 4.5 ટકા કરતાં વધુ નહીં હોવા છતાં તે પરીક્ષણમાં કેવી રીતે સફળ થયા. વિયેતનામના કાળા મરી શ્રીલંકાના મરી કરતાં અહીં અડધા ભાવે વેચાય છે. તેથી આયાતકાર જેટલા નાણાં ખર્ચીને શ્રીલંકાના મરી ખરીદે, એટલાં જ નાણાંમાં તે વિયેતનામથી બમણો જથ્થો ખરીદી શકે છે. આયાત ડ્યૂટી મુક્ત એવાં તેલ કાઢી લીધું હોય તેવા મરી સ્થાનિક બજારમાં પ્રતિ કિલોગ્રામ રૂ.. 30- 40ના ભાવે વેચાઈ રહ્યાં છે, જે લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું કરવાની સાથે સાથે ભારતમાં મરીના ખેડૂતોનાં હિત ઉપર તરાપ છે. આ ગેરરીતિ અટકાવવાની કામગીરી ડીઆરઆઈને સોંપવાની જરૂર છે. વેપારમાં આ ગેરરીતિને પગલે કાર્સિયોજેનિક મટિરિયલ વાપરેલા 10,000 ટન મરી દેશમાં ઠલવાઈ રહ્યા છે, જે બજારમાં વેચાણલાયક નહીં હોવા છતાં તે વેચાઈ રહ્યાં છે અને લોકોના સ્વાસ્થ્ય અને ઘરઆંગણાના ભાવને મોટું નુકસાન કરીરહ્યા છે. 
કોન્સોર્શિયમ સરકારના સંબંધિત વિભાગોમાં રજૂઆત કરી હોવાનું જણાવતા વિશ્વનાથે ઉમેર્યું કે કસ્ટમ્સ વિભાગે નમૂના લઈને તેનો સ્ત્રોત ગુપ્ત રાખી તે નમૂનાને મૂલ્યાંકન માટે બારોબાર સ્પાઈસીઝ બોર્ડને મોકલી દેવા જોઈએ. ઉપરાંત ડીઆરઆઈને કામગીરી સોંપવા માટે નિયમોમાં આવશ્યક ફેરફાર કરવા જોઈએ, જેનાથી કરચોરી મોટા પાયે અટકાવી શકાશે તેમજ મરીના કુશકા કાર્સિયોજેનિક હોવાથી તેના પરીક્ષણમાં એફએસએસએઆઈને સાંકળવું જોઈએ. 
વિશ્વનાથે કહ્યું કે આટલાં પગલાં તાત્કાલિક નહીં લેવાય તો કાળા મરીના ઘરઆંગણાના ઉત્પાદકો તેમજ કાળા મરીનો વેપાર કાળાં બજારિયાના હાથમાં જતો રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer