સ્પાનિંગ મિલો ઉપર સંકટ વૈશ્વિક માગ ઘટી જતાં ઉત્પાદન 40 ટકા ઓછું

આઠથી દસ યાર્ન મિલો ગંભીર આર્થિક કટોકટીમાં હોવાની ચર્ચા
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 28 જુલાઈ 
કોરોના સંકટથી ગુજરાતનો સ્પાનિંગ મિલ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો છે. વૈશ્વિક બજારમાં માગના અભાવને લીધે ઉત્પાદન પ્રભાવિત થયું છે. પરિણામે ગુજરાતમાં આવેલી 110 જેટલી સ્પિનીંગ મિલોમાં 40 ટકા જેટલો ઉત્પાદનકાપ મૂકવામાં આવ્યો છે.  
ગુજરાત સ્પિનીંગ મિલ એસોસીએશનના ચેરમેન ભરતભાઈ બોઘરા જણાવે છે કે `કોરોનાના કારણે વિદેશી માંગ ઘટી છે અને કારીગરો જે અન્ય રાજ્યમાંથી આવતા હતા તેની સંખ્યા પણ ઓછી થઇ ગઈ છે.તેના પરિણામે 110 સ્પાનિંગ મિલ છે તે સરેરાશ 60% કરતા પણ ઓછું ઉત્પાદન કરે છે, આ પૈકીની 8-10 જેટલી મિલો ગંભીર કટોકટીમાં હોવાનું પણ સામે આવ્યું છે.'  
ગુજરાત સરકારે સ્પાનિંગ ક્ષેત્રે સારું પ્રોત્સાહન આપતા છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સ્પાનિંગ મિલોની સંખ્વયા વધતા હવે આંકડો 110 સુધી પહોંચી ગયો છે અને એક મિલ પાછળ સરેરાશ રૂા. 75 કરોડ થી વધુની સરેરાશ રોકાણ કરવામાં આવ્યું છે.  
ગુજરાતમાં સ્પિન્ડલ ક્ષમતા 40 લાખ જેટલી છે અને લોકડાઉન પહેલા આ મિલોની કુલ ઉત્પાદન ક્ષમતા દર મહિને 5000 કરોડ જેટલી હતી. હાલ 35000 સ્પિન્ડલ ક્ષમતાવાળી મિલોને થોડી મુશ્કેલી થઇ રહી છે કારણ કે લોકડાઉનમાં ઝીરો ઉત્પાદન હતું અને બાદમાં ઓર્ડરના અભાવના કારણે હાલ મોટા રોકાણ સાથે શરુ કરેલી મિલ વ્યાજ ભારણ પણ અનુભવે છે. હવે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. 
મિલોને મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી ઓડૅર મળે છે. થોડું ઘણું ગુજરાતમાંથી પણ કામ ચાલે છે, પરંતુ હવે મુશ્કેલી એટલા માટે છે કારણ કે વિદેશી ઓર્ડર નથી અને તેના કારણે ક્ષમતા કરતા ઘણું ઓછું ઉત્પાદન થાય છે. 
લોકડાઉન અગાઉ પણ જે ઉત્પાદન હતું તેનો ઘણો સ્ટોક પડતર રહી ગયો છે. જૂનો માલ વેચાયો નથી અને નવું બનાવવામાં આવે તો ભારણ વધે તેમ છે. વિદેશી માંગ ક્યારે ખુલશે તે નક્કી નથી અને સ્થાનિક માંગ પણ એટલી ઓછી છે કે જે વધુ લોન લઈને મિલ શરુ કરી ચુક્યા છે કોઈને ભાગીદારીમાં આપી દેવી પડે અથવા તો અમુક હિસ્સો વેચવો પડે તેમ પણ સૂત્રો કહી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer