હીરાની ઘંટી ઉપર બે કારીગરોને બેસવા દેવાની માગ

એક ઘંટી ઉપર એક કારીગરથી ઘાટ આપવામાં અડચણ, ઉત્પાદનને અસર
અમારા પ્રતિનિધિ તરફથી, 
સુરત તા. 28 જુલાઇ
સુરતમાં હીરા ઉદ્યોગ ઉપર કોરોનાનો કહેર વરતાયો છે. હીરાઉદ્યોગમાં કામકાજ ઠપ્પ જેવું થયું છે. સુરત ડાયમંડ એસોસીએશને નગર નિગમમાં અપીલ કરી છે કે હીરા ઉદ્યોગના સમયમાં વધારો કરી આપવામાં આવે અને પ્રત્યેક હેમરી વ્હીલ (હીરાના ગ્રાઈન્ડિગ અને પોલાશિંગ માટેના ઉપયોગમાં લેવાતું યંત્ર) ઉપર બે લોકોને બેસવાની મંજૂરી આપવામાં આવે. હીરાના કારખાનામાં સોશ્યલ ડિસ્ટન્સિગનું કડક પાલન કરવામાં આવતું હોવાથી ફરજિયાત 
હીરાની એક ઘંટી પર એક જ વ્યક્તિને બેસાડવામાં આવે છે. જેનાં કારણે ઉત્પાદનને મોટી અસર પહોંચી છે.  
કામકાજ ઘટતા મોટી સંખ્યામાં હીરાના કારીગરો બેકાર બન્યા છે. અનલોક 1.0માં કારીગરોને ફરી કામ મળશે તે આશાએ સૌરાષ્ટ્રથી રત્નકલાકારો સુરત આવ્યા હતા. 5રંતુ અનલોક 2.0ના શરૂઆતના દિવસોમાં જ સુરતમાં કોરોના સંક્રમણ ચરમસીમા પર પહોંચતા હીરાબજાર અને હીરાના કારખાનાઓમાં કામકાજ બંધ થયું છે. કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મોટાભાગનાં કારખાનાઓ અને હીરાબજાર આવતા હોવાથી કામકાજ ઘટીને તળિયે પહોંચ્યું છે. જે કારખાનાઓમાં કામકાજ ચાલુ છે તેઓને ફરજીયાત ગાઇડલાઇનનું પાલન કરવાનું છે. ગાઇડલાઇન મુજબ એક ઘંટી પર એક જ વ્યક્તિને બેસાડવાનો નિયમ કરાયો છે. આ નિયમ મુજબ કારીગરોને રોજગારી પણ મળતી નથી અને કામકાજ પણ લઇ શકાતું નથી.  
ઘણાં એવા યુનિટો છે તેમણે પૂંઠાની આડસ ગોઠવીને સોશ્યલ ડિસ્ટન્સિગ સાથે ઘંટી પર બે કારીગરોને બેસાડવાનું નક્કી કર્યું હતું. પરંતુ, નવી ગાઇડલાઇન મુજબ એક ઘંટી 5ર એક જ કારીગરને બેસાડવાનો આદેશ હોવાથી આ તરકીબ પણ 
ચાલી નથી.  
પૂંઠાની આડસ બનાવીને ઉત્પાદન લેવાનો વિચાર કરનાર વિરાણી જેમ્સના ભૂપત વિરાણી કહે છે કે, આજથી દસેક દિવસ અગાઉ અમે આ પ્રકારનો વિચાર અમલમાં મૂકવાનો પ્લાન કર્યું હતું. પરંતુ, તંત્રની ગાઇડલાઇન મુજબ એક જ કારીગરને બેસાડી શકાતો હોવાથી અમે આ પ્લાન પડતો મૂક્યો છે. હાલમાં જે પ્રકારના સંજોગો થયા છે તે જોતા ઘંટી 5ર એક કારીગર સાથે હીરાને ઘાટ આપવો શક્ય નથી. ઘંટી 5ર અલગ-અલગ કામ માટેના કારીગરો બેસતા હોય છે. આ પ્રકારને ઉત્પાદન લઇ શકાય તેમ નથી. કોરાના કાળમાં પોલીશ્ડનું ઉત્પાદન ઘટીને 10 થી 12 ટકાની આસપાસ પહોંચ્યું છે. થોડા-ઘણાં લોકોને રોજગારી મળી રહે તે ઉદેશથી કામકાજ ચાલુ રાખ્યું છે અન્યથા આ સંજોગોમાં મસમોટા મેઇન્ટનેશ સાથે ફેક્ટરીને ચાલુ રાખવી ખૂબ કપરી છે.  
સુરત ડાયંમડ એસોસીએશનના પૂર્વ પ્રમુખ બાબુભાઇ ગુજરાતી કહે છે કે, પ્રવર્તમાન સમયમાં કારીગરોના જીવના જોખમે કોઇ કારખાનેદાર કામકાજ શરૂ કરવા કોઇ તૈયાર નથી. જેથી સ્વાભાવિક છે ઉત્પાદન ઘટે. કોરોનાની ચેઇન તોડવા નિયમોનું પાલન આવશ્યક છે. હીરાઉદ્યોગ માટે કપરો સમય છે પણ તે વિતી જશે તેવી આશા છે. 
અત્રે ઉલ્લેખનિય છે કે, સુરતમાં પ્રત્યક્ષ રીતે સાત લાખથી વધુ લોકોને રોજગારી આપતા હીરાઉદ્યોગમાં કોરોનાને લીધે કામકાજ ઠપ્પ થતાં મોટી સંખ્યામાં કારીગરો પરિવાર સાથે વતન ઉપડી ગયા છે. ઘણા કારીગરો પાસે વતનમાં પણ કામ ન હોવાથી ફરી સુરત આવવા મથે છે પરંતુ આહિં પણ કામ ન હોવાથી તેઓને પરત બોલાવવા કારખાનેદારો રાજી નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer