મુંબઈમાં કાપડની દુકાનો સોમથી શનિવાર, રાતે આઠ સુધી ખોલવા દેવાની માંગણી

ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ક્લોથ રીટેલર્સ એસો.શરદ પવારને આંગણે  
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા.28 જુલાઈ
ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ક્લોથ રીટેલર્સ એસોસિયેશન્સના પ્રમુખ દિગ્વિજય કાપડિયા તાજેતરમાં એનસીપીના નેતા શરદ પવારને મળી કાપડના રીટેલ વેપારીઓ માટે તાત્કાલિક રાહત પેકેજની માંગણી કરી હતી. 
 કોરોના કાળમાં વેપારીઓને પડેલી મુશ્કેલી વ્યક્ત કરતા કાપડિયાએ  પવારને કહ્યું કે, બજારમાં છેલ્લા એક વર્ષથી મંદી ચાલતી હતી, પણ ચાર મહિનાથી ચાલતા  કોરોનાના કહેરએ તે ઘણી વધારી છે. મહારાષ્ટ્રમાં ખાસકરીને મુંબઈમાં  લાખો રિટેલ દુકાનો છે જેમાંથી કાપડ અને રેડીમેડની દુકાનો હજારો છે અને ત્યાં લાખો લોકો કામ કરે છે. કરોડો લોકોનું જીવન કાપડનાં ધંધા પર નિર્ભર છે. આ વેપારીઓ સરકારને નોંધપાત્ર કરવેરા ચુકવે છે તેથી સરકારે આ કપરા સમયમાં વેપારીઓને ટેકો આપવો જોઈએ. 
કાપડિયાએ એસોસિયેશન્સની માગણી રજૂ કરતા કહ્યું  કે  દુકાનો સવારે 10થી રાતે 8 સુધી ખોલવાની મંજૂરી સરકારે આપવી જોઈએ. ભાડાની દુકાનોનું લોકડાઉન સમયનું  ભાડુ માફ કરાવવું અને આગામી 6 મહિના ભાડાંમાં રાહત મળવી જોઇએ. ત પછી પણ વેપારીઓ સરળ હપ્તામાં ભાડુ ભરી શકે તે માટે સરકારે મદદ કરવી જોઇએ. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માં 6 મહીનાની રાહત મળવી જોઈએ. નાણાકીય વર્ષ ર0ર0-21નો પ્રોફેશનલ ટેક્સ માફ કરવો જોઈએ. નાના વેપારીઓને પણ ઓછા વ્યાજે લોન મળે એ માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને રજુઆત કરવી જોઈએ. 
કાપડીયાએ ઉમેર્યું કે, અમે સ્ટાફનાં કોઈ કર્મચારીને કાઢવા માંગતા નથી, અત્યારે 70 ટકા પગાર આપીને સમય સાચવી લેવા માંગીએ છીએ. નાણાકીય વર્ષ ર020-21માં દરેક પ્રકારના ઈએમઆઈ , આવકવેરો , ટીડીએસ, જીએસટીની જે પણ ચૂકવણી કરવાની હોય તે બધા આવતા વર્ષે ચારસરળ હપ્તેથી ભરી શકાય એવી સવલતની માગણી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer