મસ્કતી કાપડ મહાજન દ્વારા 24 ઓગસ્ટથી વર્ચ્યુઅલ એક્ઝિબિશન

મસ્કતી કાપડ મહાજન દ્વારા 24 ઓગસ્ટથી વર્ચ્યુઅલ એક્ઝિબિશન
ભારતમાં સૌપ્રથમ વખત ટેક્સટાઇલ ક્ષેત્રે આ પ્રકારનું પ્રદર્શન યોજાશે 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 28 જુલાઈ
મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા દર વર્ષે ફેબ્રિકના બે મોટાં પ્રદર્શનો યોજવામાં આવે છે. જોકે કોરોના મહામારીને લીધે તે શક્ય નથી પણ આપત્તિને અવસરમાં બદલવા મહાજનની ફેબેક્સા સમિતિ દ્નારા ઓનલાઇન વર્ચ્યુઅલ એક્ઝીબિશન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ એક્ઝીબીશન 24 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ રીતે દેશભરમાં પ્રથમ વખત ઓનલાઇન એક્ઝિબિશન યોજવામાં આવશે. 
મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે આ એક્ઝીબીશનમાં ભારતના તમામ નિકાસકાર, વેપારી, ગારમેન્ટર અને નાના મોટા સેમી હોલસેલર્સ બધા જ અમારી સાથે જોડાશે. દિલ્હી, કોલકાતા, ચેન્નઇ અને મુંબઇના જૂના મહાજનો પણ અમારી સાથે રહેશે.  એક્ઝીબીશનનો આશય વેપારીઓના વેપાર વધે તેવો છે. આ વર્ચ્યુઅલ એક્ઝીબિશન 20 વર્ષ જૂની કંપની અને બીટુબી એક્ઝીબિશન માટે વિખ્યાત એવા ફાયબર ટુ ફેશનનના પોર્ટલના માધ્યમથી ઓનલાઇન તરતુ મુકાશે. કોઇપણ વેપારી કોઇપણ સ્ટોલમાં જઇ શકશે તેમજ કોઇ અન્ય કોઇની ડિઝાઇનની નકલ ન કરે તે માટે ઓટીપી અપાશે. દરેકને આ મેળામાં પાંચ લાખથી વધુ ડિઝાઇનો, જુદી જુદી વેરાયટી જોવા મળશે. જેમાં શુટીંગ અને શર્ટિંગ, તેમજ વિવિધ ડ્રેસ મટીરિયલ્સ, કૂર્તી પંજાબી ડ્રેસ એક જ પ્લેટફોર્મ પર જોવા મળશે. 
શરૂમાં અમે 100 જેટલા એક્ઝીબિટર્સ રાખવાનું વિચારીએ છીએ. વેપારીઓને સમજ પડે તે માટે ઝૂમ કોન્ફરન્સ રાખીશું. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉનમાં મહિલાઓની પ્રોડક્ટ, કૂર્તી, પંજાબી, નાઇટી, તેમજ પુરુષોમાં બોક્સરની માગ સારી રહી છે. કોટન તેમજ હોઝીયરી પણ મોટા પ્રમાણમાં વેચાયા છે. શુટીંગ, શર્ટીંગ અને ડેનિમનું હજુ સુધી વેચાણ થયું નથી, કેમ કે ગારમેન્ટર ધીમે ધીમે પાછા ફરી રહ્યા છે તેનું વેચાણ વેગ પકડશે તેમ જણાય છે. આ વર્ચ્યુલ એક્ઝિબીશનથી વિશ્વમાંથી અમને સારો બિઝનેસ મળવાની આશા છે.   
મસ્કતી કાપડ માર્કેટમાં ફેર કમિટીના કન્વીનર બાબુભાઇ સોનીગ્રાએ જણાવ્યું હતું કે આ વર્ચ્યુઅલ એક્ઝીબિશનમાં ખરીદદાર દેશમાં હોય કે વિદેશમાં હોય તેઓને સેમ્પલ લેવા પડશે. ત્યાર બાદ તેમને એક ઓટીપી અપાશે ત્યાર બાદ જ વધુ વિગતો જોઇ શકશે. વેપારીઓ પોતાની પ્રોડક્ટ મૂકી શકશે. દરેક એક્ઝીબિટર્સ પાસેથી રૂ. 5,000ના તેમજ ફેબેક્સા 1 અને 2 સિવાયના પાસેથી રૂ. 25,000 ટોકન મની માર્કાટિંગ માટે લેવામાં આવશે જે 90 દિવસ માટે રહેશે. દરેક એક્ઝિબિટર ડિજીટલ માધ્યમોનો ઉપયોગ કરીને વાતચીત કરી શકશે. આ એક્ઝીબીશનમાં અમારુ ફોકસ ગ્રામિણ વિસ્તારો પર વધુ રહેશે. વધુમાં માર્કેટની લવાદ સમિતિ ક્યા વેપારી સાથે કારોબાર કરવો તેની માહિતી આપશે. લોકો વોટ્સએપ અને ફેસબુકથી ટેવાયેલા છે તેમજ આગામી તહેવારની સિઝનને કારણે ત્યારે આ વર્ચ્યુઅલ એક્ઝીબીશનને ભારે સફળતા મળવાની શક્યતા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer