સોની બજારોમાં વરવી સ્થિતિ

સોની બજારોમાં વરવી સ્થિતિ
દસ ગ્રામનો ભાવ $ 54 હજાર થઇ જતાં ઝવેરાતની માગ શૂન્ય
નિલય ઉપાધ્યાય
રાજકોટ, તા. 28 જુલાઈ 
સોનાનો ભાવ ગયા મહિને 10 ગ્રામ દીઠ રૂા. પચાસ હજાર થયો ત્યારે લોકોમાં દેકારો બોલાઈ ગયો હતો. જોકે જોતજોતામાં ભાવ 54 હજારની સપાટી વટાવી ગયો છે એટલે હવે રહીસહી માગ પણ સાવ ઠપ થઇ ગઇ છે. પહેલી જુલાઇએ સોનું રૂા. 49500 હતું અને એકાએક ભાવ નવી ઉચ્ચતમ સપાટીએ પહોંચી જતા લોકો ઝવેરી બજારનો રસ્તો હવે જોઇ શકે તેવી સ્થિતિ રહી નથી.રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતની સોની બજારોમાં આવી જ સ્થિતિ રચાઇ ગઇ છે.  
પેલેસ રોડ ઉપરના નામી ઝવેરી કહે છે, લોકો પચ્ચાસ હજારમાં પણ ફક્ત ભાવ પૂછતા હતા. હવે તો તેજીનો અતિરેક થઇ ગયો હોવાથી ભાવ પૂછવા માટે પણ ફોન આવવાનું બંધ થઇ ગયું છે. ટૂંકાગાળામાં લગ્નો પણ નથી એટલે સોનાની માગ હવે નહિ જેવી જ રહેશે. સોનામાં પંચાવન, સાઇઠ અને પાંસઠ હજાર સુધીની તેજી થશે તેવી વાતો ચાલી રહી છે છતાં પણ હવે કોરોના પછી લોકોની આવકને લાગેલી ઠેસને લીધે કોઇ ખરીદનાર મળતું નથી. તેજીની આગાહીઓને લીધે તત્કાળ વેંચવા માટે ખાસ કોઇ આવ્યું નથી એ પણ આશ્ચર્ય છે. 
સામાન્ય રીતે સોનું મોંઘું થાય ત્યારે જૂનું સોનું કાઢીને રોકડી કરી લેવાવાળો વર્ગ બજારમાં સહેલાઇથી આવવા લાગે છે પણ તેજી પછી બે દિવસથી બહુ જ ઓછાં લોકો વેંચવા માટે આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતુ.  
સોનાના ઝવેરાત વેચતા શો રુમોમાં માહોલ અતિશય ઠંડો છે તેમ ડો. યાજ્ઞિક રોડના એક શોરુમધારક કહે છે. તેમણે કહ્યું કે સોનું ઉંચા ભાવમાં પણ કોઇને વેંચવામાં રસ નથી કારણકે લોકો તેને રિઝર્વ ફંડ તરીકે જોઇ રહ્યા છે. તેજી ક્યાં અટકશે તેનો કોઇ અંદાજ નથી એટલે ઇન્વેસ્ટર વર્ગ પણ સોનું વેંચવા હજુ ખચકાય છે અલબત્ત ખરીદનારો વર્ગ તો બજારમાંથી ગાયબ જ છે. આગળ તેજી દેખાતી હોવા છતાં અતિશય ઉંચા ભાવમાં રોકાણ કરવા તૈયાર નથી. 
જોકે એક વાસ્તવિકતા એ પણ છેકે ઝવેરી બજારમાં 10 ગ્રામ શુધ્ધ સોનાનો હાજર ભાવ ભલે રૂા. 54000 કરતા વધારે ચાલી રહ્યો હોય. પરંતુ જૂના દાગીના કે બિસ્કીટ પરત આપવાનો ભાવ ક્રમશ? રૂા. 49000 અને રૂા. 50000 જેટલો જ બોલાય છે એટલે વેચનારા આગળ આવતા નથી. ભારેખમ તેજીને કારણે હવે સોનું જોખમી બની ગયું છે પરિણામે ઝવેરીઓએ ખરીદવા અને વેંચવાના ભાવમાં પ્રિમિયમ ખૂબ વધારી નાંખ્યા છે. 
અસંખ્ય લોકોના પગારમાં ભારે કાપ આવ્યો છે એટલે બચત ખર્ચાઇ ગઇ છે. કેટલાકને નોકરીઓ પણ ગઇ છે. આવી સ્થિતિમાં ખરીદીની યાદીમાં હવે સોનું છેલ્લાં ક્રમે આવશે. એ જોતા ચાલુ વર્ષમાં જન્માષ્ટમી, દિવાળી અને નાતાલની માગને જોરદાર ધક્કો પડશે તેમ ઝવેરીઓ કહે છે. 
રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસીએશનના ભાયાભાઇ સાહોલીયા જણાવે છેકે, બજાર લોકડાઉન પછી ખૂલી ત્યારે પણ સોનાના ભાવ પચ્ચાસ હજાર નજીક હતા એટલે ધંધો સાવ ઘસાઇ ગયો હતો. હવે ભાવ પચે તેવો નથી. લોકો સોની બજાર તરફ આવતા જ નથી એટલે ઉદાસિનતા છે. ઝવેરીઓનું મોરલ તૂટી ગયું છે. ઘણાએ તો સ્ટાફ પણ હળવો કરી નાંખ્યો છે.  
એક ઝવેરી કહે છે, લોકડાઉન પછી અત્યાર સુધી શોરુમો સવારે ખોલીને પૂજા કરવી અને દાગીના શો કેસમાં ગોઠવીને આખો દિવસ પસાર કરવો પડ્યો છે. સાંજે ફરી દાગીના પેક કરીને લોકરમાં મૂકવા સિવાય ખાસ કોઇ કામ હતુ નહી. એ કારણે છેલ્લે છેલ્લે તો ઘણા શોરુમવાળાએ શો કેસમાં ઝવેરાત ગોઠવવાનું પણ બંધ કરી દીધું છે. 
ઘણા ઝવેરીઓ ધંધાના અભાવે સ્ટાફ પર કાતર ચલાવી રહ્યા છે તો જ્યાં કામ પર રખાયા છે ત્યાં પગાર કાપનું શસ્ત્ર ઉગામ્યું છે. અમુક ઝવેરીઓ સ્ટાફને એકાંતરા બોલાવીને ખર્ચ ઘટાડી રહ્યા છે. સોનાનો વધતો જતો ભાવ અને ગ્રાહકી પર પડી રહેલી માઠી અસર આવનારા ભવિષ્યનું બહુ વરવું ચિત્ર ખડું કરી રહ્યા છે.
રાજકોટની સોની બજાર 1 ઓગસ્ટ સુધી બંધ 
રાજકોટ શહેરમાં કૂદકેને ભૂસકે વધી રહેલા કોરોનાના કેસને પગલે વેપારીઓ ધીરે ધીરે સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ આવી રહ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સોની બજારના વેપારીઓએ ગઇકાલથી એક સપ્તાહ સુધી બજાર સંપુર્ણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 
ગોલ્ડ ડિલર્સ એસોસીએશનની બેઠક શનિવારે મળી હતી. એમાં સોમવારથી બંધ પાળવાનો નિર્ણય લેવાયો હતો. પ્રમુખ ભાયાભાઇ સહોલીયા કહે છે, 27 જુલાઇથી 1 ઓગસ્ટ સુધી બજાર બંધ રાખવામાં આવશે. જૂની સોની બજાર અને પેલેસ રોડના વેપારીઓ શોરુમ તથા દુકાનો બંધ રાખશે. સોનાના ભાવમાં ફાટફાટ તેજીને લીધે માગ પ્રભાવિત થઇ છે ત્યારે ગ્રાહકો ફરકતા નથી. એવામાં સ્વૈચ્છિક લોકડાઉન પાળીને કોરોનાથી બચવાનો સરળ રસ્તો વેપારીઓએ શોધી લીધો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer