નિકલમાં $ 12000 નીચે વેચાણ ખોટનો સોદો બનશે

નિકલમાં $ 12000 નીચે વેચાણ ખોટનો સોદો બનશે
નવા સંજોગોમાં $ 11,800-11,200 મજબૂત ટેકાનો પટ્ટો 
અમારા પ્રતિનિધિ દ્વારા 
મુંબઈ, તા. 28 જૂલાઇ 
નિકલનો વૈશ્વિક ભાવ અગાઉની તમામ ધારણાઓને વટાવી ગયો છે. લંડન મેટલ એકસ્ચેંજ ખાતે નિકલ વાયદો ટન દીઠ 13,521 ડોલરને અડીને 19 જુલાઇએ 13,250 ડોલર આસપાસ ક્વોટ થયો હતો. નિકલનો ભાવ ઘટવાની સ્થાનિક આયાતકારો અને વેપારીઓની ધારણાથી વિપરીત ચાલ બજારમાં જોવાઈ છે. અમેરિકામાં તાજેતરના સર્વેક્ષણમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં થઇ રહેલા સતત ઘટાડાના સ્પષ્ટ સંકેત અને કોરોનાના વ્યાપને રોકવામાં નિષ્ફળતાને લીધે ડોલરના મૂલ્યમાં ઘટાડાની આશંકા છે. તેથી હેજંફડો અને એચએનઆઈ સમેત મોટા રોકાણકારો હવે પુન: સોના અને અન્ય ધાતુઓમાં વધુ સુરક્ષાત્મક રોકાણ તરફ  વળ્યા હોઇ તાંબા સાથે નિકલના ભાવને ટેકો મળી રહ્યો છે. એલએમઇ ખાતે નિકલ વાયદો 13,200 ડોલરની સપાટી ઉપર બંધ આવતા હવે 11,800થી 11,200 ડોલરનો નવો સપોર્ટ ઝોન તૈયાર થયો હોવાના સંકેત મળે છે. તેથી એલએમઇ ખાતે  વેરહાઉસીંગ સ્ટોક 234,000 ટન અને કેન્સલ્ડ વોરન્ટ 57000 થયા હોવા છતાં ભાવ મજબૂત થયો છે. 
જો કે ટેકનિકલ કારણ ઉપરાંત રશિયન કંપની નોરિલ્સ્ક નિકલની આર્ક્ટિક સર્કલ ખાતેની ખાણમાં ઇંધણનું ગળતર અને ઉત્તર અમેરિકા ખાતેના પ્લાન્ટમાં કોરોનાના વ્યાપક સંક્રમણથી ઉત્પાદનમાં અવરોધના સંજોગોને લીધે નિકલનો પુરવઠો ઘટવાના ભયથી પણ હાજર અને વાયદા વધુ મજબૂત થયા હોવાનું વિદેશી વિશ્લેષકો માને છે. 
તે ઉપરાંત ચીનમાં પુન: કોરોનાના કેસ વધવા સાથે બહુરાષ્ટ્રીય ખાણકામ કંપની વાલેએ નિકલનું ઉત્પાદન ઘટાડવાનું નક્કી કરતાં નિકલના ભાવ ટૂંકાગાળામાં 11,000 ડોલરની નીચે ઉતરવાની શકયતા હવે નહિવત છે એમ જાણકારો માને છે. જો કે હવે કોઈ પણ બજારનું વલણ અને ભાવની સપાટી કોરોનાની વધતી કે  ઘટતી વ્યાપકતાથી જ નક્કી થાય છે એવું સ્થાનિક ધાતુ બજારનો એક વર્ગ સ્પષ્ટ માનતો થયો છે એ નોંધપાત્ર છે. 
ટેકનિકલી નિકલમાં હવે 12,800 ડોલરની સપાટી તૂટે તો 11,200ની ટેકાની સપાટી અત્યંત મહત્વપૂર્ણ છે. ડોલર વધુ નબળો પડે તો ઓછો પુરવઠો અને મર્યાદિત સ્ટોક ધરાવતી નિકલ જેવી ધાતુમાં હેજંફડો અને વૈશ્વિક સટ્ટાખોરો ભાવને 16,000 ડોલરની ઉપર લઇ જાય તો આશ્ચર્ય થવું જોઇએ નહી. આ સંજોગોમાં વાયદામાં રમનાર માટે 12,000 ડોલરની નીચે માથે વેચાણ કરવું એ ખોટનો સોદો બનશે એમ જાણકારો માને છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer