રૂનો પાક 335.50 લાખ ગાંસડી થવાનો અંદાજ : અતુલ ગણાત્રા

રૂનો પાક 335.50 લાખ ગાંસડી થવાનો અંદાજ : અતુલ ગણાત્રા

 લૉકડાઉનના બંધ દરમિયાન સરકારી એજન્સીઓએ ખરીદી ચાલુ રાખતા આવકો જળવાઈ રહી હતી
સપ્ટેમ્બર '20ને અંતે કલોઝિંગ સ્ટોક 55.50 લાખ ગાંસડી રહેશે : મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ચાર લાખ ગાંસડીનું વધુ ઉત્પાદન અપેક્ષિત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 જુલાઈ
કોવિડ-19 પ્રેરિત લૉકડાઉન - સંપૂર્ણ બંધના સમયગાળા દરમિયાન પણ દેશના ખેડૂતોના હિતમાં સરકારી એજન્સીઓએ લઘુતમ ટેકાના ભાવે કપાસની ખરીદી કરી હોવાથી ધીમી ગતિએ પણ તેની આવકો જળવાઈ રહી હતી. પરિણામે કોટન ઍસો. અૉફ ઇન્ડિયા (સીએઆઈ)એ સિઝન વર્ષ 2019-'20ના જૂન, '20 અંત સુધીના દેખાવને આધારે દેશમાં રૂનું ઉત્પાદન 5.50 લાખ ગાંસડી વધીને 335.50 લાખ ગાંસડી (મે '20નો અંદાજ 330 લાખ ગાંસડી) રહેવાનો સુધારિત અંદાજ વ્યક્ત કર્યો છે. જે ગયા વર્ષના 312 લાખ ગાંસડીના ઉત્પાદન કરતા 23.50 લાખ ગાંસડી વધુ હશે.
સીએઆઈના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે 20 જેટલા સભ્યોના પ્રતિસાદ અને અભિપ્રાયને આધીન ક્રોપ કમિટીએ તૈયાર કરેલા 19-20 સિઝનના આવક-જાવકના સરવૈયામાં લૉકડાઉનને કારણે સ્પિનિંગ મિલોમાં કામકાજ ઠપ્પ રહેતા અને કામગીરી હજી પણ ધીમી ગતિએ હોવાથી સ્થાનિક વપરાશનો આંક 331થી ઘટાડીને 280 લાખ ગાંસડી કર્યો હતો તે જૂન '20ને અંતે યથાવત્ જાળવી રાખ્યો છે.
સાડા પાંચ લાખ ગાંસડી રૂના ઉત્પાદનમાં વધારામાં નોર્થમાં હરિયાણા, રાજસ્થાનમાં 1 લાખ ગાંસડી, મધ્ય ઝોનમાં મહારાષ્ટ્રમાં 3.50 લાખ અને મધ્યપ્રદેશમાં 0.50 લાખ એમ કુલ 4 લાખ ગાંસડી તેમ જ સાઉથમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક પ્રત્યેકમાં 25,000 પ્રમાણે 50,000 ગાંસડીની ઉત્પાદન વૃદ્ધિનો સમાવેશ થાય છે, એમ ગણાત્રાએ કહ્યું હતું.
સીએઆઈના અંદાજ મુજબ જૂન '20 અંત સુધીમાં અપેક્ષિત ઉત્પાદનની 97.50 ટકા આવકો એટલે કે 327 લાખ ગાંસડીની આવકો થઈ ગઈ છે. વિશ્વ બજારમાં ભારતીય રૂ સસ્તુ હોવાથી રૂની વિકાસ 47 લાખ ગાંસડી અને આયાત 15 લાખ ગાંસડી રહેવાની ધારણા છે. ગયા વર્ષે 2018-'19માં રૂની આયાત 32 લાખ અને નિકાસ 42 લાખ ગાંસડી રહી હતી.
જૂન '20 સુધીની 327 લાખ ગાંસડીની આવકોમાં નોર્થમાં 59 લાખ ગાંસડી, સેન્ટ્રલ ઝોનમાં ગુજરાતમાં 80, મહારાષ્ટ્રમાં 80, મધ્યપ્રદેશમાં 16 સહિત કુલ 176 લાખ ગાંસડી, સાઉથ ઝોનમાં તેલંગણામાં 51, આંધ્ર પ્રદેશમાં 14, કર્ણાટકમાં 18.50 અને તામિલનાડુમાં 3.50 સાથે કુલ 87 લાખ ગાંસડીની આવકો નોંધાઈ હતી. ઓરિસ્સા અને અન્ય રાજ્યોમાં કુલ 4.75 લાખ ગાંસડી આવી ગઈ.
સીએઆઈના અંદાજ મુજબ સપ્ટેમ્બર '20ને અંતે રૂનો સ્ટોક વધીને 55.50 લાખ ગાંસડી રહેશે. મે '20નો અંદાજ 50 લાખ ગાંસડીનો હતો. સીએઆઈના ક્રોપ કમિટીના 30 જેટલા સભ્યોની એક મિટિંગ અૉગસ્ટ ઉતરતા યોજીને 2019-'20ના વર્ષના રૂના આવક-જાવકના સરવૈયામાં સુધારા-વધારા સાથે આખરી સ્વરૂપ આપવામાં આવશે, એમ પ્રમુખ અતુલ ગણાત્રાએ કહ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer