આગામી સિઝન પણ ખાંડ ઉદ્યોગ માટે કપરી

આગામી સિઝન પણ ખાંડ ઉદ્યોગ માટે કપરી
સ્થાનિક સ્તરે ખાંડના ભાવ વધે છે, પણ માગ નથી 
કલ્પેશ શેઠ 
મુંબઇ, તા. 28 જુલાઈ 
સ્થાનિક સ્તરે દર વર્ષે સતત વધતા ઉત્પાદન અને વૈશ્વિક બજારમાં બ્રાઝિલ જેવા દેશોની વધતી હરિફાઇથી ભારતનો ખાંડ ઉદ્યોગ આગામી ક્રાશિંગ વર્ષ પણ કસોટીની એરણે ચડશે એવા એંધાણ મળી રહ્યા છે. જો કે ઇજીપ્તને હજુ પણ 20 ટકા ખાંડ આયાત કરવી પડશે. 
ભારતીય રાટિંગ એજન્સી ઈકરાએ હાલમાં જ રજૂ કરેલા એક સર્વેમાં જણાવ્યું છે કે સુગર વર્ષ 2021 માં ભારતનું ખાંડનું ઉત્પાદન ગત વર્ષની તુલનાએ 12 ટકા જેટલું વધીને 305 લાખ ટન થવાની સંભાવના છે. આમાં મોલાસિસ તથા ઇથેનોલમાં વાપરવા માટેના શેરડીના રસની પણ ગણતરી કરી લેવાઇ છે. સુગર વર્ષ-2020ના અંતે દેશમાં 110 થી 115 લાખ ટન જેટલો ખાંડનો સ્ટોક (એટલે કે પુરાંત) રહેવાનું અનુમાન છે. જ્યારે વપરાશ 3.8 ટકાના ઘટાડા સાથે 250 લાખ ટન સુધી સીમિત રહેશે. જ્યારે ભારતની ખાંડની નિકાસ 50થી 55 લાખ ટન આંકવામાં આવી છે.  પરિણામે વર્ષ 2021 માં ભારતમાં કુલ 420 લાખ ટન જેટલો ખાંડનો વિપુલ જથ્થો સપ્લાય માટે તૈયાર હશે. 
સુગર સરપ્લસના આ સમયગાળામાં ભારતીય ઇન્ડસ્ટ્રીને નફાનું ધોરણ ઘટાડીને પણ બજારમાં ટકી રહેવું હોય તો નિકાસના વેપાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જ પડશે. પરંતુ વૈશ્વિક બજારમાં બ્રાઝિલ ભારતનું કટ્ટર હરિફ કહી શકાય. જ્યાં જુન-20 ઉપરાંત જુલાઇ-20 ના પ્રથમ પખવાડિયામાં ખાંડના ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે.  જુલાઇ-20 ના પ્રથમ પખવાડિયામાં જ બ્રાઝિલની શુગર મિલોએ 30 લાખ ટન ઉત્પાદન કર્યુ છે. જે ગત વર્ષના આ સમયગાળાના ઉત્પાદન કરતાં 55 ટકા જેટલું વધારે છે.  સામાપક્ષે ઇથેનોલનું ઉત્પાદન 2.3 ટકાના ઘટાડા સાથે 2.12 અબજ લિટર નોંધાયું છે. આ માટે કોવિડ-19ના રોગને જવાબદાર માનવામાં આાવે છે કારણકે લોકડાઉનના કારણે વાહનોમાં બળતણની જરુરિયાત ઘટતા ઇથેનોલના વેચાણમાં 14 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. યાદ રહે કે કોવિડ-19 ના કેસો બાબતે અમેરિકા બાદ બ્રાઝિલ બીજા નંબરે આવે છે. બ્રાઝિલમાં વાહનનોના ઘટતા વપરાશના કારણે મિલોએ ઇથેનોલ છોડીને ખાંડ બનાવવાની રણનીતિ ઘડી છે.   
બીજીતરફ ઇજિપ્તમાં સરકાર ખાંડના ઉત્પાદન માટે 25થી 26 લાખ ટન ખાંડના ઉત્પાદનનું લક્ષ્ય ધરાવે છે. જો આટલું ઉત્પાદન થઇ શકતું હોય તો પણ ઇજિપ્તને તેના સ્થાનિક ઉત્પાદન ઉપરાંત વધારે 20 ટકા જેટલી ખાંડ આયાત કરવી પડશે. ઇજિપ્તની આ જરૂરિયાતમાં ભારતની નિકાસનો કેટલો ફાળો હોઇ શકે તે જોવાનું રહેશે. ઇજિપ્તમાં જુલાઇ મહિનાથી જ ખાંડની સિઝન શરૂ થતી હોય છે. જોકે ઇજિપ્તની સરકારે જુલાઇ-20 ના પ્રારંભે જ આગામી ત્રણ મહિના સુધી ખાંડની આયાત ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે. તેથી ભારતીય શુગરની નિકાસ કરવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિના લાગી શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer