ચીની રમકડાં, સ્ટીલ અને રબરની ચીજો સહિત 370 વસ્તુઓને બીઆઇએસ ધોરણો લાગુ થશે

ચીની રમકડાં, સ્ટીલ અને રબરની ચીજો સહિત 370 વસ્તુઓને બીઆઇએસ ધોરણો લાગુ થશે
ચીની માલ ફરતે સકંજો વધુ કસવાની પેરવી 
નવી દિલ્હી તા. 28 જૂલાઇ
ભારતનું ચીન સામેનું આર્થિક યુદ્ધ ઉત્તરોત્તર ઉગ્ર બની રહ્યું છે. ચીની માલની આયાત ઘટાડવાના ઉદ્દેશથી સરકાર વિદેશથી આવતી સંખ્યાબંધ ચીજવસ્તુઓ માટે ગુણવત્તાનાં ધોરણો કડક બનાવવાની પેરવીમાં છે. રમકડાં, સ્ટીલના સળિયા અને ટયુબ, વપરાશ માટેનાં ઇલેક્ટ્રોનિક સાધનો, ટેલિકોમ ઉદ્યોગમાં વપરાતી ચીજવસ્તુઓ, ભારે યંત્રસામગ્રી, કાગળ,રબરની ચીજો અને કાચ જેવી ચીનથી મોટાપાયે આયાત થતી 370 જેટલી ચીજવસ્તુઓને આવતા માર્ચ સુધીમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ (બીઆઈએસ) હેઠળ આવરી લેવામાં આવશે.  
આને કારણે હલકા પ્રકારની ચીજોની આયાત પર અંકુશ આવશે. વાણિજ્ય મંત્રાલયે ગયે વર્ષે આ ચીજોને અલગ તારવી હતી. હવે અનાવશ્યક ચીજોની આયાત ઘટાડીને અને નિકાસ વધારીને આત્મનિર્ભર ભારતના ધ્યેયને સિદ્ધ કરવા માટે આ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. 
બીઆઈએસના ડિરેક્ટર જનરલ પ્રમોદ કુમાર તિવારીએ કહ્યું કે, `વાણિજ્ય મંત્રાલયે ચીની માલ સહિતની 371 આયાતી ચીજવસ્તુઓની યાદી તૈયાર કરી છે. અમે આ ચીજો માટે ગુણવત્તાનાં ધોરણો ઘડી રહ્યા છીએ. કંડલા, જેએનપીટી અને કોચીન સહિતનાં મોટાં બંદરોએ આ ધોરણોનો કડકપણે અમલ કરાવવા માટે અમારા ખાસ અધિકારીઓ મૂકવા સહિતનાં પગલાં લેવાઈ રહ્યાં છે. `  
ગ્રાહક બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને બીઆઈએસની બે વેબસાઇટ ખુલ્લી મૂકી તે નિમિત્તે તિવારીએ કહ્યું કે વાણિજ્ય મંત્રાલયે આપેલી યાદીમાંથી વિવિધ મંત્રાલયો પોતાના અખત્યાર નીચેની ચીજવસ્તુઓને અલગ તારવીને અમારી પાસે ગુણવત્તાનાં ધોરણો નક્કી કરાવવા માટે આવી રહ્યાં છે.  જો કે કેટલીક ચીજોની બહુ ઓછા પ્રમાણમાં આયાત થતી હોવાથી તેમને આવાં ધોરણોની જરૂર નહીં પડે. મોટા ભાગની ચીજો માટે ગુણવત્તાનાં ધોરણો ડિસેમ્બર સુધીમાં અને બાકીની ચીજો માટે માર્ચના અંત સુધીમાં જાહેર થઇ જશે, એમ તેમણે ઉમેર્યું હતું. 
આ હિલચાલનો દેખીતો ઉદ્દેશ આયાતી માલસામાનની ગુણવત્તા ચકાસવાનો હોવાનું કહેવાયછે, પરંતુ તેના નિશાન પર ચીનથી આવતી આવતી ચીજવસ્તુઓ છે એ સ્પષ્ટ છે. 
ભારત સરકાર માત્ર ચીનથી આવતી ચીજવસ્તુઓ જ નહિ પણ ચીની માલિકીની મોબાઈલ એપ્સનો વપરાશ પણ બંધ કરાવવા ઈચ્છે છે. ગયે મહિને ચીની માલિકીની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી તાજેતરમાં એની પ્રતિકૃતિ જેવી બીજી 47 એપ્સ પર પ્રતિબંધ મૂકાયો હતો. બધું મળીને અઢીસો જેટલી એપ્સ પર સરકાર નજર રાખી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer