ટીનમાં માલખેંચથી તેજી ઔદ્યોગિક અને ઊર્જા ક્ષેત્રે ટીનનો વપરાશ વધવાના પ્રબળ સંજોગો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ તા. 31 જૂલાઇ 
ટીનનો એલએમઈ ખાતેનો સ્ટોક 29 જૂલાઈએ 3995 ટન થવા સાથે શાંઘાઇ બજારમાં ટીનનો ભાવ ત્રણ મહિનાની ટોચે રહેતાં લંડન ખાતેનો વાયદો ટન દીઠ 18141 ડોલરની ઉંચાઇએ બંધ રહ્યો હતો, જે ચાર અઠવાડિયામાં 1346 ડોલરનો વધારો સૂચવે છે. 
વૈશ્વિક સ્તરે કોરોનાના પ્રકોપથી અધમૂઆ થયેલાં અર્થતંત્રો અને ઉદ્યોગોની બેહાલી પછી હવે વૈશ્વિક ધાતુબજારોમાં પુન: ઉથલપાથલના સંજોગો નિર્માણ થઇ રહ્યા છે. ટીન સૌથી ઓછું ઉત્પાદન અને સ્ટોક ધરાવતી ધાતુ હોવાથી તેના ભાવની વધઘટ અતિ ઝડપી હોઇ શકે છે તેવો નિર્દેશ જૂનમાં `વ્યાપારે`આપ્યો હતો. 
દરમિયાન તાજેતરનું સંશોધન ટીનનો ઔદ્યોગિક અને ઉર્જા ક્ષેત્રે વપરાશ વધવાનું સૂચન કરે છે. પરંપરાગત રીતે નાનીમોટી ચીજોનાં કન્ટેનર, દવાના પાડિંગ મટીરીયલ અને ઇલેકટ્રીક ફાટિંગમાં સીમિત વપરાશ માટે જાણીતી ટીન જેવી ધાતુઓમાં સટોડિયાઓનો રસ ઓછો રહેતો આવ્યો છે. પરંતુ વૈશ્વિક બજારોના ધુરંધર ખેલાડીઓ વૈશ્વિક સ્તરે બનતી તમામ પ્રકારની સારીનરસી ઘટનાઓ અને તેમની અસરોનો વ્યાપક અભ્યાસ કરીને પોતાના રોકાણના નિર્ણયોને ફેરવતા હોય છે. 
જપાનથી મળતા અહેવાલ પ્રમાણે યુનિવર્સિટી ઓફ ટોકયોએ કરેલા તાજા સંશોધન પ્રમાણે ટીન ડાયોકસાઇડમાંથી તૈયાર થયેલ અત્યંત પાતળી અને પારદર્શક ફિલ્મ હવે મહત્વના સેમીકન્ડકટર તરીકે ઉપયોગમાં લઇ શકાશે. આ ફિલ્મ ભવિષ્યમાં વીજળી અને ઉર્જા ટેકનોલોજી માટે ક્રાંતિકારી બનવાની સંભાવના છે. આ ફિલ્મ થકી પ્રકાશનું વહન અતિ ઝડપી અને સ્પષ્ટ બનશે. બીજી તરફ ટીન ડાયોકસાઇડ ફિલ્મ ફોટોવોલ્ટેઇક સૌર ઉર્જા પેનલ અને એલઇડી લાઇટ્સમાં વ્યાપકપણે ઉપયોગી બનશે એમ સંશોધક શોઈશિરો નાકાઓએ જણાવ્યું છે. આ ફિલ્મ પ્લાસ્ટિક અને કાચ કરતા વધુ પારદર્શક હોવાથી તેનો ઉપયોગ વધશે એમ યુનિવર્સીટીનો રસાયણ વિભાગ માને છે. 
અહેવાલનાં તથ્યોને સમજવાથી સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં ઉર્જા બચત અને સુરક્ષાને વધુ મહત્વ આપવાની ફરજ પડવાની હોવાથી ટીનનો ઔદ્યોગિક ઉપયોગ વધવાના પ્રબળ સંજોગો છે. આંતરરાષ્ટ્રીય સટ્ટાખોરો અને હેજફંડો 2021માં સોનાચાંદીમાં નવી ઉંચાઇ સપાટી દાખવીને નફાતારવણીના ડોલર ટીનમાં રોકે તો આશ્ચર્ય નહીં થાય એમ ધાતુ બજારના સ્થાનિક ખેલાડીઓ સ્વીકારી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer