કપાસિયાં ખોળના ભાવ ઉપર દબાણ હજી વધી શકે છે

વિશેષ પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 31 જુલાઈ 
કપાસિયાં ખોળના ભાવ નીચે જઇ રહ્યા છે તેમજ તે અટકવાના હાલ કોઇ સંકેત મળી રહ્યા નથી. કપાસિયાં ખોળના ભાવ સતત તૂટવાનું કારણ દેશમાં સારા વરસાદથી ઘાસચારાની વધેલી ઉપલબ્ધતા,અન્ય વૈકલ્પિક પશુ આહાર સસ્તા થવા તેમજ હાલના ખોળની ગુણવત્તા નબળી હોવી છે.   
દેશ વ્યાપી લોકડાઉનના લીધે દૂધનો વપરાશ અને ભાવમાં પણ ઘટાડો આવ્યો છે જેના લીધે હવે પશુપાલક પશુઓને કપાસિયાં ખોળ ખવડાવવાનું ટાળી રહ્યા છે કારણ કે તેના ભાવ અન્ય પશુ આહારની તુલનાએ ઊંચા છે. પશુઓમાં દૂધનું ફેટ વધારવા માટે કપાસિયાં ખોળનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે મકાઇ, ઘઉંની ભૂસી, ચણા ખોળ જેવા વૈકલ્પિક પશુ આહાર જે પાછલા વર્ષે આ દિવસોમા 20 રૂપિયા પ્રતિકિગ્રા સુધી વેચાઇ રહ્યા હતા, હવે 12-13 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ ગયા છે. તે ઉપરાંત ચાલુ વર્ષે ચોમાસાના સમયસર આગમનથી ઘાસચારાની અછત થઇ નથી જેનાથી પશુઓને લીલું ઘાસ મળી રહ્યુ છે. 
સામાન્ય રીતે કોટન સીડઓઇલ કેકમાં એપ્રિલમાં મંદી આવે છે તેમજ ઓગસ્ટમાં તેના ભાવ વધી જાય છે પરંતુ આ વખતે સ્થિતિ તદ્દન ઉલટી દેખાઇ રહી છે. અલબત નવો કોટન સીડ ઓલ કેક ઓક્ટબરમાં આવશે પરંતુ ચાલુ વર્ષે અન્ય વૈકલ્પિક પશુ આહાર જંગી પ્રમાણમાં ઉપલબ્ધ છે જેના લીધે અન્ય પશુ આહારનો ઉપયોગ વધ્યો છે. 
ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશન, કડી (ગુજરાત)ના અધ્યક્ષ પ્રહલાદ પટેલનું કહેવુ છે કે કોટન સીડઓલ કેકમાં તેજીની શક્યતા દેખાઇ રહી નથી. કડીમાં કોટન સીડ ઓઇલ કેક 1200- 1230 રૂપિયા પ્રતિ 60 કિગ્રાના ભાવે વેચાઇ રહ્યુ છે, જે નવી સીઝન શરૂ થાય તે પહેલા 1100 રૂપિયા પ્રતિ 60 કિગ્રા સુધી જવાની સંભાવના છે. તેઓ કહે છે કે, હાલના સમયે ગુણવત્તાવાળા કેકની અછત છે અને સીસીઆઇની પાસે જે કોટન સીડ છે તેનો ખોળ અત્યંત નબળી ગુણવત્તાવાળો બની શકે છે. કડી બજારમાં દિવાળી પહેલા નવો ખોળ આવવાની અપેક્ષા છે. તેઓ કહે છે કે ચાલુ વર્ષે વરસાદ સમયસર આવવાથી ઘાસચારાની અછત નથી, જેના લીધે ખોળની ઘરાકી પ્રભાવિત થઇ છે.  
ઓલ ઇન્ડિયા કોટન સીડ ક્રશર્સ એસોસિએશનના પ્રમુખ અવધેશ સેજપાલનું કહેવુ છે કે ગુજરાત ખાસ કરીને કડીમાં કોટન સીડઓઇલ કેકનો સ્ટોક ચાર લાખ બોરી (પ્રતિ બોરી 60 કિગ્રા) છે જ્યારે આ જથ્થો અંદાજ 15 લાખ બોરી જેટલો થાય છે. સ્ટોક ઓછો હોવા છતાં કોટન સીડ ઓઇલ કેકના ભાવ ઉપર જઇ રહ્યા નથી, જ્યારે ઓગસ્ટમાં હંમેશા ખોળના ભાવ ઉંચા રહે છે.   
સેજપાલનું કહેવુ છે કે નબળી ગુણવત્તાવાળો ખોળ હોવાથી પશુપાલક તેને ખરીદવાથી છટકી રહ્યા છે તેમજ અન્ય વિકલ્પ અજમાવી રહ્યા છે. તેઓ કહે છે કે ગુજરાતમાં 15 સપ્ટેમ્બરની આસપાસ નવા ખોળની આવક થશે પરંતુ સારા ખોળની માટે ઓક્ટોબર સુધી રાહ જોવી પડશે. હાલ તેના ભાવ વધવાની કોઇ સંભાવના દેખાઇ રહી નથી. 
મુંબઈની પૃથ્વિ ફિનમાર્ટના કોમોડિટી હેડ મનોજ કુમાર જૈનનુ કહેવું છે કે કોટન સીડ ઓઇલ કેકે 22 જૂન 2020ના રોજ ચાર્ટ પર ડબલ ટોપ ફોર્મેશન બનાવી હતી અને ત્યારથી તે સતત ઘટી રહી છે. કોમોડિટી એક્સચેન્જ એનસીડીઇએક્સ ખાતે તેણે 1760 રૂપિયાની નીચેનું લેવલ સ્પર્શ્યુ છે. હવે તેને 1700- 1720નો સપોર્ટ છે. જો તે 1720 રૂપિયાની નીચે જાય તો તેમાં વધુ ઘાટડો જોવા મળે શકે છે જે તેને 1660- 1650 રૂપિયા સુધી ધકેલી શકે છે. કોટન સીડઓઇલ કેકમાં વૃદ્ધિ 1720 રૂપિયાનું લેવલ જળવાઇ રહે તો જ જોવા મળી શકે છે, નહિતર 1650 રૂપિયા સુધી રાહ જોવી જોઇએ. નોંધનિય છે કે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએઆઇ) એ પાક વર્ષ 2019-20 (ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં દેશમાં કપાસનો ઉત્પાદન અંદાજ 330 લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી 170 કિગ્રા) આંકવામાં આવ્યો છે. નવું કોટન વર્ષ પહેલી ઓક્ટોબરથી શરૂ થાય છે, જેનું ઉત્પાદન વર્ષ 2018-19માં 312 લાખ ગાંસડી હતુ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer