ઔદ્યોગિક શ્રમિકો માટેના ફુગાવામાં જૂનમાં ઘટાડો

નવી દિલ્હી, તા. 31 જુલાઈ
ઔદ્યોગિક શ્રમિકો માટેના રિટેલ ફુગાવામાં જૂન મહિનામાં ઘટાડો નોંધાયો હતો. એક વર્ષ અગાઉ આ આંકડો 8.59 ટકા હતો એ આ વર્ષે ઘટીને 5.06 ટકા આવ્યો હતો. ખાદ્ય સામગ્રીઓ અને કેરોસીનના ભાવમાં ઘટાડાને કારણે ફુગાવો નીચે આવ્યો હતો.  મે 2020માં ઔદ્યોગિક શ્રમિકો માટેનો ફુગાવો 5.10 ટકા હતો. 
ફૂડ ઈન્ફ્લેશન જૂન 2020માં 5.49 ટકા રહ્યો હતો જે એક મહિના અગાઉ 5.88 ટકા અને એક વર્ષ પહેલા 5.47 ટકા હતો. 
શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે કહ્યું હતું કે ઓલ-ઇન્ડિયા ઇન્ડેક્સ જૂન 2020માં 332 હતો જે અગાઉના મહિના સામે બે પોઇન્ટ વધુ હતો પણ વાર્ષિક ફુગાવાનો દર ઘટીને 5.06 ટકા થયો હતો.  આ આંકડો મહત્વનો છે કેમ કે સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના એકમો, બેંકો અને વીમા કંપનીઓ માટે મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં તેનો ઉપયોગ થાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer