ગારમેન્ટના 25થી 30 ટકા કારખાના બંધ પડી જવાની શક્યતા

સીએમએઆઈનો સર્વે : ભારે બેરોજગારી સર્જાશે લોન ડૂબમાં જવાનું પ્રમાણ વધશે
દેવચંદ છેડા
મુંબઈ, તા. 31 જુલાઈ
ધી ક્લોધિંગ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએમએઆઈ)ના પ્રમુખ રાકેશ બિયાનીએ જણાવ્યું છે કે ગારમેન્ટ ઉદ્યોગનું ભાવિ ધૂંધળું દેખાય છે અને નાના એકમોને ટકવું મુશ્કેલ બની જશે.
સીએમએઆઈના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે 25થી 30 ટકા એકમો બંધ પડી જવાની દહેશત છે. આ વર્ષે ટકી જનાર કંપનીઓ પણ રોજગારમાં 25થી 30 ટકાનો ઘટાડો કરે તેવી સંભાવના છે. ઉપપ્રમુખ રાજેશ મસંદએ જણાવ્યું હતું કે નોર્મલ બિઝનેસ સ્થિતિ સ્થપાતાં એકાદ વર્ષ નીકળી જશે.
ગારમેન્ટની 85000 ફેક્ટરીઓ છે જે મોટા ભાગે એમએસએમઈ ક્ષેત્રની છે. પ્રી-કોવિડ સમયમાં 120 લાખ કામદારો આ ક્ષેત્રે કામ કરતા હતા. સીએમએઆઈએ તેના સભ્યોમાં હાથ ધરેલા ત્રીજા સર્વેમાં 74 ટકા સભ્યોએ જણાવ્યું છે કે જૂન 2020ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં વેચાણ 90 ટકા ઘટયું છે. બાકીના 13 ટકા સભ્યોએ વેચાણમાં 75 ટકાનો ઘટાડો દર્શાવ્યો છે.
જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરના સંયોગો પણ ધૂંધળા છે. 95 ટકા સભ્યો માને છે કે તેઓ તેની સ્થાપિત ક્ષમતાનો 50 ટકાથી ઓછો ઉપયોગ કરી શકશે. 68 ટકાનો મત એવો છે કે આગામી 3 મહિનામાં 25 ટકાથી ઓછી ક્ષમતા વપરાશે. ઉદ્યોગના અડધાથી વધુ સભ્યો માને છે કે આગામી 12 મહિનામાં તેઓ 50 ટકાથી ઓછી ક્ષમતાએ કામ કરી શકશે.
95 ટકા સભ્યોને ગત ક્વાર્ટરમાં ઉધરાણીની 25 ટકાથી ઓછી રકમ મળી છે. 44 ટકા સભ્યો માને છે કે તેમની 20થી 50 ટકા ઉઘરાણી ખોટી થઈ જવાની ભીતિ છે. 10 ટકા સભ્યો માને છે કે આનાથી વધુ બેડ ડેબ્ટ જોવાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer