રિલાયન્સ ઇન્ડ., એચડીએફસી ગ્રુપના શેરોમાં નફા બુકીંગ

અમેરિકાના જીડીપી આંકડા પછી શેરબજારમાં તોફાની વધઘટ 
વ્યાપાર ટીમ 
મુંબઈ, તા.31 જુલાઈ 
સ્થાનિક શૅરબજારોમાં શુક્રવારે તોફાની વધઘટ થયા બાદ આંશિક ઘટાડે બંધ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, એચડીએફસી બૅન્કના શૅર્સમાં ઘટાડો નોંધાયો હતો. અમેરિકાના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) આંકડા નિરાશાજનક આવતા વૈશ્વિક ધોરણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખોરવાયુ હતું. 
સેન્સેક્સ 129 પોઈન્ટ્સ (0.34 ટકા) ઘટીને 37,607ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી50 શુક્રવારે 29 પોઈન્ટ્સ (0.26 ટકા) ઘટીને 11,073 બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ ત્રણ ટકા જેટલો વધીને 24ના સ્તરે બંધ રહ્યો હતો. 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ત્રિમાસિક નફો વધ્યો હોવા છતાં શુક્રવારે બીએસઈમાં કંપનીનો શૅર બે ટકા ઘટીને રૂ.2,067 બંધ રહ્યો હતો. સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના જૂન ત્રિમાસિક નાણાકીય પરિણામ સકારાત્મક આવતા બૅન્કનો શૅર 2.6 ટકા વધીને રૂ.191.45 બંધ રહ્યો હતો. 
એનએસઈમાં ક્ષેત્રવાર સૂચકાંકોમાં મિશ્ર વલણ રહ્યુ હતું. ફાર્મા ઈન્ડેક્સ, પીએસયુ બૅન્ક સૂચકાંક અને રિયલ્ટી ઈન્ડેક્સ વધ્યા હતા, જ્યારે ઓટો અને પ્રાઈવેટ બૅન્ક સૂચકાંકો ઘટાડે બંધ રહ્યા હતા. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ સૌથી વધુ 3.6 ટકા વધીને 11,148.90ના સ્તરે બંધ રહ્યો હતો. વ્યાપક બજારમાં નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 0.8 ટકા વધીને 5011ના સ્તરે બંધ રહ્યો જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 0.4 ટકા વધીને 15,471 બંધ રહ્યો હતો. 
વૈશ્વિક બજારો 
અમેરિકાની ટેક આવકમાં વધારો થતા, તેમ જ ચીન અને જપાનમાં ઉત્પાદન કામકાજે જોર પકડ્યુ હોવા છતાં અમેરિકાના નબળા જીડીપી આંકડા અને કોરોના વાયરસનો કહેર યથાવત્ રહેતા વૈશ્વિક ધોરણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખોરવાયુ હતું. 
કોરોના વચ્ચે પણ નોકિયા, બીએનપી પારિબસની આવક પ્રોત્સાહિત રહેતા અર્થતંત્રમાં રિકવરી આવવાની આશાએ યુરોપિયન શૅર્સ ફ્લેટ રહ્યા હતા. તેમ જ આ સર્વ કારણોની વચ્ચે ડોલર પણ નબળો પડતા ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer