આયાત વધતાં ભાવ ઉપર દબાણ મસુરના ભાવ ટેકાના ભાવ કરતાં ઊંચા

આયાત વધતાં ભાવ ઉપર દબાણ મસુરના ભાવ ટેકાના ભાવ કરતાં ઊંચા
અૉગસ્ટના અંત સુધી આયાત વધુ વધવાની સંભાવના
વિશેષ પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 31 જુલાઈ 
કેન્દ્ર સરકારે જૂન મહિનાની શરૂઆતમાં કેનેડા તેમજ ઓસ્ટ્રેલિયાથી આયાત થનાર મસૂર પર આયાત જકાત 30 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દીધી હતી જેનું પરિણામ એ આવ્યુ કે મસૂરના ભાવ પાછલા બે મહિનામાં 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘટ્યા છે. અલબત મસૂરના હાલના ભાવ તેના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) 4800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની ઉપર છે. કોરોના કાળમાં કઠોળના વધારે વપરાશથી મસૂરની હાજર બજારમાં તંગી દેખાઇ હતી જેનાથી એપ્રિલમાં મસૂરનો ભાવ 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે પહોંચી ગયો હતો. આયાત જકાતમાં ઘટાડા બાદ વધેલી આયાતને પગલે ભાવ ઘટીને 5650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે આવી ગયા છે. આયાત જકાતમાં ઘટાડા બાદ બે મલ્ટિનેશનલ કંપનીઓએ અત્યાર સુધી 1.12-1.50 લાખ ટન મસૂરની આયાત કરી છે તેમજ 31 ઓગસ્ટ સુધી વધુ એક લાખ ટન મસૂરની આયાત થવાની સંભાવના છે.   
વેપારીઓનું કહેવુ છે કે ઓગસ્ટ સુધી મસૂરની આયાત થવાની છે, એવામાં તેના ભાવ ઓગસ્ટ અંત સુધી વધતા દેખાશે નહીં. કેન્દ્ર સરકાર જો 31 ઓગસ્ટ બાદ આયાત જકાત ફરીથી 30 ટકા કરી દે તો ભાવમાં જરૂર સુધારો થશે નાહિંતર આયાતી મસુરના ભાવોને 5200-5300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી ધકેલી શકે છે.   
ભારતીય બંદરો પર જલ્દીથી એક જહાજ આવી પહોંચવાની માહિતી છે જેમાં લગભગ 53 હજાર ટન મસૂર આવી રહી છે. કેનેડાની મસૂર 620-640 ડોલર તેમજ ઓસ્ટ્રેલિયાની મસૂર 670-680 ડોલર પ્રતિ ટને ઓફર થઇ રહી છે. બંને દેશોની વચ્ચે ભાવ તફાવતને જોતા મસૂરની આયાત કેનેડાથી થઇ રહી છે. મુંબઇમાં કેનેડા મસૂર (કન્ટેઇનર) 5300 રૂપિયા, મુંદ્રા 5125-5150 રૂપિયા, હાજર 5151 રૂપિયા, ઓસ્ટ્રેલિયા (કન્ટેઇનર) 5350- 5400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઇ રહી છે. પશ્ચિમ બંગાળના કલકત્તામાં ઓસ્ટ્રેલિયાની મસૂર 5600 રૂપિયા અને વીસલ (જહાજ) 5400 રૂપિયા ક્વિન્ટલ ઓફર કરવામાં આવી રહી છે. 
કૃષિ મંત્રાલયના ત્રીજા અગ્રિમ અંદાજ મુજબ દેશમાં રવી સિઝન 2019-20 હેઠળ મસૂરનું ઉત્પાદન 14.4 લાખ ટન થવાનો અંદાજ છે જ્યારે તેનું ઉત્પાદન વર્ષ 2018-19માં 12.3 લાખ ટન, વર્ષ 2017-18માં 16.2 લાખ ટન હતુ. સામાન્ય રીતે તેનું વાવેતર 14.19 લાખ હેક્ટરમાં થાય છે. વેપારી અંદાજ મુજબ દેશમાં વર્ષ 2019-20માં મસૂરનું ઉત્પાદન 10.86 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. જ્યારે તેની આયાત 7.20 લાખ ટન રહી શકે છે. ઓપાનિંગ સ્ટોક 2.69 લાખ ટનની સાથે કૂલ સપ્લાય 20.75 લાખટન રહેશે જ્યારે તેની માંગ 18.63 લાખ ટન છે. સીઝનના અંતમાં મસૂરનો સ્ટોક 1.92 લાખ ટન રહેવી સંભાવના છે. વર્ષ 2018-19માં દેશમાં મસૂરનું ઉત્પાદન 11.92 લાખ ટન રહ્યુ જ્યારે આયાત 7.90 લાખ ટન. ઓપાનિંગ  સ્ટોક 1.50 લાખ ટનની સાથે કૂલ સપ્લાય 21.32 લાખ ટન રહ્યુ. વાર્ષિક વપરાશ 18.63 લાખ ટન બાદ અંતિમ સ્ટોક 2.69 લાખ ટન રહ્યુ.  
કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ઉત્પન્ન થનાર મસૂરનો મોટો હિસ્સો ભારતીય વેપારી એડવાન્સ લાઈસન્સ હેઠળ મંગાવી લે છે તેમજ પ્રોસેસ કરી તેની દાળને ફરીથી 90 દિવસોની અંદર નિકાસ કરી દે છે જેથી 33 ટકા જકાતની ચૂકવણીથી બચી શકાય. આ આયાતી મસૂરનો એક હિસ્સો ભારતીય બજારમાં પર વપરાયો છે જેના લીધે તેના ભાવમાં તેજી કે મંદીનું નિયંત્રણ આયાતકારોના હાથમાં રહે છે. કેન્દ્ર સરકારે વર્ષ 2020-21માં કઠોળનો બફર સ્ટોક 1.50 લાખ ટન મસૂરને શામલે કરવાની જાહેરાત કરી છે. 
એગ્રીકલ્ચર એન્ડ એગ્રી ફૂડ કેનેડા (એએએફસી)એ જણાવ્યું છે કે એએએફસીના મતે વર્ષ 2020-21માં મસૂરનો ઉત્પાદન અંદાજ  24.75 લાખ ટન મૂક્યો છે. વર્ષ 2019-20માં મસૂરનું ઉત્પાદન 21.67 લાખ ટન રહેવાની અપેક્ષા છે. આ ઉત્પાદન વર્ષ 2018-19માં 20.92 લાખટન હતુ. કેનેડાથી વર્ષ 2020-21માં 21 લાખ ટન તેમજ વર્ષ 2019-20માં 24 લાખ ટન મસૂરની નિકાસ થવાની અપેક્ષા છે જે વર્ષ 2018-19માં 20.33 લાખ ટન હતી. મસૂરનો વર્ષ 2020-21 સીઝનમાં કેરી ઓવર સ્ટોક 1.75 લાખ ટન અને વર્ષ 2019-20માં એક લાખ ટન રહેવાનો અંદાજ છે. જે વર્ષ 2028-19માં 6.31 લાખ ટન હતો. 
પ્લસિસ ઓસ્ટ્રેલિયા કોર્પે પોતાના રિપોર્ટમાં જણાવ્યુ છે કે ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2019-20માં 311500 ટન મસૂરનું ઉત્પાદન થશે જ્યારે ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસોર્સ ઇકોનોમિક્સ એન્ડ સાયન્સ એ વર્ષ 2019-20માં મસૂરનું ઉત્પાદન 3.38 લાખ ટન રહેવાનો અંદાજ છે જે વર્ષ 2018-19માં 3.23 લાખ ટન હતુ. અમેરિકન કૃષિ વિભાગ (યુએસડીએ) ની રિપોર્ટ મુજબ વર્ષ 2020-21માં અમેરિકન મસૂરનું વાવેતર પાછલા વર્ષની તુલનામાં થોડુંક ઘટીને 4.7 લાખ એકર રહેવાની સંભાવના છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer