રાજકોટના સોની બજારમાં આજથી ચોથું લોકડાઉન

બજાર સ્વયંભૂ બંધ પાળશે :  અનેક અગ્રણી ઝવેરીઓનાં નિધન, અનેક સંક્રમિત 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ.તા.11 સપ્ટે. 
એક તરફ ઉંચા ભાવ અને કોરોના મહામારીને લીધે લોકોની આવક ઘટી જતા સોનાનો ધંધો ચોપટ થઇ ચૂક્યો છે. એવામાં હવે સોની બજારના વેપારીઓમાં કોરોનાનું સંક્રમણ અતિશય વધી જતા ચોથું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. વધતા જતા કેસને લીધે વેપારીઓએ 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી સ્વયંભૂ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજકોટમાં પેલેસ રોડને બાદ કરતા સોની બજારનો જૂનો વિસ્તાર અત્યંત ગીચ છે એટલે ફટાફટ સંક્રમણ ફેલાઇ રહ્યું છે. વળી, બજારમાં જાગૃતિનો અભાવ પણ દેખાતા હવે બજાર રેડ ઝોનમાં ફેરવાઇ ગઇ હોય તેવી સ્થિતિ છે. 
રાજકોટની સોની બજારમાં આ વખતનું લોકડાઉન ચોથું છે. અગાઉ સરકારે આપેલા લોકડાઉન સહિત ત્રણ વખત બજાર બંધ રહી છે. સરકારે આપેલા લોકડાઉનમાં બજાર લાંબો સમય બંધ રહી હતી. એ પછી સમય મર્યાદા બાંધીને જેમ જ્વેલરી એસોસીએશને સ્વૈચ્છિક બંઘનું એલાન કર્યું હતુ. જોકે સફળતા ન મળી. એ પછી ગોલ્ડ ડિલર્સ એસોસીએશને બંધ રાખીને કેસ ઘટાડવા પ્રયત્નો કર્યો પણ એમાં અર્ધી બજાર ખૂલ્લી રહી હતી. જોકે આ ઘટમાળમાં સોની બજારમાં કોરોના સંક્રમણ સતત વધતું ચાલ્યું છે. કોરોનાને કારણે બજારના અનેક અગ્રણીઓનું અવસાન થતાં ગંભીરતા વધી ગઇ છે. 
પાછલા કેટલાક દિવસોમાં ઝવેરી બજારના અગ્રણીઓ  હરિશભાઇ સાહોલીયા, હંસાબેન સાહોલીયા, વજુભાઇ આડેસરા, મધુબેન આડેસરા, મનસુખભાઇ હડાળાવાળા, પીજી બારભાયા, જયંતીભાઇ બારભાયા, મુકુંદભાઇ આડેસરા, અને કિશોરભાઇ ઝવેરી કાંતિ એન્ડ કંપનીવાળાનું અવસાન થયું છે. આ યાદી ઘણી લાંબી છે. એટલું જ નહીં અસંખ્ય સોની વેપારીઓ કોરોનામાં સપડાયેલા છે. હોસ્પિટલ કે હોમ ક્વોરન્ટાઇન છે ત્યારે ફરીથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 
સોની બજારમાં થતી વાતો પ્રમાણે, સારા માઠાં પ્રસંગોમાં મોટી સંખ્યામાં લોકો જાય છે અને સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ થઇ રહ્યો છે. બીજી તરફ માસ્ક અંગે પણ જાગૃતિ બહુ ઓછી છે, સંક્રમણ ફેલાઇ રહ્યું છે. બજારમાં પણ લોકો અકારણ ભેગાં થઇ રહ્યા છે. સોનાના ઉંચા ભાવને લીધે માગ સાવ ઠપ થઇ ચૂકેલી છે ત્યારે બજારમાં જવાનો કોઇ મતલબ નથી. છતાં લોકો એકઠાં થાય છે. એકબીજાને હળેમળે છે. સંક્રમણ એ કારણે વધતું જાય છે. એ ઉપરાંત કોરોનાથી બચવા માટે તકેદારી પણ રાખવા માટે જાગૃતિ નથી એટલે કેસ સતત વધતા જતા હોવાનું સૌ માની રહ્યા છે.ખરેખર તો લોકડાઉનથી કોરોના સંક્રમણની સાંકળ તૂટે તેમ નથી. માસ્ક, ડિસ્ટન્સ અને ઘેર ઉપચારોની તકેદારી પણ રાખવી પડે તેમ છે.  
એક અગ્રણી કહે છે, સામાન્ય લોકો સંક્રમિત થયા હોય કે લક્ષણો ધરાવતા હોય છે છતાં પણ છૂપાવીને લોકોને હળેમળે છે તે બહુ જ ગંભીર બાબત છે. આ ક્રમ તોડવો જ પડે તેમ છે. લોકોએ સાવચેતી અને તકેદારીના પગલાં લઇને જ જરુરી હોય તો જ પૂરતી કાળજી સાથે મળવાનું રાખવું જોઇએ. 
હવે ફરીથી રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસીએશન, જેમ એન્ડ જ્વેલરી એસોસીએશન અને રાજકોટ ગોલ્ડ -સિલ્વર એસોસીએશને સંયુક્ત રીતે બંધ પાળવાનું નક્કી કર્યું છે. ત્યારે બજારમાં અઠવાડિયા સુધી સોપો પડી જશે. 
સોનાનો ભાવ અત્યારે વિક્રમી સપાટીએ છે. બજારમાં માગ નથી અને કદાચ શુભ પ્રસંગ માટે ગ્રાહકને સોનું ખરીદવું હોય તો પણ બજારમાં જવાનું જોખમ છે. બજારમાં જઇને ક્યાંકને ક્યાંકથી પોતે સંક્રમિત થઇ જશે તેવો ફફડાટ ગ્રાહક વર્ગમાં પણ ફેલાઇ ગયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer