ઓરિસ્સાથી શ્રમિકોને પરત લાવવા પુરીથી સુરત વચ્ચે ત્રણ ટ્રેન દોડશે

કાપડઉદ્યોગની ગાડી પૂરપાટ દોડે તેવી સંભાવના
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત તા. 11 સપ્ટે. 
લોકડાઉન દરમ્યાન સુરતથી મોટી સંખ્યામાં કારીગરોએ વતન ઓરીસ્સા, યુપી, બિહાર સહિતના રાજ્યોમાં હિજરત કરી હતી. હવે ઉદ્યોગોમાં કારીગરોની ખેંચ વર્તાઇ રહી છે. વિવિધ સંગઠનોએ એ કારણે કારીગરોને પરત લાવવા માટે શ્રમિક ટ્રેનો દોડાવવાની માગ કરી હતી. દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા તાજેતરમાં કરાયેલી ધારદાર રજૂઆતોના અંતે ઓરીસ્સાથી કારીગરોને સુરત લાવવા માટે પૂરી-સુરત વચ્ચે રેલ્વે  વિભાગે ત્રણ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.  
ચેમ્બરના કાર્યવાહક પ્રમુખ દિનેશભાઇ નાવડિયાએ જણાવ્યું હતું કે, ઓરિસ્સાના પુરીથી સુરત માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવા વડાપ્રધાન સુધી રજૂઆત કરાઇ હતી. એ પછી રેલવે વિભાગે ટ્રેન નં. 0ર843/44- પુરી- અમદાવાદ એકસપ્રેસ (સપ્તાહમાં 4 દિવસ), 2. ટ્રેન નં. 0ર973/74- પુરી- ગાંધીધામ એકસપ્રેસ (સપ્તાહમાં 1 દિવસ), 3. ટ્રેન  નં. 08401/05- પુરી- ઓખા એકસપ્રેસ (સપ્તાહમાં 1 દિવસ ) દોડાવવાની જાહેરાત કરી છે.  
ચેમ્બરે ટાંક્યું હતું કે, દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગમાં 80 ટકા શ્રમિકો ઓરિસ્સાના ગંજામ અને બહેરામપુર જિલ્લાના વતની હોવાથી તેઓને સુરત પાછા લાવવા માટે સુરત અને પુરીવચ્ચે દોડતી ટ્રેન નં. 22827 (પુરીથી સુરત), 12844 (પુરીથી અમદાવાદ), 1ર994 (પુરીથી ગાંધીધામ) અને 18401 (પુરીથી ઓખા)ને શરૂ કરાવી જોઇએ. આ ટ્રેનો શરૂ ન કરવામાં આવે તો પુરીથી સુરત માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવી. 
લોકડાઉન દરમિયાન સુરતથી 13 લાખ શ્રમિકો મધ્ય પ્રદેશ, બિહાર અને ઓરિસ્સા ગયા હતા. ભારતના અન્ય રાજ્યોમાં 60થી 70 ટકા ઉદ્યોગો શરૂ થઇ ગયા છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં શ્રમિકોના અભાવે ફકત 15 થી ર0 % જ ઉદ્યોગો ચાલી રહયાં છે. હવે શ્રમિકો સુરત આવવા માંગે છે પરંતુ પરિવહનના અભાવે આવી શકતા નથી. 
રેલ્વે વિભાગના નિર્ણય બાદ આવનારા દિવસોમાં શહેરમાં કાપડઉદ્યોગનાં કારીગરો પરત ફરશે અને સુરતમાં કા5ડઉદ્યોગની ગાડી પૂરપાટ દોડશે તેવું પ્રતિત થઇ રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer