ફેબેક્સા વર્ચ્યુઅલ કાપડ પ્રદર્શનમાં અવનવી રેન્જ મૂકાતાં ઉત્તમ પ્રતિસાદ

`વ્યાપાર' મીડિયા પાર્ટનર : ભારત સહિત દેશવિદેશના ગ્રાહકો મુલાકાત લઇ રહ્યા છે 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 11 સપ્ટે. 
મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા 24 ઓગસ્ટથી શરૂ થયેલા ફેબેક્સા વર્ચ્યુઅલ પ્રદર્શનનો લાભ હાલમાં ભારત સહિત દેશ વિદેશના વેપારીઓ લઇ રહ્યા છે. દિન પ્રતિદિન પ્રદર્શનમાં મુલાકાતીઓની સંખ્યા વધતી જાય છે. પ્રદર્શનમાં 98 જેટલા એક્ઝીબિટર્સે ભાગ લીધો છે. પ્રદર્શનના મુખ્ય આકર્ષણોમાં શુટીંગ, કોટન ટ્રાઉઝર, દરેક રેન્જના શર્ટીંગ, 44 પનાની કોટન પ્રિન્ટ, ફ્લાવર પ્રિન્ટ્સ, લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ જેમ કે કૂર્તી, પંજાબી ડ્રેસ, હોઝિયરી, નાઇટી અને સુપર ફાઇન કેન્બ્રીક, લાઇક્રા, તેમજ ડેનીમ એમ કાપડ માર્કેટની તમામ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનમાં જન્મભૂમિ જૂથનું આર્થિક અખબાર વ્યાપાર મીડિયા પાર્ટનર છે.  
મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતુ કે અમને સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. વિદેશમાંથી દુબઇ, કોલંબો યુનાઇટેડ કિંગ્ડમ તેમજ ભારતમાંથી દિલ્હી, લુધિયાણા, કાનપુર, અમૃતસર, કોલકાતા, બેંગલોર તેમજ ચેન્નઇ એમ 
દરેક સ્થળોએથી મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઓનલાઇન આવે છે. અનેક પૂછપરછો પણ આવી છે. એનાથી મોટાં કામકાજ પણ વેપારીઓને મળશે. 
તેમણે કહ્યું કે, પ્રદર્શનમાં પ્રોડક્ટસના ભાવ ડોલર ટર્મમા દર્શાવવામાં આવ્યા છે. તેનાથી વિદેશી ખરીદનારાઓને બહુ સરળતા રહે છે. દિલ્હી, ઓખલા, અને બેંગલોરના નિકાસકારો, ગારમેન્ટરોએ પણ પ્રદર્શનની મુલાકાત કરી છે. આ વર્ચ્યુઅલ પ્રદર્શનને કારણે નવા ગ્રાહકો બંધાવાની આશા દેખાય છે. 
ભૂતકાળમાં વેપારીઓ જે લોકો સાથે પણ વેપાર કરતા હતા તે સિવાય જુદી બ્રાન્ડ, એક્સપોર્ટ બાઇંગ હાઉસ અને દેશવિદેશના ગ્રાહકો અમારી સાથે જોડાશે તેવો મને ચોક્કસ વિશ્વાસ છે. અત્યાર સુધીમાં હજ્જારોની સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી છે. જોકે મુલાકાતીઓની સંખ્યાના ચોક્કસ આંકડા અંગે તેમણે જણાવ્યું હતુ કે આ આંકડાઓ હજુ અમારી પાસે આવવાના બાકી છે. તેની તમામ માહિતી ફક્તને ફક્ત પ્રમુખ પાસે જ રહેશે. પ્રદર્શન 24 નવેમ્બર સુધી ચાલવાનું છે. પ્રદર્શન આગળ ચાલશે તેમ મુલાકાતીઓની સંખ્યા વધશે જ તેવો અમને વિશ્વાસ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer