રાલિંગ લોખંડના ભાવ વધવા છતાં તારખીલામાં ડિસ્કાઉન્ટ

અમારા પ્રતિનિધિ દ્વારા  
મુંબઈ, તા. 11 સપ્ટે.  
બાંધકામ અને ફર્નિચર ઉપરાંત ઇજનેરી માલસામાન બનાવતાં એકમો અને પ્રોજેક્ટોમાં કામદારોની અછતને લીધે કામકાજ 20 ટકાની મંદ ગતિઓ ચાલુ છે. લોકડાઉન દરમિયાન વતન જતા રહેલા કામદારોમાંથી માંડ 15 ટકા જ પાછા ફર્યા હોવાનું ઉદ્યોગ સૂત્રો કહે છે. પરિણામે ઉપરોક્ત ઉદ્યોગમાં કાચી સામગ્રી તરીકે વપરાતા તારખીલા, ચપટા ખીલા, રેકસ અને વુડક્રૂની માગ સુધરતી નથી. અગાઉની સામે આ તમામ લોખંડ પ્રોડકટની માગ માત્ર 10થી 20 ટકા રહેતી હોવાનું અગ્રણી મુખ્ય સ્ટોકિસ્ટોએ જણાવ્યું છે.  
મુંબઈના હાર્ડવેરના મુખ્ય કેન્દ્ર ગણાતા નાગદેવી બજારના અગ્રણી તારખીલા સ્ટોકિસ્ટોના જણાવ્યા પ્રમાણે છેલ્લા દોઢ મહિનાથી બજારમાં કામકાજ ઓછાવત્તા પ્રમાણમાં શરૂ થયાં છે. આમ છતાં તારખીલા તથા અન્ય હાર્ડવેર પ્રોડકટના સ્ટોકિસ્ટો-વેપારીઓ નવા ઓર્ડર વિષે બહુ આશાવાદી નથી. માર્ચ અગાઉના સ્ટોકને હળવો કરવા સાથે નવો ધંધાકીય વ્યવહાર 90 ટકા માત્ર રોકડમાં થઈ રહ્યો છે. તેથી દેશાવરોનો ધંધો પણ તદ્દન ઘટી ચૂક્યો છે. છેલ્લા 15-20 દિવસમાં લોખંડ રાલિંગ પ્રોડકટના ભાવમાં આવેલા 10 ટકાનો ઉછાળો આવ્યો છે, પણ માગના અભાવે તારખીલાના ભાવ પર તેની કોઈ અસર વર્તાઈ નથી. રાલિંગ વાયરરોડમાંથી તારખીલાનું ઉત્પાદન થાય છે. પડતર વધી હોવા છતાં ઘરાકીના અભાવે તારખીલાના ઉત્પાદકો ભાવ વધારી શકતા નથી.    
સ્થાનિક સ્ટોકિસ્ટ સૂત્રોના કહેવા પ્રમાણે અનેક વેપારી-સપ્લાયરોએ ધંધો ઓછો કરવા સાથે અગાઉની બાકી વસૂલાત પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તારખીલાના ભાવ ત્રણ મહિના અગાઉના સ્તરે કવોટ થઈ રહ્યા છે. 8થી 14 ગેજ સુધીના તારખીલા 1.50 કિલોની ગૂણીના રૂા. 2200થી રૂા. 2500 વત્તા જીએસટી, ચપટાખીલા રૂા. 3000, બ્લુ ટેકસ રૂા. 4000 અને સારી કવોલિટી રૂા. 6500ના ભાવે હાજરમાં વેચાઈ રહ્યા છે. સ્ટોકિસ્ટ-સપ્લાયર સૂત્રોએ જણાવ્યું આટલા વર્ષોના અમારા અનુભવમાં મુંબઈ જેવા પશ્ચિમ ભારતના મુખ્ય હાર્ડવેર બજારમાં આ પ્રકારની અનિશ્ચિતતા અમે જોઈ નથી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer