ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસતને વર્લ્ડ ટુરિઝમ મેપ ઉપર સ્થાન

હેરિટેજ ટુરિઝમ પૉલિસીને ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 11 સપ્ટે.
રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પૉલિસી જાહેર કરવામાં આવી છે. નવી પૉલિસીથી ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ નકશા પર ચમકશે. દેશ-વિદેશના પ્રવાસીઓને રાજ્યના ઐતિહાસિક વિરાસતના સ્થાનો, હેરિટેજ પ્લેસીસ નજીકથી જોવા-માણવાનો લ્હાવો મળશે. નવી હેરિટેજ ટુરીઝમ પૉલિસીને ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે.  
રાણી કી વાવ, ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે રાજા રજવાડાના મહેલો, કિલ્લાઓ, ઐતિહાસિક વિરાસત મહત્ત્વ ધરાવતી ઇમારતોમા પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપૂર લાભ લઈ શકશે. આ પૉલિસીથી રાજ્યના પ્રવાસન અને ટુરિઝમ સેક્ટરને મંજૂરી મળશે. સાથે જ વિદેશી હુંડિયામણ પણ મેળવીને વધુ આવક મેળવી શકાશે.  
આ પૉલિસી મુજબ, ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાઓ, મિનારાઓમાં હવે હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ શરૂ કરી શકશે. જેથી 1 જાન્યુઆરી 1950 પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે.  
ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી વણ-વપરાયેલી રહેલી ઐતિહાસિક વિરાસત, ઈમારતોના પ્રવાસન આકર્ષણ માટે ઉપયોગની નવી દિશા ખોલી છે. સ્થાનિક સ્તરે રોજગાર સર્જન સાથે આ પૉલિસી નવી તકો લઈને આવશે. સાથે જ વિદેશી પ્રવાસીઓને ગુજરાતના ઈતિહાસ, સંસ્કૃતિ પ્રવાસન વૈવિધ્યથી પરિચિત કરાવવાનો ટુરિઝમ ફ્રેન્ડલી હૉલિસ્ટિક એપ્રોચ અપનાવવાનો પ્રયાસો પૉલિસી અંતર્ગત કરાયો છે. હેરિટેજ ટુરિઝમ પૉલિસી અંતર્ગત નવી શરૂ કરાનાર કે હયાત હેરિટેજ હોટલમાં રિનોવેશન એક્સપાન્શન માટે રૂપિયા 5થી 10 કરોડ સુધીની સહાય પણ મળશે.  
આ પૉલિસીમાં વિવિધ બાબતોનો સમાવેશ કરાયો છે, જેમ કે હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રકચર ને કોઈ છેડ છાડ કર્યા સિવાય આ કામગીરી કરી શકાશે, હેરિટેજ મ્યૂઝિયમ હેરિટેજ બેંકવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ નવા શરૂ કરવા કે રિનોવેશન રિસ્ટરેશન માટે 45 લાખથી 1 કરોડ સુધીની સહાય અપાશે અને પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસિડી મહત્તમ પ્રતિવર્ષ 30 લાખની મર્યાદામાં અપાશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer