કલંબોલી લોખંડ બજારમાં ગેરરીતિઓ

રાજ્ય સરકારના અૉડિટ રિપોર્ટમાં બહાર આવી અનેક વિગત
મુંબઈ, તા. 11 સપ્ટે.
પનવેલ નજીક આવેલી કલંબોલી લોખંડ બજારમાં કથિત ભારે ગેરરીતિના પગલે 2016ની સાલથી આ બજારના વ્યવસ્થાપકોને મહેસૂલી આવકમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બજારના વર્ષ 2017-18 અને 2018- 19ના થયેલા અૉડિટ રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. મહારાષ્ટ્રના ડિરેક્ટોરેટ અૉફ લોકલ ફન્ડસ અૉડિટ દ્વારા આ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે.
નિયમોના ભંગ સામે ફાઇનની વસૂલી કરવામાં નિષ્ફળતા, વાહનોની સંખ્યા સામે ટૉલ કલેક્શનમાં ઘટાડો અને ઉપલબ્ધ ભંડોળનો ઉપયોગ માર્કેટની માળખાકીય સુવિધાઓ માટે ઉપયોગ નહીં થતો હોવાની ત્રુટીઓ અૉડિટ રિપોર્ટમાં જાહેર કરવામાં આવી છે. વેપારીઓનો આક્ષેપ છે કે હવે આ બજારમાં સંખ્યાબંધ પ્લોટ ઉપર લોખંડ સિવાયના કામકાજ થઇ રહ્યા છે. કલંબોલી માર્કેટ આખા દેશમાં સૌથી મોટું સ્ટીલ બજાર છે.
માર્કેટ કમિટીના સીઇઓ રમેશ રસાળે પોતાની વિવશતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે માર્કેટમાં આવતાં વાહનોની સંખ્યા વધી રહી હોવા છતાં અમે ટૉલ વધારી શકતાં નથી. ભંડોળની અછત હોવાથી અમે અંદરના માર્ગોનું સમારકામ કરી શકતાં નથી. અમે કરોડો રૂપિયાના એરિયર્સની વસૂલી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. 
માર્કેટમાં 611 પ્લોટ ઉપર લોખંડ સિવાયનો વ્યવસાય થતો હોવાનું અૉડિટ અહેવાલમાં જાહેર થવાથી તેમાં થયેલી કથિત ગેરરીતિની તપાસ કરવાની માગણી પ્રહાર જનશક્તિ સંગઠનાએ કરી છે. 
302 હેક્ટરર્સના વિશાળ પરિસરમાં કલંબોલી સ્ટીલ બજાર ફેલાયેલી છે અને તેમાં 1947 પ્લોટ સિડકોએ લીઝ ઉપર આપ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer