ગુજરાત `ઇઝ ઓફ ડુઇંગ''માં દસમા ક્રમે શા માટે ધકેલાયું ?

વ્યાપાર દ્વારા વિશેષ અહેવાલ શ્રેણી : પાર્ટ -1 
સરકારી તંત્ર દ્વારા કાયદા-નિયમોનું ખોટું અર્થઘટન કરાતાં ઉદ્યોગોને પરેશાની 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 સપ્ટે. 
ગુજરાત સરકાર દ્વારા રોકાણકારોને આકર્ષવાના અનેક પ્રયત્નો કરવામાં આવતા હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિગમાં ગુજરાત 10મા ક્રમે ધકેલાઈ ગયું છે. 2018મા ગુજરાત પાંચમા સ્થાને હતું.  
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમા જાહેર કરવામાં આવેલા રેન્કિગ પ્રમાણે આંધ્રપ્રદેશ પ્રથમ સ્થાને છે, જ્યારે બીજા સ્થાન પર ઉત્તર પ્રદેશ, ત્યારબાદ ક્રમશ? તેલંગણા, મધ્ય પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને ગુજરાતનું સ્થાન આવે છે. આવું કેમ થયું તેના જવાબમાં સરકારના અમલીકર્તા કર્મચારીઓ દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.  
ગુજરાતમાં મોંઘી જમીનો, લાંબીલચ્ચ વહીવટી પ્રક્રિયા અને તેમાં થતો વિલંબ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું વલણ અને અન્ય રાજ્યોની તુલનાએ માર્કેટીંગનો અભાવ કારણરુપ દેખાય રહ્યો છે. 
જાણીતા ઉદ્યોગપતિ શેલૈષ પટવારીએ આ બાબતે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આના માટે સૌથી જવાબદાર જીઆઇડીસી અને જીપીસીબી (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) છે. તેમનાથી ઉદ્યોગોને જે પરેશાની થાય છે તે દૂર કરવી જોઇએ. વધુમાં પ્રોસિજરલ હેરાનગતિ તેનાથી પણ વધુ ખરાબ છે. જીઆઇડીસી એ  પોલિસી સારી જાહેર કરી છે પરંતુ નીચેના કર્મચારીઓ દ્વારા તેને ટ્વીસ્ટ કરી નાખવામાં આવે છે. આ બન્ને અંતરાયોને દૂર કરવામાં આવશે તો એક જ વર્ષમા ગુજરાત પ્રથમ ત્રણ ક્રમાંકમાં આવી જશે. આમ સરકારે સારા હેતુથી જાહેરાત કરી છે. પરંતુ અમલીકરણ યોગ્ય રીતે થતું નથી.  
જીઆઇડીસીમાં કોઇ પ્લોટ રાખી મુક્યો હોય અને પછી ધંધો ન કરે અને તેને વેચવામાં આવે તો તેની પર પ્રિમિયમ લગાવવામાં આવે છે. આને કારણે નવા લેવાલ આવતા નથી. જો આમાં સુધારો નહી કરવામાં આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે. આના માટે દરેક અધિકારીની જવાબદારી નિશ્ચિત કરવી જોઇએ. બધી જ જવાબદારી ઉદ્યોગો પર નાખી દેવામાં આવે છે તે ખોટું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer